Tata Steel Q4 Results: આવક- નફો ઘટ્યા, રૂ. 3.60 ડિવિડન્ડ
નવી દિલ્હી, 3 મેઃ તાતા ગ્રૂપની ફ્લેગશિપ સ્ટીલ કંપની તાતા સ્ટીલે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ચોખ્ખો નફો ગયા વર્ષના સમાન ક્વાર્ટરની સરખામણીમાં 82 ટકા ઘટેલો નોંધાવ્યો છે. જોકે, કંપનીએ તેના શેરધારકોને રૂ. 3.60 ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1,705 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જો કે, એક વર્ષ અગાઉના સમાનગાળામાં ચોખ્ખો નફો રૂ. 9,756 કરોડની સરખામણીએ 82 ટકા ઓછો છે.
તાતા સ્ટીલે માર્ચ ક્વાર્ટર માટે રૂ. 62,961 કરોડની આવક નોંધાવી છે, જેમાં વાર્ષિક ધોરણે 9 ટકાનો ઘટાડો થયો છે, કારણ કે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ. 69,323 કરોડ હતી.કંપનીએ ઇક્વિટી શેર દીઠ રૂ. 3.60ના ડિવિડન્ડની ભલામણ કરી છે. જો એજીએમમાં શેરધારકો દ્વારા મંજૂર કરવામાં આવે તો 10 જુલાઈથી ડિવિડન્ડ ચૂકવવામાં આવશે. તાતા સ્ટીલે માર્ચમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ. 6,949 કરોડનો EBITDA નોંધાવ્યો છે. કંપનીના ભારતીય બિઝનેસ FY23 દરમિયાન અત્યાર સુધીનું સૌથી વધુ વાર્ષિક ક્રૂડ સ્ટીલ ઉત્પાદન 19.88 MT અને સૌથી વધુ 18.87 MTની ડિલિવરી હાંસલ કરી છે. કંપનીએ ત્રિમાસિક ગાળા દરમિયાન મૂડી ખર્ચ પર રૂ. 4,396 કરોડ અને સંપૂર્ણ વર્ષ માટે રૂ. 14,142 કરોડ ખર્ચ્યા છે. ક્વાર્ટર દરમિયાન ચોખ્ખું દેવું રૂ. 3,900 કરોડ ઘટીને રૂ. 67,810 કરોડ થયું હતું. લિક્વિડિટી રૂ. 28,688 કરોડ પર મજબૂત છે.