મુંબઇ, 17 જૂનઃ અમદાવાદ સ્થિત RBZ જ્વેલર્સે તેના પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (IPO) દ્વારા ભંડોળ ઊભું કરવા માટે મૂડી બજાર નિયમનકાર સેબી પાસે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. 10 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતો ઈશ્યુ સંપૂર્ણપણે 1 કરોડ ઈક્વિટી શેરનો તાજો ઈશ્યુ છે. DRHP મુજબ, ઇશ્યૂમાંથી મળેલી રકમમાંથી રૂ. 80.75 કરોડ સુધી કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ભંડોળ પૂરું પાડવા માટે ઉપયોગમાં લેવાશે.

RBZ જ્વેલર્સના પરિવારના સોનાના વ્યવસાયનો પાયો ગુજરાતના પાટણના જાણીતા સુવર્ણકાર બાબાભાઈ હરગોવિંદદાસ ઝવેરીએ નાખ્યો હતો. RBZ જ્વેલર્સે જથ્થાબંધ વ્યવસાયમાં ગ્રાહક આધાર સ્થાપિત કર્યો છે, જે ભારતના 19 રાજ્યો અને 72 શહેરોમાં પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક કૌટુંબિક જ્વેલર્સને સેવા આપે છે. તે ભારતમાં કુલ જ્વેલરી માંગના 41% જેટલો હિસ્સો ધરાવતાં દક્ષિણ ભારતમાં પ્રવેશવાની પણ યોજના ધરાવે છે.

કંપની અમદાવાદના સરખેજ ગાંધીનગર હાઇવે પર સ્થિત 23,966 ચોરસ ફૂટમાં ફેલાયેલી અત્યાધુનિક ગોલ્ડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ધરાવે છે. RBZ જ્વેલર્સનો ફ્લેગશિપ રિટેલ શોરૂમ હરિત ઝવેરી જ્વેલર્સ બ્રાન્ડ હેઠળ, 11,667 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે, જે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલો છે. તે શોરૂમ સ્પેસના 10,417 ચોરસ ફૂટની માલિકી ધરાવે છે અને લીઝના આધારે વધારાની 1,250 ચોરસ ફૂટ જગ્યા ધરાવે છે.

ટાઇટન, મલબાર ગોલ્ડ, જોયાલુક્કાસ, કલામંદિર જ્વેલર્સ, પીએન ગાડગીલ જ્વેલર્સ, હઝૂરીલાલ જ્વેલર્સ, ઓમ જ્વેલર્સ, સી. ક્રિશ્નિયા ચેટ્ટી જ્વેલર્સ, વુમ્મીદી બંગારુ જ્વેલર્સ અને સીએચ જ્વેલર્સ જેવા પ્રખ્યાત રાષ્ટ્રીય રિટેલર્સ દ્વારા આરબીઝેડ જ્વેલર્સને પસંદ કરવામાં આવે છે.

2023 સુધીના છેલ્લા ત્રણ નાણાકીય વર્ષો દરમિયાન કંપનીની આવકમાં 64.05%ના CAGR જોવા મળે છે.  છેલ્લા બે નાણાકીય વર્ષની સરખામણી કરીએ તો, કામગીરીમાંથી આવકમાં 14.21%નો વધારો થયો હતો, જે નાણાકીય વર્ષ 2022માં રૂ. 252.11 કરોડથી વધીને નાણાકીય વર્ષ 2023માં રૂ. 287.93 કરોડ થયો હતો. નાણાકીય વર્ષ 2021થી નાણાકીય વર્ષ 2023 સુધી કર પછીનો નફો 513.6% CAGR થી વધ્યો હતો. તાજેતરના બે નાણાકીય વર્ષોની સરખામણી કરીએ તો, કર પછીના નફામાં નોંધપાત્ર 54.96% વધારો થયો હતો, જે નાણાકીય વર્ષ 2022માં રૂ. 14.41 કરોડથી વધીને નાણાકીય વર્ષ 2023 માં રૂ. 22.33 કરોડ થયો હતો. કંપનીએ FY21માં 622 કિલોગ્રામની સરખામણીમાં FY23માં 1,058.06 કિલોગ્રામ સોનું વેચ્યું અને પ્રોસેસ કર્યું.

અરિહંત કેપિટલ માર્કેટ્સ લિમિટેડ બુક રનિંગ લીડ મેનેજર છે અને બિગશેર સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ ઓફરની રજિસ્ટ્રાર છે. ઈક્વિટી શેર બીએસઈ અને એનએસઈ પર લિસ્ટેડ થવાની દરખાસ્ત છે.