મુંબઇ, 10 માર્ચઃ ભારતીય શેરબજારમાં નાણાકીય સાક્ષરતા અને રોકાણકારોમાં જાગૃતિ વધારવા માટે, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE) અને દિવ્યજ ફાઉન્ડેશને તેના સ્થાપક શ્રીમતી અમૃતા દેવેન્દ્ર ફડણવીસ અને બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી ભૂષણ ગગરાનીની હાજરીમાં સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. બોલિવૂડ અભિનેત્રી શર્વરી વાઘ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા.

ખાસ કરીને મહિલાઓ સહિત રોકાણકારોના હિતોનું શેરબજારમાં રક્ષણ કરવું એ NSE માટે સર્વોચ્ચ મહત્વનું પગલું છે અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આગોતરી તૈયારીમાં, મહિલા પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને દિવ્યજ ફાઉન્ડેશન સાથેની ભાગીદારી વાસ્તવમાં સહિયારા વિઝનને સૂચવે છે.

પ્રખ્યાત બેંકર, ગાયિકા અને સમાજ સેવિકા શ્રીમતી અમૃતા દેવેન્દ્ર ફડણવીસજી દ્વારા સ્થારપિત કરવામાં આવેલું દિવ્યજ ફાઉન્ડેશન એક જાણીતી એનજીઓ છે, જે સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને વંચિત વર્ગોના જીવનની ગુણવત્તા વધારીને તેમના ઉત્થાન માટે સમર્પિત સંસ્થા છે. જ્ઞાન, કૌશલ્ય વિકાસ અને નાણાકીય સહાય દ્વારા સશક્તિકરણના તેના વિઝનમાંથી માર્ગદર્શન મેળવીને, આ એનજીઓ શિક્ષણ, નાણાકીય સ્વતંત્રતા, આરોગ્ય સંભાળ, કૌશલ્ય વિકાસ, આરોગ્ય અને પોષણ, સ્વચ્છતા અભિયાન, મહિલા સશક્તિકરણ અને બાળ સંભાળ જેવા ક્ષેત્રોમાં સક્રિયપણે કાર્ય કરે છે.

NSE સમાજના વિવિધ સહભાગીઓ માટે સમગ્ર વર્ષ દરમિયાન નાણાકીય સાક્ષરતા અને રોકાણકાર જાગૃતિ માટેના કાર્યક્રમોનું આયોજન કરે છે. પોતાની કુશળતા અને સમુદાયિક પહોંચનો લાભ લઈને, દિવ્યજ ફાઉન્ડેશન આ પ્રકારના કાર્યક્રમોમાં લાભાર્થીઓની ઓળખ, એકત્રીકરણ અને ભાગીદારીની સુવિધામાં મદદ કરશે. આ ભાગીદારીના ભાગરૂપે, અમારો ઉદ્દેશ્ય મહિલા પોલીસ કર્મચારીઓ, BMCના કર્મચારીઓ, મુંબઈ પોલીસ, બ્લુ-કોલર્ડ મહિલા માનવબળ, દૂરના ગામડાઓની મહિલાઓ, સ્વ-સહાય જૂથો, વિદ્યાર્થીઓ તેમજ અન્યો સુધી પહોંચવાનો છે. MoU પર હસ્તાક્ષર પછી, રોકાણકાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જે આ MoUનો મુખ્ય હેતુ હતો. બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના 200થી વધુ મહિલા સહભાગીઓ માટે રોકાણકાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. NSE ખાતે SEBI SMART (સિક્યોરિટીઝ માર્કેટ ટ્રેનર) દ્વારા ઇન્ટરેક્ટિવ અવેરનેસ સેશન યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાણાકીય આયોજન રોકાણ સૂત્રો, મૂડી બજારો અને મ્યુચ્યુઅલ ફંડ્સ સહિતના મૂળભૂત નાણાકીય સાક્ષરતા વિષયોને આવરી લેવામાં આવ્યા હતા.

NSEના MD અને CEO આશિષકુમાર ચૌહાણે જણાવ્યું હતું કે નાણાકીય સાક્ષરતા અને રોકાણકારોની જાગૃતિ એ રોકાણકારોના રક્ષણ, સામાજિક એકત્રિકરણ, આર્થિક સશક્તિકરણ અને નાણાકીય સુખાકારીનો પાયો છે. દિવ્યજ ફાઉન્ડેશન સાથેનો અમારો સહયોગ એ સુનિશ્ચિત કરવા તરફનું એક ઘણુ સકારાત્મક પગલું છે કે નાણાકીય જાગૃતિ આપણા સમાજના દરેક વર્ગ સુધી પહોંચે, ખાસ કરીને વિવિધ પૃષ્ઠભૂમિમાંથી આવતી મહિલાઓ સુધી. લોકોને યોગ્ય જ્ઞાનથી સજ્જ કરીને, આપણે તેમને જાણકાર નાણાકીય નિર્ણયો લેવા માટે સશક્ત બનાવીએ છીએ, જેનાથી વધુ સમાવિષ્ટ અને સ્થિતિસ્થાપક અર્થતંત્રને પ્રોત્સાહન મળે છે. દિવ્યજ ફાઉન્ડેશન સાથેની આ ભાગીદારી સાથે નાણાકીય સાક્ષરતાને સક્ષમ બનાવવી એ નાણાકીય સમાવેશમાં પ્રવર્તતા અંતરને દૂર કરવા અને મહિલાઓ માટે આર્થિક તકો સુધીની પહોંચ તરફનું સકારાત્મક પગલું છે.