USA Visit: અમેરિકાના વિઝિટર અને બિઝનેસ વિઝા માટે 500 દિવસ રાહ જોવી પડશે
B1 અને B2 વિઝા અપ્રુવલ માટે લાગતો સમય
New Delhi | 542 Calendar Days |
Kolkata | 539 Calendar Days |
Mumbai | 596 Calendar Days |
Chennai | 531 Calendar Days |
Hyderabad | 511 Calendar Days |
નવી દિલ્હી, 30 ઓક્ટોબરઃ અમેરિકાએ કોરોના બાદ આર્થિક સ્થિતિમાં સુધારો કરવાના હેતુ સાથે વિઝા પ્રોસેસમાં અનેક રાહતોની જાહેરાતો તેમજ વિઝા વેઈટિંગ પિરિયડમાં ઘટાડો કરવાના પ્રયાસો કર્યા હોવા છતાં વિઝા પ્રક્રિયા સામાન્ય બની નથી.
બી1 અને બી2 વિઝા માટે અરજદારોએ 500 દિવસથી વધુ સમય રાહ જોવી પડશે. અમેરિકી ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ-બ્યૂરો ઓફ કન્ઝ્યુમર વેબસાઈટના તાજેતરના આંકડાઓ અનુસાર, અમેરિકા માટે પ્રવાસી તેમજ બિઝનેસ હેતુ માટે લેવામાં આવતાં વિઝા અપ્રવુલ માટે લાંબી રાહ જોવી પડશે.
શું છે બી1 અને બી2 વિઝા
B1 વિઝા વ્યક્તિઓને વ્યવસાયિક હેતુઓ માટે યુનાઇટેડ સ્ટેટ્સમાં મુસાફરી કરવાની મંજૂરી આપે છે, જ્યારે B2 વિઝા પ્રવાસીઓ, મુલાકાત લેનારા મિત્રો અને કુટુંબીજનો અને તબીબી સારવાર મેળવવા અથવા સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેવા અમેરિકાની મુલાકાત લેવા મંજૂરી આપે છે. સામાન્ય રીતે, આ વિઝા એકસાથે B1/B2 વિઝા તરીકે જારી કરવામાં આવે છે, જે ધારકને યુ.એસ.માં તેમના રોકાણ દરમિયાન વ્યવસાય અને લેઝર બંને પ્રવૃત્તિઓમાં જોડાવવા માટે સક્ષમ બનાવે છે.
આ લોકોએ રાહ જોવી પડશે નહિં
આ વેઇટિંગ પિરિયડ ઈન્ટરવ્યૂ માટે માફી ધરાવતા અરજદારો માટે લાગૂ થતો નથી. અર્થાત 14 વર્ષથી ઓછી અને 80 વર્ષથી વધુ વય ધરાવતા લોકોએ વિઝા માટે ખાસ રાહ જોવી પડશે નહીં. યુ.એસ. એમ્બેસી અથવા કોન્સ્યુલેટમાં નોન-ઇમિગ્રન્ટ વિઝા ઇન્ટરવ્યુ એપોઇન્ટમેન્ટ મેળવવા માટેનો અંદાજિત રાહ જોવાનો સમય વર્કલોડ અને સ્ટાફિંગ પર આધારિત છે.
2023માં 10 લાખ વિઝિટર વિઝા મંજૂર થશે
યુએસ મિશન ઈન્ડિયાએ નાણાકીય વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં 3.3 લાખથી વધુ પિટિશન આધારિત ટેમ્પરરી બિઝનેસ વિઝા જારી કર્યા છે, ભારતમાં યુનાઇટેડ સ્ટેટ્સના રાજદૂત એરિક ગાર્સેટીએ જણાવ્યું હતું કે પ્રથમ વખત વિઝિટર વિઝા ઇન્ટરવ્યુ માટે રાહ જોવાનો સમય 50 ટકાથી વધુ ઘટાડી દેવામાં આવ્યો છે. 2023 માટે ઓછામાં ઓછા 10 લાખ વિઝાની પ્રક્રિયા કરવાનું લક્ષ્ય છે.