• ટેકનોલોજી અપગ્રેડ
  • દર્શન બજીઠા

ગત વર્ષમાં દુનિયાભરમાં ક્રિપ્ટોકરન્સી સૌથી વધુ ચર્ચાસ્પદ મુદ્દાઓ પૈકીનો એક રહ્યો છે એવું કહેવું અલ્પોક્તિ ગણાશે. જ્યારે એના વિશેની ચર્ચાનું પરિણામ સમગ્ર દેશમાં શું આવશે એ જોવાનું છે, ત્યારે એક હકીકતનો સ્વીકાર કરવો પડે કે, બ્લોકચેન કેટલીક વ્યવસાયિક રીતોમાં પરિવર્તન લાવવાની સંભાવના ધરાવે છે. વર્ષ 2021માં ક્રિપ્ટો-ઇકોસિસ્ટમ – NFTs, DeFiથી મેટાવર્સમાં કેટલાંક પ્રવાહોમાં વધારો જોવા મળ્યો હતો.

વોલ્ડના સીઇઓ અને સહ-સ્થાપક દર્શન બજીઠાના જણાવ્યા મુજબ, બ્લોકચેન ટેકનોલોજી ગત દાયકામાં થયેલા સૌથી મોટા ઇનોવશેન પૈકીની એક છે. આ પરિવર્તનકારક ટેકનોલોજી છે, જે ક્રિપ્ટોકરન્સી અને બિટકોઇનથી વિશેષ ઉપયોગિતા ધરાવે છે. જ્યારે એક તરફ આ ટેકનોલોજી વધારે પારદર્શકતા અને વાજબીપણું ઊભું કરવાની ક્ષમતા ધરાવે છે, ત્યારે બીજી તરફ સમય અને નાણાંની બચત કરે છે. આ તારણ પર આવવું ખોટું નહીં હોય કે, બ્લોકચેન ટેકનોલોજી સમગ્ર દુનિયામાં નાણાકીય વ્યવહારો અને વેપારવાણિજ્યની પ્રકૃતિને પરિવર્તિત કરવા સજ્જ છે તેમજ સપ્લાય ચેઇન મેનેજમેન્ટથી લઈને રિયલ એસ્ટેટ સુધીના વિવિધ ક્ષેત્રોમાં પરિવર્તનનો પવન ફૂંકવાની ક્ષમતા ધરાવે છે.

ગત દાયકામાં ઘણું બદલાઈ ગયું છે. કોવિડ મહામારીએ આપણે કેવી રીતે કામ કરીશું અને આપણે કેવી રીતે સંચાર કરીશું એને નવો આકાર આપ્યો છે. મહામારીને કારણે ટેકનોલોજીની સ્વીકાર્યતામાં થયેલા વધારાથી આ ક્ષેત્રને એકાએક મોટો વેગ મળ્યો છે, જેણે વર્ષ 2022ના પ્રથમ બે ત્રિમાસિક ગાળામાં એની વૃદ્ધિને વેગ આપવા સજ્જતા કેળવી છે. ગયા વર્ષ દરમિયાન આકાર લીધેલા થોડી મહત્વપૂર્ણ ટેકનોલોજી વર્ષ 2022 માટેની સંભવિતતા નિર્ધારિત કરવા મદદરૂપ થઈ શકે છે.

વેબ 3.0

આપણે વેબના પરિવર્તનમાં નવા તબક્કામાં પ્રવેશ કરવાની અણી પર છીએ, જ્યાં ઇન્ટરનેટ સેન્ટ્રલાઇઝ મેનેજમેન્ટ સ્ટાઇલમાંથી વધારે લોકતાંત્રિક કે સર્વવ્યાપી મોડલ તરફ અગ્રેસર થશે. વેબ 3.0 ઇન્ટરનેટની સફરનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યાં યુઝર્સ, ક્રિએટર્સ અને ડેવલપર્સ પ્લેટફોર્મ પર હિસ્સો અને અભિપ્રાય ધરાવશે. જે સેવાઓ બ્લોકચેન અને ઇન્ટરનેટ પર ચાલશે એ લગભગ મનુષ્ય જેવી બૌદ્ધિક ક્ષમતા સાથે માહિતી પર પ્રક્રિયા કરી શકશે.

વેબ 3.0 ડિસેન્ટ્રલાઇઝેશન (વિકેન્દ્રીકરણ)ની મુખ્ય વિભાવના પર નિર્મિત છે, જ્યાં માહિતી તમામ માટે ઉપલબ્ધ અને સુલભ થશે તથા ગૂગલ, ફેસબુક અને ટ્વિટર જેવી મોટી ટેક કંપનીઓ પર નિર્ભ નહીં હોય. એની પાછળનો દ્રષ્ટિકોણ એ સુનિશ્ચિત કરવાનો છે કે, યુઝર્સ દુનિયામાં કોઈ પણ જગ્યાએથી માહિતી મેળવી શકે છે અને નવા ડિજિટલ યુગમાં પ્રવેશ કરી શકશે, જે વેબ યુઝરના જીવનની ગુણવત્તામાં સુધારો કરી શકે છે. NFTs અને DeFiએ મેળવેલી માન્યતા સાથે વર્ષ 2021માં વલણ અને વેબ 3.0ની તાતી જરૂરિયાત નિર્ધારિત કરી હતી. વેબ 3.0માં પરિવર્તનનો આધાર એ આદાનપ્રદાન પર નિર્ભર હશે, જે એની પાછળ રહેલી ફિલોસોફી આસપાસ થશે.

મેટાવર્સ

ફેસબુકે પોતાનું રિબ્રાન્ડિંગ મેટા તરીકે કર્યું હતું, જેનાથી મેટાવર્સમાં નવા પ્રકારનો રસ ઊભો થયો હતો. મેટાવર્સ એક વર્ચ્યુઅલ દુનિયા છે, જે ભૌતિક દુનિયાનું એક્ષ્ટેન્શન છે, આ ડિજિટલ વાસ્તવિકતા છે, જેમાં સોશિયલ મીડિયા, ઓનલાઇન ગેમિંગ, ઓગમેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી અને ક્રિપ્ટોકરન્સીઓનો સમન્વય થશે, જેથી વર્ચ્યુઅલ યુઝર ઇન્ટરફેસની સુવિધા મળશે. મેટાવર્સ સંપૂર્ણ અને સર્વવ્યાપક બનશે, રિયલ-ટાઇમનું આંતરકાર્યક્ષમ નેટવર્ક બનશે, જે 3ડી વર્ચ્યુઅલ દુનિયાઓમાં લઈ જશે, જ્યાં યુઝર્સ કામ કરી શકે છે, ગેમ રમી શકે છે, મનોરંજન મેળવી શકે છે અને સમગ્ર દુનિયાના લોકો સાથે સંવાદ કરી શકે છે. આ ડેવલપર્સ, એપ્સ, જાહેરાતો અને નવા ડિજિટલ ઇનોવેશન માટે સંપૂર્ણ ઇકોસિસ્ટમ ઊભી કરશે, જે સેવાઓના ઉપભોગની સુવિધા આપશે.

વોલ્ડના સીઇઓ અને સહ-સ્થાપક દર્શન બજીઠાના જણાવ્યા મુજબ, મેટાવર્સ ફોન, કમ્પ્યુટર, વેરેબલ ટેક અને હેડસેટ દ્વારા સુલભ થશે, જ્યાં લોકો વ્યક્તિગત ઊભું કરી શકશે અને તેમની વર્ચ્યુઅલ ઓળખો પર કામ કરી શકશે. મેટવર્સ વિવાદાસ્પદ છે, કેટલાંક નિષ્ણાતો એને ટેકનોલોજીની દુનિયાનું દુઃસ્વપ્ન ગણાવે છે અથવા માર્કેટિંગની વ્યૂહરચના ગણાવે છે. તેમ છતાં મેટાવર્સ કશું નવું અને નવીનતા ધરાવે છે, જે આપણા હાલના જીવનમાં પરિવર્તન લાવવાની સંભાવના ધરાવી શકે છે.

મેટાવર્સ ટૂંકા ગાળાનો વિક્ષેપ હોય કે પરપોટો હોય કે એક ટ્રેન્ડ હોય, પણ એક વાત નિશ્ચિત છે કે, આ ગેમિંગ, NFTs અને ક્રિપ્ટોના સમન્વય સાથે વૃદ્ધિ માટે પ્રચૂર સંભાવના ધરાવે છે તથા મોટી કંપનીઓ નવી પેઢી સાથે કેવી રીતે સંવાદ કરશે એની દિશા નિર્ધારિત કરી શકે છે.

ડિસેન્ટ્રલાઇઝડ ફાઇનાન્સ (DeFi)

ડિસેન્ટ્રલાઇઝડ ફાઇનાન્સ અથવા DeFi ડિસેન્ટ્રલાઇઝડ બ્લોકચેન નેટવર્ક પર જાહેરમાં ઉપલબ્ધ ફાઇનાન્શિયલ એપ્લિકેશન્સ માટે મુખ્ય પ્લેટફોર્મ છે. આ તેમને કોઈ પણ વ્યક્તિના ઉપયોગ માટે ઉપલબ્ધ કરે છે તથા સામાન્ય નાણાકીય સેવાઓ પૂરી પાડવા બ્રોકરેજ, એક્સચેન્જ કે બેંકો જેવી મધ્યવર્તી નાણાકીય સંસ્થાઓ પર નિર્ભર કે આધારિત નથી. આ વચેટિયાઓ માટેની જરૂરિયાત દૂર કરે છે તથા સરકારો અને બેંકો પાસેથી જવાબદારીઓ અને અધિકારીઓ જનતાને આપે છે. ચોક્કસ, ડિસેન્ટ્રલાઇઝડ ફાઇનાન્સ હાલ વૃદ્ધિના માર્ગે અગ્રેસર ડિજિટલ અર્થતંત્રમાં સૌથી વધુ પરિવર્તનકારક છે અને નાણાના વિનિમયની રીત બદલવાની ક્ષમતા ધરાવે છે.

Defi પલ્સના આંકડા દર્શાવે છે કે, કુલ લોક થયેલું મૂલ્ય (ટીવીએલ) 101 અબજ ડોલર હતું. મે, 2020થી મેકર, કમ્પાઉન્ડ, યુનિસ્વેપ અને આવે જેવા પ્લેટફોર્મમાં ટીવીએલ 1 અબજ ડોલરથી વધીને 88 અબજ ડોલરની ટોચ પર પહોંચ્યું છે. ક્રિપ્ટો બજારોની દિશાને જોતા Defi સ્પેસ વિશે ચોક્કસ એક પ્રશ્ર થાય – હવે આ કઈ દિશામાં આગળ વધશે? ઘણા Defi પ્રોજેક્ટની ગુણવત્તા અને ઓરિજિનાલિટીનું વિશ્લેષણ કરીને કોઈ પણ વ્યક્તિ વર્ષ 2022માં આ ક્ષેત્રની કામગીરીને લઈને આશાવાદી રહી શકે છે.

સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDCs)

સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી અથવા CBDCs સેન્ટ્રલ બેંકના નાણાનું ડિજિટલ સ્વરૂપ છે, જે બ્લોકચેન પર આધારિત છે. આ મૂળભૂત રીતે ફિઆટ કરન્સીનું વર્ચ્યુઅલ સ્વરૂપ છે. સેન્ટ્રલ બેંક કે કોઈ પણ દેશની નાણાકીય સંસ્થા CBDCs ઇશ્યૂ કરે છે અને એનું નિયમન કરે છે તથા એને ઇશ્યૂ કરનાર સરકારનું પીઠબળ હોય છે. અત્યારે ઘણા CBDC પ્રાયોગિક પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે અને દુનિયાભરમાં વિકાસના વિવિધ તબક્કાઓમાં છે. ભારત સરકારે જાન્યુઆરી, 2021માં એની નેશનલ બ્લોકચેન સ્ટ્રેટેજી જાહેર કરી છે અને એનું પોતાનું ડિજિટલ ચલણ પ્રસ્તુત કરવા એક કાયદો લાવે એવી શક્યતા છે.

ચીન સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) પ્રસ્તુત કરવાની આંતરરાષ્ટ્રીય દોટમાં મોખરે છે તથા ચીનનું સરકાર-પ્રાયોજિત ડિજિટલ ચલણ યુઆનનું શેન્ઝેન, બીજિંગ અને શાંધાઈ સહિત મોટા શહેરોમાં એનું પરીક્ષણ ચાલી રહ્યું છે. એની સત્તાવાર પ્રસ્તુત માટેની સમયરેખા હજુ અસ્પષ્ટ હોવા છતાં હકીકત એ છે કે, પોતાના પરીક્ષણમાં તબક્કામાં ચીન આ જ પ્રકારની કામગીરી હાથ ધરવા અન્ય દેશોને પ્રેરિત કરે છે. CBDCs સંપૂર્ણ આંતરરાષ્ટ્રીય પેમેન્ટ ક્ષેત્રમાં પરિવર્તન લાવી શકે છે. મહામારી સાથે દુનિયા ઝડપથી ડિજિટલ પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે અને વર્ષ 2022માં વિવિધ ટેકનોલોજીઓની પ્રગતિ જોવા રોમાંચક બનશે. સ્ટાર્ટઅપ્સ, કોર્પોરેશન અને રોકાણકારો માટે આ વિકસતી ટેકનોલોજીઓ અને વ્યવસાયિક પ્રવાહોનો લાભ લેવાની સારી તક છે. (લેખકઃ સીઇઓ અને સહ-સ્થાપક, વોલ્ડ છે)