7 દિવસમાં 3310 પોઇન્ટની મંદીની હેલી બાદ સેન્સેક્સમાં 1000 પોઇન્ટની રાહત રેલી
સેન્સેક્સે 57000 અને નિફ્ટીએ 17000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી પાછી મેળવી
ઓવરસોલ્ડ માર્કેટમાં વેલ્યૂ બાઇંગના ટેકે, મોટાભાગના સેક્ટોરલ્સમાં સુધારાની ચાલ
અમદાવાદઃ સળંગ સાત દિવસની મંદીમાં 3310 પોઇન્ટ તૂટી ચૂકેલો સેન્સેક્સ શુક્રવારે 1016.96 પોઇન્ટના બાઉન્સબેક સાથે 57000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ક્રોસ કરી 57426.92 પોઇન્ટ બંધ રહ્યો હતો. સેન્સેક્સ 170 પોઈન્ટના ઘટાડા સાથે ખૂલ્યા બાદ 263 પોઈન્ટ તૂટ્યો હતો. જો કે, અંતે 1016.96 પોઈન્ટના વધારા સાથે 57,426.92 પર બંધ રહ્યો હતો. NSE નિફ્ટી 276.25 પોઈન્ટ (1.64 ટકા)ના વધારા સાથે 1,7094.35 પોઈન્ટના સ્તરે બંધ રહેવા સાથે 17000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી પાછી મેળવી હતી.
આરબીઆઈ દ્વારા ફુગાવાને અંકુશમાં લેવા વ્યાજદરમાં 0.50 ટકાનો વધારો તેમજ રૂપિયામાં ઘટાડો અટકાવવા ચોક્કસ પગલાંઓ લેવાની ખાતરી આપતાં જ શેરબજારમા સાર્વત્રિક સુધારાની રાહત રેલી જોવા મળી હતી.
ટેલિકોમ ઈન્ડેક્સ સૌથી વધુ 3 ટકા ઉછળ્યો
દિવાળી સુધી 5જી સ્પેક્ટ્રમ લોન્ચિંગના અહેવાલો તેમજ ટેલિકોમ કંપનીઓની સ્થિતિમાં સુધારા સાથે જ ટેલિકોમ શેર્સમાં રોકાણ વધ્યું છે. ટેલિકોમ ઈન્ડેક્સ આજે 3.49 ટકા વધ્યો હતો. ઈન્ડસ ટાવર 6.16 ટકા, ભારતી એરટેલ 4.49 ટકા વધ્યો હતો. વોડા-આઈડિયાના શેરમાં પણ 3.78 ટકાનો સુધારો જોવા મળ્યો હતો.
સેક્ટોરલ ઈન્ડેક્સમાં ફાઈનાન્સ અને બેન્કેક્સ 2.36 ટકા અને 2.66 ટકા સુધર્યા હતા. પાવર, રિયાલ્ટી, CD, CG, ઓટો શેર્સમાં 1.50 ટકાથી 2 ટકા સુધીનો સુધારો જોવા મળ્યો હતો.
રોકાણકારોએ શેમાં રોકાણ વધાર્યું
રોકાણકારોએ બેન્કિંગ, ફાઈનાન્સ, મેટલ્સ શેર્સમાં રોકાણ વધાર્યું છે. ટેલિકોમ શેર્સ પણ હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. બીજી બાજુ નબળા રૂપિયાના કારણે આઈટી, અને ટેક્નોલોજી શેર્સમાં વેચવાલીનુ પ્રેશર જોવા મળ્યુ હતું.
ઈન્ટ્રા ડે 1500 પોઈન્ટની વોલેટિલિટી
ઈન્ટ્રા ડે સેન્સેક્સમાં 1576 પોઈન્ટની વોલેટિલિટી જોવા મળી હતી. સેન્સેક્સ પેકની 30 સ્ક્રિપ્સ પૈકી 25માં સુધારો અને 5માં ઘટાડો નોંધાયો હતો. 101 સ્ટોક્સ 52 વીકની ટોચે જ્યારે 68 વાર્ષિક તળિયે પહોંચ્યા હતા. આ સાથે માર્કેટ બ્રેડ્થ પોઝિટીવ રહી હતી.
સાપ્તાહિક ધોરણે સેન્સેક્સ 672 પોઇન્ટ નરમ
સાપ્તાહિક ધોરણે નજર કરીએ તો સેન્સેક્સ આગલાં શુક્રવારના બંધ સામે 672 પોઈન્ટ તૂટ્યો છે. નિફ્ટી 233 પોઈન્ટ ઘટ્યો છે. આગામી સપ્તાહે માર્કેટ બાઉન્સ બેક થવાની શક્યતા છે.
આરબીઆઈનો નિર્ણય માર્કેટને વેગ આપશે
અર્થતંત્રની વૃદ્ધિની ગતિ પ્રત્યે આરબીઆઈના દ્રઢ વિશ્વાસે શેરબજારમાં ઘટાડાની ચાલ અટકાવી હતી. ફુગાવો 6.70 ટકા પર જાળવી રાખવાના નિર્ણય સાથે જીડીપીમાં 7 ટકાનો મજબૂત ગ્રોથ ભારતીય અર્થતંત્રની સ્થિતિસ્થાપકતા દર્શાવે છે. જોકે વૈશ્વિક પડકારો યથાવત છે. તેમ છતાં, આરબીઆઈ વધુ પડતા હોકિશ વલણથી દૂર રહી છે. આગામી આંકડાઓના આધારે રેટમાં વધારાનો નિર્ણય કરશે. – વિનોદ નાયર, રિસર્ચ હેડ, જિયોજીત ફાઈનાન્સિયલ સર્વિસિઝ
સેન્સેક્સમાં સાત દિવસની મંદીની હેલી પછી સુધારાની રેલી
Date | Open | High | Low | Close |
19/09/2022 | 58,747.31 | 59,277.55 | 58,487.76 | 59,141.23 |
20/09/2022 | 59,556.91 | 60,105.79 | 59,556.91 | 59,719.74 |
21/09/2022 | 59,504.14 | 59,799.04 | 59,275.40 | 59,456.78 |
22/09/2022 | 59,073.84 | 59,457.58 | 58,832.78 | 59,119.72 |
23/09/2022 | 59,005.18 | 59,143.32 | 57,981.95 | 58,098.92 |
26/09/2022 | 57,525.03 | 57,708.38 | 57,038.24 | 57,145.22 |
27/09/2022 | 57,376.52 | 57,704.57 | 56,950.52 | 57,107.52 |
28/09/2022 | 56,710.13 | 57,213.33 | 56,485.67 | 56,598.28 |
29/09/2022 | 56,997.90 | 57,166.14 | 56,314.05 | 56,409.96 |
30/09/2022 | 56240.15 | 57722.63 | 56147.23 | 57426.92 |