અમદાવાદ, 12 ઓક્ટોબરઃ દેશની ટોચની બીજા ક્રમની આઈટી કંપની ઈન્ફોસિસે સપ્ટેમ્બર ત્રિમાસિક માટેના પરિણામો જાહેર કરતાં રોકાણકારો માટે શેરદીઠ રૂ. 18 પેટે વચગાળાનું ડિવિડન્ડ જારી કર્યું છે.

વચગાળાના ડિવિડન્ડ માટે રેકોર્ડ તારીખ 25 ઓક્ટોબર નિર્ધારિત કરવામાં આવી છે. જેની ચૂકવણી 6 નવેમ્બરે થશે. છેલ્લા એક વર્ષમાં ઈન્ફોસિસે કુલ શેરદીઠ રૂ. 34 ડિવિન્ડ ફાળવ્યું છે. ₹1,465.70ની શેર કિંમત પર, ડિવિડન્ડ યીલ્ડ 2.32% પર રહેશે.

ઈન્ફોસિસે ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં રૂ. 6212 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 6021 કરોડ સામે 3.2 ટકા વધ્યો છે. કોન્સોલિડેટેડ કુલ આવક વધી રૂ. 39626 કરોડ થઈ છે. ગતવર્ષે રૂ. 36933 કરોડ સામે 6.7 ટકા વધી છે.

ઈન્ફોસિસના ઓપરેટિંગ માર્જિન 0.3 ટકા ઘટી 21.2 ટકા નોંધાયા છે. કંપનીના સીએફઓ નિલંજન રોયએ માર્જિનમાં ઘટાડા અંગે જણાવ્યું હતું કે, હાલમાં જ અમે માર્જિનમાં સુધારો કરવાની યોજના ઘડી છે. જે અમારી કાર્યકારી ક્ષમતાની તકોને ઓળખી માર્જિનમાં વધારો કરશે.

ઈન્ફોસિસના સીઈઓ અને એમડી સલિલ પારેખે જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર ક્વાર્ટરમાં મોટા સોદાને કારણે એક વર્ષ અગાઉના સમયગાળાની સરખામણીમાં લગભગ ત્રણ ગણા વધીને $7.7 અબજ થયા હતા. અમારી પાસે તમામ વર્ટિકલ્સ અને ભૌગોલિક વિસ્તારોમાં ફેલાયેલા Q2 માં USD 7.7 અબજના સૌથી મોટા સોદા હતા.

પારેખે ઉમેર્યું હતું કે, “આ અનિશ્ચિત મેક્રો-પર્યાવરણમાં, પરિવર્તનના લાભો તેમજ ઉત્પાદકતા અને ખર્ચમાં બચતના લાભો પહોંચાડીને, વિકસતી ક્લાયન્ટની જરૂરિયાતો સાથે સુસંગત રહેવાની અને તેની સાથે સુસંગત રહેવાની અમારી ક્ષમતાનો પુરાવો છે.”