નવી દિલ્હી, જુલાઈ: નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NCDC) દ્વારા ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને લોન અને ગ્રાન્ટના સ્વરૂપમાં અપાતી નાણાકીય સહાયમાં છેલ્લા બે વર્ષમાં 1470%નો તીવ્ર ઉછાળો નોંધાયો છે. સહકારી મંડળીઓ /સંઘોને NCDC દ્વારા પૂરી પડાતી નાણાકીય સહાયનો આંક 2021-22માં રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે. નેશનલ કોઓપરેટિવ ડેટાબેઝ (એનસીડી) પોર્ટલ હેઠળ ઉપલબ્ધ ડેટા અનુસાર ગુજરાતમાં 82,143 નોંધાયેલી સહકારી મંડળીઓ છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે આ માહિતી પૂરી પાડી હતી.

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી

સહકાર મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, NCDC તરફથી દેશભરની સહકારી મંડળીઓ/ ફેડરેશનને નાણાકીય સહાયતા પૂરી પાડવામાં આવે છે. NCDC તરફથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ, છેલ્લા ત્રણ વર્ષમાં આ સંસ્થાઓને કુલ રૂ. 1,34,670.90ની રકમ લોન તરીકે અને રૂ. 1,200.04 કરોડની રકમ ગ્રાન્ટ તરીકે વિતરણ કરાઈ છે.

મંડળીઓને સદ્ધર બનાવવા, ભારત સરકારે રૂ. 2,516 કરોડના કુલ નાણાકીય ખર્ચે હાલ કાર્યરત મંડળીઓના કમ્પ્યૂટરાઈઝેશન માટેના એક પ્રોજેક્ટને પણ મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ હેઠળ 30 રાજ્યો/ યુટીની કુલ 67,009 મંડળીઓને મંજૂર કરાઈ છે જ્યારે 28 રાજ્યો/ યુટી દ્વારા હાર્ડવેર પણ ખરીદી લેવાયા છે. કુલ 25,674 મંડળીઓ ઈઆરપી સોફ્ટવેર સાથે જોડાઈ ચૂકી છે અને 15,207 મંડળીઓ લાઈવ થઈ ચૂકી છે, તેમ મંત્રીએ એક નિવેદનમાં કહ્યું હતું. આ નિવેદન મુજબ, ભારત સરકારનો રૂ. 654.22 કરોડની રકમનો હિસ્સો વર્ષ 2022-23, 2023-24 અને 2024-25માં 29 રાજ્યો/યુટી વચ્ચે રિલિઝ કરી દેવાયો છે જેનો ઉપયોગ હાર્ડવેરની ખરીદી, ડિજિટાઈઝેશન અને સપોર્ટ સિસ્ટમ સ્થાપવા કરાશે.