અમદાવાદ, 6 ઓક્ટોબરઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) એ શુક્રવારે સર્વસંમતિથી રેપો રેટ 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય જારી કર્યો છે. જેમાં છમાંથી પાંચ એમપીસી મેમ્બર્સે વ્યાજદર જાળવી રાખવા સમર્થન આપ્યુ હતું.

આરબીઆઈ દ્વારા વ્યાજદરો જાળવી રાખવા અને આર્થિક ગ્રોથની ગાડી પાટા પર હોવાના આરબીઆઈના વિશ્વાસને પગલે આજે શેરબજારોમાં સુધારાનો માહોલ જોવા મળ્યો છે. સેન્સેક્સે 3 દિવસ બાદ ઈન્ટ્રા ડે 300 પોઈન્ટ સુધરી ફરી પાછી 66 હજારની સપાટી ક્રોસ કરી હતી. નિફ્ટી પણ 19650ની અતિ મહત્વની સપાટી ક્રોસ કરવામાં સફળ રહ્યો છે. હવે તેને જાળવે તે જરૂરી છે.

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે,  “મોનેટરી પોલિસી કમિટીએ પોલિસી રેપો રેટને 6.50 ટકા પર યથાવત રાખવાનો સર્વસંમતિથી નિર્ણય લીધો હતો. પરિણામે, સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી (SDF) રેટ 6.25 ટકા અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી (MSF) રેટ અને બેન્ક રેટ 6.75 ટકા પર રહે છે.”

RBI ગવર્નરે ભારપૂર્વક જણાવ્યું હતું કે પડકારજનક સમયમાં પણ ભારતની વૃદ્ધિ સ્થિતિસ્થાપક છે. ફુગાવા સામેની લડાઈ હજુ પૂરી થઈ નથી અને આરબીઆઈએ ફુગાવાને 2-6 ટકાની વચ્ચે નહીં પરંતુ 4 ટકા પર લક્ષ્યાંકિત કરી રહી છે.

ફુગાવાના જોખમો પર સચેત જ રહેવું પડશે

અપેક્ષા મુજબ જ RBIએ તેનું વલણ અને નીતિગત દરોને યથાવત્ જાળવી રાખીને તેની યથાસ્થિતિ નીતિ જાળવી રાખી છે. આ ઉપરાંત, મધ્યસ્થ બેંકે નાણાકીય વર્ષ 2023-2024ના વૃદ્ધિ અને ફુગાવાના તેના અનુમાનો પણ યથાવત્ જાળવી રાખ્યાં છે, જેના પગલે ફુગાવાના જોખમો પર સચેત જ રહેવું પડશે. RBIએ અમારી અપેક્ષા મુજબ, હાલ પૂરતા લિક્વિડિટી એબ્ઝોર્પ્શનના કોઈ સ્થિતિસ્થાપક ઉકેલો (જેમ કે, સીઆરઆરમાં વધારો) જાહેર કર્યા નથી. જોકે, તેણે સંકેત આપ્યો છે કે, જો જરૂર પડશે તો, લિક્વિડિટીની સ્થિતિનું નિયમન કરવા માટે તેઓ ઓએમઓ વેચાણના વિકલ્પ અંગે વિચારી શકે છે. મધ્યસ્થ બેંક એ વાતનું પણ પુનરુચ્ચારણ કરે છે કે, તેઓ ફુગાવાને 4%એ સ્થિર રાખવા માંગે છે અને તેને ટાર્ગેટ રેન્જ (6%)ના ઉપલા બેન્ડથી નીચે રાખવો પૂરતું નથી. ઓએમઓ વેચાણ માટેના દ્વાર ખુલવાથી 10 વર્ષની ઉપજ વધારે થવાની સંભાવના છે. અમને આશા છે કે, સપ્ટેમ્બર મહિનામાં ફુગાવો 5.3% રહેશે અને સંપૂર્ણ વર્ષનો સરેરાશ ફુગાવો 5.4% રહેશે.– અભીક બરુઆ, HDFC બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી

ફુગાવાના અંદાજમાં સુધારો: FY24 માટે આરબીઆઈનો નવો CPI ફુગાવાનો અંદાજ 5.4 ટકા છે, Q2માં 6.4 ટકા, Q3માં 5.6 ટકા અને Q4માં 5.2 ટકા અંદાજ નિર્ધારિત કરવામાં આવ્યો છે. જ્યારે Q1FY25 માટે CPI ફુગાવો 5.2 ટકા રહેવાનો અંદાજ છે.

વૈશ્વિક પ્રવાહોથી વિપરીત, સ્થાનિક આર્થિક પ્રવૃત્તિ મજબૂત સ્થાનિક માંગ પાછળ સ્થિતિસ્થાપકતા દર્શાવે છે.

જીડીપી ગ્રોથ જાળવ્યો: RBIએ FY24 માટે GDP ગ્રોથ અંદાજ 6.5 ટકા પર યથાવત રાખ્યો છે, જેમાં Q2 GDP ગ્રોથ અનુમાન 6.5 ટકા, Q3 6 ટકા, અને Q4 GDP વૃદ્ધિ અનુમાન 5.7 ટકા રાખ્યો છે.  Q1FY25 6.6 ટકા પર યથાવત રહેવાની શક્યતા દર્શાવી છે.

સરકારી સિક્યુરિટીઝનું વેચાણઃ દાસે જણાવ્યા પ્રમાણે, મોનેટરી પોલિસીના વલણ સાથે સુસંગત લિક્વિડિટીનું સંચાલન કરવા આરબીઆઈ સરકારી સિક્યોરિટીઝના ઓએમઓ (ઓપન માર્કેટ ઓપરેશન) વેચાણ પર વિચાર કરી શકે છે.

કાર્ડ-ઓન-ફાઈલ ટોકનાઇઝેશન (COFT) માટે નવી ચેનલો: દાસે કાર્ડ-ઓન-ફાઈલ ટોકનાઇઝેશન (COFT) બનાવવાની સુવિધાઓ સીધી રજૂકર્તા બેન્ક સ્તરે રજૂ કરવાની દરખાસ્ત કરી. આ પગલાથી કાર્ડધારકોને ટોકન્સ બનાવવાની અને વિવિધ ઈ-કોમર્સ એપ્લિકેશનો સાથે તેમના હાલના ખાતાઓ સાથે લિંક કરવાની સુવિધામાં વધારો થશે.