અમદાવાદ, 11 જૂનઃ નેશનલ સોલાર એનર્જી ફેડરેશન ઓફ ઈન્ડિયા (NSEFI) એ  સરકારને પત્ર લખીને ડેવલપર્સના નિયંત્રણની બહારના વિલંબને કારણે જોખમમાં મુકાયેલા અનેક રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટ્સની કાર્યક્ષમતાને સુરક્ષિત રાખવા વિનંતી કરી છે, એમ આ બાબતથી પરિચિત એક વ્યક્તિએ જણાવ્યું હતું. વડાપ્રધાન કાર્યાલયના સલાહકારને લખેલા આ પત્રમાં, ફેડરેશને વિનંતી કરી હતી કે ઇન્ટર-સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ (ISTS) ચાર્જ માફી જૂન 2026 સુધીમાં કાર્યરત થનારા અને કનેક્ટિવિટી એપ્લિકેશન સ્થિતિ, ફાયનાન્શિયલ ક્લોઝર, 50% થ્રેશોલ્ડથી વધુ જમીન સંપાદન અને જો સાધનો માટે ઓર્ડર આપવામાં આવ્યા હોય તો સંબંધિત ચોક્કસ માપદંડોને પૂર્ણ કરતા પ્રોજેક્ટ્સ સુધી લંબાવવામાં આવે.

સોલાર વેલ્યૂ ચેઈનમાં હિસ્સેદારોના વ્યાપક સ્પેક્ટ્રમનું પ્રતિનિધિત્વ કરતી ફેડરેશને જણાવ્યું હતું કે, જ્યાં ઉર્જા મંત્રાલય દ્વારા મૂળ રૂપે જાહેર કરાયેલ ISTS માફીએ નવીનીકરણીય ઉર્જાને વધુ સ્પર્ધાત્મક બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે‘, ત્યારે ફેબ્રુઆરી 2023 માં સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (CERC) દ્વારા તેના વિલંબિત અમલીકરણને કારણે ઘણા ડેવલપર્સ મૂંઝવણમાં મુકાયા હતા.

ISTS ચાર્જ એ નેશનલ ટ્રાન્સમિશન નેટવર્કનો ઉપયોગ કરીને એક રાજ્યથી બીજા રાજ્યમાં વીજળીના પરિવહન માટે લેવામાં આવતી ફી છે. આંતરરાજ્ય વીજળી ટ્રાન્સફર માટે જરૂરી ટ્રાન્સમિશન લાઇન અને અન્ય માળખાગત સુવિધાઓના નિર્માણ અને જાળવણી સંબંધિત ખર્ચને આવરી લેવા માટે તે લાદવામાં આવે છે. એક ઊર્જા  નિષ્ણાતના મતે, ISTS ચાર્જ માફ કરવામાં નહીં આવે તો 5 લાખ કરોડ રૂપિયાના રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટ્સમાં રોકાણ પર અસર પડી શકે છે.

ફેડરેશને જણાવ્યું કે, ‘ઘણા RE ડેવલપર્સે વહેલા રોકાણ કર્યા, જમીન ખરીદી, ફાયનાન્શિયલ ક્લોઝર કર્યા અને મૂળ MoPની અસલ સૂચનાના આધારે નિર્ણાયક કરારો કર્યા‘ . જોકે, CERC ની બહાલીમાં લગભગ બે વર્ષનો વિલંબ અને અન્ય અનિયંત્રિત પરિબળોને કારણે, આ ડેવલપર્સ હવે 30 જૂન, 2025 ની કમિશનિંગ સમયમર્યાદા ચૂકી જવાના જોખમમાં છે, જેના કારણે તેઓ માફી માટે અયોગ્ય બની ગયા છે.

ફેડરેશને અનેક પાસાઓ પર ધ્યાન દોર્યું, જેમાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ સંરક્ષણ પર સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસને કારણે વીજ કાયદાની કલમ 68(1) હેઠળ લાંબા સમય સુધી મંજૂરીઓ, ટ્રાન્સમિશન પ્લાનિંગ અને કનેક્ટિવિટીના અમલીકરણમાં વિલંબ અને મહત્વપૂર્ણ ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિલંબિત કમિશનિંગનો સમાવેશ થાય છે.

ફેડરેશને જણાવ્યું હતું કે જૂન 2023 પહેલા ઘણા ડેવલપર્સે ISTS કનેક્ટિવિટી માટે અરજી કરી હતી, જે ISTS માફી નીતિ સમયમર્યાદા અનુસાર હતી. જોકે, ટ્રાન્સમિશન સિસ્ટમ પ્લાનિંગ અને અમલીકરણમાં વિલંબને કારણે, મંજૂર કનેક્ટિવિટી માટેની અમલીકરણ તારીખો ઘણી મોડી, ઘણીવાર 2026 અથવા 2027 માં રજૂ કરવામાં આવી રહી છે.

ફેડરેશને માફી માટે એક માઇલસ્ટોન-આધારિત પાત્રતા માળખું પ્રસ્તાવિત કર્યું છે. તેણે ભલામણ કરી છે કે ISTS માફી મેળવવાના હેતુ માટે એવા પ્રોજેક્ટ્સ પર વિચાર કરવો જોઈએ જેમણે 30 જૂન, 2023 ના રોજ અથવા તે પહેલાં ટ્રાન્સમિશન કનેક્ટિવિટી માટે અરજી કરી હતી, ફાયનાન્શિયલ ક્લોઝર કર્યા હતા, તેના ડેવલપમેન્ટ માટે જરૂરી ઓછામાં ઓછી 50 ટકા જમીન સંપાદિત કરી હતી અને વિન્ડ ટર્બાઇન જનરેટર અને/અથવા ઇન્વર્ટર માટે ઓર્ડર આપ્યા હતા.

તેણે દલીલ કરી છે કે આ અભિગમ CERC ના નિયમો અને પમ્પ્ડ સ્ટોરેજ અને બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ્સને છૂટછાટ આપતી તાજેતરની વીજ મંત્રાલયની સૂચનાઓ સાથે સુસંગત છે. ફેડરેશને જણાવ્યું કે, ‘પ્રસ્તાવિત પાત્રતા માપદંડો ખાતરી કરશે કે ફક્ત ગંભીર અને પ્રતિબદ્ધ રિન્યૂએબલ એનર્જી ડેવલપર્સ, જેમણે તેમના પ્રોજેક્ટ ડિઝાઇન અને બિઝનેસ કમિટમેન્ટ્સમાં ISTS માફીને પરિબળ બનાવ્યું હતું, તેઓને જ આ રાહતનો લાભ મળશે.