અમદાવાદ, 4 ફેબ્રુઆરીઃ ટાટા મોટર્સ લિમિટેડ (TML) એ તેના વ્યવસાયો કોમર્શિયલ વ્હિકલ (CV) અને પેસેન્જર વ્હિકલ (PV) બિઝનેસને બે અલગ-અલગ લિસ્ટેડ એન્ટિટીઓમાં ડિમર્જ કરવાના નિર્ણયની જાહેરાત કરી છે. ટાટા મોટર્સના CV, પેસેન્જર વ્હીકલ્સ (PV+EV), અને જગુઆર લેન્ડ રોવર (JLR) વ્યવસાયોએ અલગ-અલગ વૃદ્ધિ વ્યૂહરચના લાગુ કરી છે અને 2021થી આ વ્યવસાયો તેમના સંબંધિત CEO હેઠળ સ્વતંત્ર રીતે કાર્ય કરી રહ્યા છે.

ડીમર્જરને એનસીએલટી સ્કીમ ઓફ એરેન્જમેન્ટ દ્વારા લાગુ કરવામાં આવશે અને ટીએમએલના તમામ શેરધારકો બંને લિસ્ટેડ એન્ટિટીમાં સમાન શેરહોલ્ડિંગ રાખવાનું ચાલુ રાખશે, એમ કાર નિર્માતાએ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું. તેના માટે જરૂરી શેરહોલ્ડર, લેણદાર અને નિયમનકારી મંજૂરીઓ લેવાની રહેશે. ડિમર્જર પૂર્ણ થવા માટે વધુ 12-15 મહિના લાગી શકે છે.

TMLના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ટાટા મોટર્સ લિમિટેડના બે અલગ-અલગ લિસ્ટેડ કંપનીઓમાં વિભાજનની દરખાસ્તને મંજૂરી આપી છે જેમાં A) કોમર્શિયલ વ્હીકલ બિઝનેસ અને તેના સંબંધિત રોકાણો એક એન્ટિટીમાં અને B) PV સહિત પેસેન્જર વ્હીકલ બિઝનેસ, EV, JLR અને અન્ય એન્ટિટીમાં તેના સંબંધિત રોકાણ તરીકેનો સમાવેશ થાય છે.

ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે “તાતા મોટર્સના ત્રણ ઓટોમોટિવ બિઝનેસ યુનિટ્સ સ્વતંત્ર રીતે કામ કરી રહ્યા છે અને સાતત્યપૂર્ણ પ્રદર્શન કરી રહ્યા છે. આ ડિમર્જરના કારણે અમારા ગ્રાહકો માટે શ્રેષ્ઠ અનુભવ, અમારા કર્મચારીઓ માટે વધુ સારી વૃદ્ધિની સંભાવનાઓ અને અમારા શેરધારકો માટે ઉન્નત મૂલ્યની શક્યતા વધુ ઉજ્જવળ બનશે. કંપનીએ જણાવ્યું હતું કે કોમર્શિયલ વ્હીકલ્સ અને પેસેન્જર વ્હીકલ્સ બિઝનેસ વચ્ચે મર્યાદિત સિનર્જી હોવા છતાં, PV, EV અને JLRમાં ખાસ કરીને EVs, ઓટોનોમસ વ્હીકલ્સ અને વ્હીકલ સોફ્ટવેરના ક્ષેત્રોમાં નોંધપાત્ર સિનર્જીનો ઉપયોગ કરવામાં આવે છે, જેને ડિમર્જર સુરક્ષિત કરવામાં મદદ કરશે. કંપનીએ એવી પણ સ્પષ્ટતા કરી છે કે ડિમર્જરની કર્મચારીઓ, ગ્રાહકો અને અમારા બિઝનેસ પાર્ટનર્સ પર કોઈ પ્રતિકૂળ અસર થશે નહીં.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)