• યુક્રેને સહાય પેટે 35 મિલિયન ડોલરના ક્રિપ્ટો મેળવ્યા

રશિયા-યુક્રેન ક્રાઈસિસ વચ્ચે અનેક લોકો યુક્રેનને આર્થિક સહાય આપવા આગળ આવ્યા છે. યુક્રેને અત્યારસુધી 35 મિલિયન ડોલરની ક્રિપ્ટો કરન્સી વોર ફંડિંગ તરીકે એકત્ર કર્યા છે. છેલ્લા થોડા દિવસથી યુક્રેનને આર્થિક સહાય આપવા ક્રિપ્ટોમાં દાનનું પ્રમાણ વધ્યું છે. પરિણામે ગત સપ્તાહે શુષ્ક રહેલા ક્રિપ્ટો માર્કેટમાં સપ્તાહની શરૂઆતથી તેજી જોવા મળી છે. બિટકોઈન 40 હજાર ડોલરની સપાટી જાળવી રાખતાં બુધવારે ઈન્ટ્રા ડે 44793.90 ડોલરની ટોચે પહોંચ્યો હતો. ઈથેરિયમ 3000 ડોલર અને પોલ્કાડોટ 19 ડોલરની સપાટી ક્રોસ કરી હતી. પ્રથમ વખત કોઈ દેશએ આર્થિક સહાય માટે ક્રિપ્ટોમાં દાન મેળવ્યું છે. યુક્રેન સરકારે શનિવારે ટ્વિટ કરી બિટકોઈન, ઈથેરિયમ યુએસડીટી જેવી ક્રિપ્ટો કરન્સીમાં દાન સ્વીકારવાની જાહેરાત કરી હતી. જાહેરાતની થોડી જ ક્ષણોમાં ક્રિપ્ટોમાં ફંડિંગ શરૂ થઈ ચૂક્યુ હતું. ક્રિપ્ટો ધારકોએ યુક્રેન સરકારને અન્ય ક્રિપ્ટોને મંજૂરી આપતા વોલેટ શરૂ કરવા માગ કરી હતી. સોમવારે પોલ્કાડોટને પણ મંજૂરી અપાઈ હતી.

3 દિવસમાં બિટકોઈન 18 ટકા વધ્યો

બિટકોઈન 3 દિવસમાં 18.23 ટકા

યુક્રેન અને રશિયાએ આર્થિક સહાય માટે ક્રિપ્ટો કરન્સી તરફ નરમ વલણ દર્શાવ્યુ છે. જેના પગલે ક્રિપ્ટો કરન્સીની માગ વધી છે. બિટકોઈન 3 દિવસમાં 18.23 ટકા વધી 44587.35 ડોલર, જ્યારે ઈથેરિયમ 15.56 ટકા વધી 3029.65 ડોલરની હાઈ સપાટીએ પહોંચી છે. પોલ્કાડોટ પણ 11.33 ટકા વધી 19.45 ડોલર પર ટ્રેડેડ હતી.

એક દિવસમાં 10.7 મિલિયન ડોલરના ક્રિપ્ટોનું દાન

યુક્રેનની સરકાર અને કમ બેક અલાઈવ જેવી બિનસરકારી સંસ્થાઓએ મંગળવારે 10.7 મિલિયન ડોલરની ક્રિપ્ટો કરન્સી મેળવી છે. યુક્રેનના ડિસેન્ટ્રલાઈઝ્ડ ઓટોનોમસ ઓર્ગેનાઈઝેશને યુદ્ધ માટે ફંડ મેળવવા ક્રિપ્ટો માટે સેટઅપ તૈયાર કર્યુ હતું. આ સંસ્થાએ 2021માં રશિયા વિરૂદ્ધ યુદ્ધ માટે સૈન્ય સહાય પેટે 5,70,000 ડોલરની ક્રિપ્ટો કરન્સી એકત્ર કરી હતી.

35 મિલિયન ડોલરનું ક્રિપ્ટો દાન યુક્રેનને

31.5 ટકા બિટકોઈન

28.2 ટકા એથર

23.4 ટકા પોલ્કાડોટ

15.9 ટકા સ્ટેબલ કોઈન

1 ટકા અન્ય ક્રિપ્ટો કરન્સી

સ્રોત: એલિપ્ટિક

દેશના 20 ટકા ધનવાનોએ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કર્યું

ક્રિપ્ટો કરન્સી અને નોન ફંજીબલ ટોકન્સની વધતી લોકપ્રિયતાના પગલે ગતવર્ષે અલ્ટ્રા હાઈ નેટવર્થ ધરાવતાં 20 ટકા ભારતીયોએ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કર્યું હતું. નાઈટ ફ્રેન્કના રિપોર્ટ અનુસાર, 226 કરોડથી વધુ (30 મિલિયન ડોલર) નેટવર્થ ધરાવતા અલ્ટ્રા હાઈ નેટવર્થ ઈન્ડિવિઝ્યુઅલ્સ ક્રિપ્ટોમાં રોકાણ વધારી રહ્યા છે. વૈશ્વિક સ્તરે 18 ટકા ધનિકો ક્રિપ્ટો જ્યારે 11 ટકા લોકો એનએફટી ધરાવે છે. ભારતમાં 10 ટકા ધનિકોએ ક્રિપ્ટો કરન્સીમાં જ્યારે 8 ટકા લોકોએ એનએફટીમાં રોકાણ કર્યુ છે. 2021માં ક્રિપ્ટો કરન્સીમાં જોવા મળેલી તેજીને પગલે ક્રિપ્ટો ઈન્વેસ્ટર્સની સંખ્યા વધી હતી. ક્રિપ્ટો એસેટ્સની ગ્લોબલ વેલ્યૂ 2021માં 12 ગણી વધી 2.4 લાખ કરોડ ડોલર થઈ હતી. હાલ 8000થી વધુ ક્રિપ્ટો કરન્સી સર્ક્યુલેશનમાં છે. ક્રિપ્ટોની વધુ પડતી વોલેટિલિટી તેમજ માર્કેટ ટ્રેન્ડનો સચોટ ખ્યાલ મેળવવો મુશ્કેલ હોવાથી તેમાં રોકાણ કરવા ઈચ્છુક રોકાણકારો માર્કેટમાં પ્રવેશ્યા નથી. હેકિંગ પણ રોકાણકારો માટે મોટો પડકાર હોવાનું 60 ટકા ધનિકોએ જણાવ્યું છે.