અમદાવાદ, 10 ઓગસ્ટઃ RBIની પોલિસી બેઠકમાં રેપો રેટ 6.5 ટકાની સપાટીએ યથાવત રહ્યા પણ ફુગાવાનો અંદાજ વધ્યા બાદ ગુરુવારે ઘરેલૂ શેરબજારમાં વેચવાલીના પ્રેશર વચ્ચે નેશનલ સ્ટોક એક્સચેન્જનો NIFTY-50 19550 પોઇન્ટની સપાટી પણ જાળવવામાં નિષ્ફળ ગયો હતો. તો BSE SENSEX 308 પોઈન્ટ્સ ઘટીને બંધ રહ્યો હતો જ્યારે NIFTY 19550ની નીચે બંધ રહ્યો હતો.

RBIએ 1 લાખ કરોડની લિક્વિડિટી પરત ખેંચી લીધી

RBIએ રેપો રેટ યથાવત જાળવી રાખ્યો પણ ઈન્ક્રીમેન્ટલ સીઆરઆર લાગૂ કરીને સિસ્ટમમાંથી લિક્વિડિટી પરત ખેંચવાનું પગલું ભરતાં આજે રેટ સેન્સિટિવ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. RBIએ આ રીતે 1 લાખ કરોડની વધારાની લિક્વિડિટી પરત ખેંચી લીધી છે. આ સ્થિતિમાં વ્યાજદર પર દબાણ વધવાના ભયે રેટ સેન્સિટિવ શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. ભારતીય રિઝર્વ બેન્કના આજના નિર્ણયથી હવે 12 ઓગસ્ટથી શિડ્યુઅલ બેન્કોએ ઈન્ક્રિમેન્ટલ ડિપોઝિટ કેશ રિઝર્વ રેશિયોનું પાલન કરવું પડશે.

BSE SENSEX ઉપરમાં 65,956.25 અને નીચામાં 65,509.14 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 307.63 પોઈન્ટ્સ અથવા 0.47 ટકા ગગડીને 65688.18 પોઈન્ટ્સ સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો NIFTY પણ ઉપરમાં 19,623.60 અને નીચામાં 19,495.40 પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ 89.45 પોઈન્ટ્સ અથવા 0.46 ટકાના ઘટાડા સાથે 19543.10 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

વિવિધ સેક્ટોરલ્સમાં પણ જોવાઇ ઘટાડાની ચાલ

આજે બેન્ક, ફાઈનાન્શિયલ, ટેલીકોમ, ઓટો, રિયલ્ટી એફએમસીજી, ફાર્મા, આઈટી, ટેકનો અને કેપિટલ ગૂડ્ઝ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી જ્યારે મેટલ, પાવર, એનર્જી શેરોમાં લેવાલી જોવા મળી હતી. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.09 ટકા અને 0.15 ટકા ઘટીને બંધ રહ્યા હતા.