ગુજરાત સ્થિત ચીરીપાલ ગ્રુપની કંપની નંદન ટેરી આઈપીઓ લાવશે નહીં. આ સાથે બેક ટુ બેક ગુજરાતની બીજી કંપનીએ આઈપીઓ ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ્સ પાછો ખેંચ્યો છે. અગાઉ ટીમ્બા સ્થિત ઉમા કન્વર્ટરે આઈપીઓ રદ્દ કર્યો હતો. નંદન ટેરીએ માર્કેટ રેગ્યુલેટર પાસેથી રૂ. 225 કરોડનો આઈપીઓ ડ્રાફ્ટ પાછો ખેંચ્યો છે. કંપની આઈપીઓ મારફત એકત્રિત ફંડનો ઉપયોગ બાકી દેવાની ચૂકવણી તેમજ કાર્યકારી મૂડીની જરૂરિયાતો પૂર્ણ કરવાની યોજના ધરાવતી હતી. તદુપરાંત પ્રિ-આઈપીઓ પ્લેસમેન્ટ દ્વારા રૂ. 40 કરોડ એકત્ર કરવાની હતી. 2015માં સ્થાપિત નંદન ટેરી ટેરી ટાવેલ્સ, ટાવેલિંગ પ્રોડક્ટ્સનું ઉત્પાદન ઉપરાંત કોટન યાર્ન પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે. કંપનીએ આઈપીઓ પાછો ખેંચવા અંગેનું કારણ જણાવ્યુ નથી. ગત મહિને ઉમા કન્વર્ટરે પણ 36 કરોડનો આઈપીઓ ડ્રાફ્ટ પાછો ખેંચ્યો હતો.

નોકિયા-શાઓમી ફોન બનાવતી એફઆઈએચ આઈપીઓ લાવશે

FIH મોબાઈલ્સ અને ફોક્સકોન ટેક્નોલોજી ગ્રુપની પેટાકંપની ભારત FIHના આઈપીઓને માર્કેટ રેગ્યુલેટર સેબીએ મંજૂરી આપી છે. ભારત FIH Xiaomi અને Nokia માટે ફોન બનાવે છે. કંપની IPO દ્વારા રૂ. 5,000 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, IPO હેઠળ ફ્રેશ ઈશ્યૂ મારફત રૂ. 2,502 કરોડ તેમજ ફોક્સકોન ટેકનોલોજીની અન્ય પેટાકંપની, વન્ડરફુલ સ્ટાર્સ 2,502 કરોડની OFS (ઓફર ફોર સેલ) લાવશે. ભારત FIH સૌથી વધુ કમાણી Xiaomiના સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવીમાંથી કરે છે. આઈપીઓમાંથી એકત્રિત ફંડનો ઉપયોગ બિઝનેસ વિસ્તરણ માટે કરશે.