તાતા મોટર્સ ફોર્ડનો સાણંદ પ્લાન્ટ હસ્તગત રૂ. 1163 કરોડમાં ખરીદશે

2017થી 2022 સુધીમાં છ કંપનીઓની ઇન્ડિયા એક્ઝિટ એટ એ ગ્લાન્સ

જનરલ મોટર્સ2017હાલોલ, ગુજરાત
માન ટ્રક્સ2018પિથમપુર, મધ્યપ્રદેશ
UM લોહીયા2019કાશીપુર, ઉત્તરાખંડ
ફિયાટ2019રાજણગાંવ, મહારાષ્ટ્ર
હાર્લે ડેવિડસન2020બાવલ, હરીયાણા
ફોર્ડ મોટર્સ2021-22સાણંદ, ગુજરાત

ગુજરાતમાં હાલોલમાં મજૂર અશાંતિ સહિતના સંખ્યાબંધ પ્રશ્નોથી ત્રસ્ત થઇને જનરલ મોટર્સે 2017માં વાવટા સંકેલી લીધા બાદ ફોર્ડ મોટર્સે પણ રૂ. 1163 કરોડમાં તેનો સાણંદ પ્લાન્ટ તાતા મોટર્સને વેચીને વાવટા સંકેલી લીધા છે. આ સાથે ગુજરાતમાંથી બે મળી દેશમાંથી કુલ 6 ઓટો કંપનીઓએ તેમના પ્લાન્ટ બંધ કરી દીધા છે.

તાતા મોટર્સે અમેરિકન ઓટો કંપની ફોર્ડનો સાણંદ સ્થિત મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ રૂ. 1163 કરોડ (10-15 કરોડ ડોલર, અંદાજિતમાં) હસ્તગત કર્યો છે. જો કે, હાલ લેટેસ્ટ સમાચારને કોઇ સમર્થન મળ્યું નથી. તાતા મોટર્સની પેટા કંપની તાતા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી લિ.એ ફોર્ડ ઈન્ડિયા પ્રા.લિ. અને ગુજરાત સરકાર સાથે સાણંદનો પ્લાન્ટ હસ્તગત કરવા એમઓયુ સાઈન કર્યા છે. તાતા મોટર્સ સાણંદના પ્લાન્ટની જમીન, બિલ્ડિંગ, વ્હિકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ, મશીનરી, ઈક્વિપમેન્ટ સહિતની સુવિધાઓનું સંચાલન કરશે. આગામી 3થી 4 સપ્તાહમાં હસ્તગત માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે.

ફોર્ડ ઈન્ડિયાએ 2011માં ગુજરાત સરકાર સાથે સ્ટેટ સપોર્ટ એગ્રિમેન્ટ કર્યા બાદ સાણંદ જીઆઇડીસી ખાતે પ્લાન્ટ શરૂ કર્યો હતો. 350 એકરમાં વ્હિકલ એસેમ્બલી પ્લાન્ટ અને 110 એકરમાં એન્જિન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપેલા છે. કરાર બાદ તાતા મોટર્સ ફોર્ડને એન્જિનના ઉત્પાદન માટે જમીન ભાડેપટ્ટે આપશે. પીએલઆઈ પાસેથી મંજૂરી મળી હોવા છતાં ફોર્ડે ઈલેક્ટ્રિક વાહન પ્રોજેક્ટ પડતો મૂક્યો હોવાનું જાણવા મળ્યું છે. ગતવર્ષે સપ્ટેમ્બરમાં ફોર્ડ મોટરે સાણંદ અને ચેન્નઈ સ્થિત બે પ્લાન્ટમાં વાહનોનું ઉત્પાદન બંધ કરવાની જાહેરાત કરી હતી.