શેર આજે વેચોને આજે જ રકમ બેન્કમાં જમાઃ આજે ખરીદો તો આજે જ ડિમેટ ખાતામાં જમા
આવી વ્યવસ્થામાં ભારત ટૂંકમાં જ વિશ્વનું નં. 1 બની જશે | કનુ જે દવે દ્વારા બિઝનેસ ગુજરાત માટે સ્પેશિયલ આર્ટિકલ |
મુંબઇ, 3 એપ્રિલઃ 28મી માર્ચ 2024ના દિવસે વિશ્વના શેર બજારોના ઇતિહાસમાં ભારતીય એક્સચેન્જોએ સોદો થાય તે જ દિવસે શેરની ડિલિવરી લેનારના ડિમેટ ખાતામાં જમા થાય અને વેચનારના ખાતામાં રકમ જમા થઇ જાય એવી ટ્રેડ પ્લસ ઝીરો સેટલમેન્ટ વ્યવસ્થાની પ્રાયોગિક ધોરણે શરૂઆત કરી એક નવું સોપાન ઉમેર્યું છે. અત્યાર સુધી આવી વ્યવસ્થા ધરાવતો માત્ર એક જ દેશ ચીન હતો. હવે ભારત પણ આ વ્યવસ્થા શરૂ કરી ટૂંક સમયમાં જ દેશની રોબસ્ટ સેટલમેન્ટ સિસ્ટમ અને બેંકીંગ વ્યવસ્થાના જોરે આ બાબતમાં ચીનથી આગળ નિકળી જશે. ઝડપી સોદા, ઓછું જોખમ અને બજારની કાર્યક્ષમતામાં વધારો કરનારી આ વ્યવસ્થામાં હમણા તો રોકાણકારો 25 નિર્દિષ્ટ શેરોમાં જ સોદા સવાનવથી દોઢ સુધીમાં કરી શક્શે. તે માટેના નીતિ-નિયમો પોતાના શેર-દલાલ પાસેથી જાણી લીધાં પછી જ સોદા કરવા કેમ કે અજાણપણે કોઇ શરત કે નિયમના ભંગનો ભોગ બનીને નુક્સાન ન થવું જોઇએ. રોકાણકારના ખાતામાં તે જ દિવસે શેરો અને વેચનારના ખાતામાં રકમ જમા થવાથી પતાવટમાં લાગતો ટાઇમ સોદાથી એકાદ દિવસથી ઘટી અમુક કલાકનો થવાના કારણે પતાવટ ટાઇમનું જોખમ ઘણું ઘટી જશે.
BSEમાં પહેલા દિવસે 63 દલાલોએ અને NSEમાં 66 દલાલોએ સોદા મુક્યા હતાં
બીટા વર્ઝનથી થયેલા સોદામાં ભાગ લેવાનું મરજીયાત હતું તો પણ BSEમાં પહેલા દિવસે 63 દલાલોએ અને NSEમાં 66 દલાલોએ સોદા મુક્યા હતાં. BSEમાં 41 દલાલોએ 10 શેરોમાં કુલ 329 ઓર્ડરો મુક્યા હતા તેમાંથી 90 સોદા થયા હતા. અંદાજે 49 યુનિક રોકાણકારોએ BSE થકી આ વ્યવસ્થાનો લાભ લીધો હતો. NSE ખાતે 209 ઓર્ડરો મુકાયા, તેમાં 87 યુનિક પાન ઓળખ ધરાવતાં રોકાણકારોએ ભાગ લીધો અને તેમાંથી 14 શેરોમાં 46 સોદા થયા હતા. વર્તમાન નિયમો અનુસાર સંસ્થાઓ આ વ્યવસ્થામાં ભાગ ન લઇ શકે તેથી વોલ્યુમ ઘણું ઓછું હતુ. જોકે હિસાબી વર્ષના આ તબક્કે આવી નવી વ્યવસ્થામાં લોકો એકદમ ન ઝંપલાવે એ સ્વાભાવિક ગણાય. ઉપરાંત દલાલો માટે પણ આ વ્યવસ્થાને સમજી તેના માટે સજ્જ થવા માટે થોડો સમય લાગશે એવું દલાલોના વર્તુળોમાંથી મળતા ફીડબેકમાં જણાતું હતુ.
રિટેલ રોકાણકારો માટે ઓછી મૂડીને વધુ વાર ફેરવવાનો મોકો | હાલ પૂરતું તો ટી પ્લસ ઝીરો વૈકલ્પિક છે |
ઓછી મૂડીને વધુ વાર ફેરવી પ્રોફીટ માર્જીન વધારવાની ઇચ્છા ધરાવતાં રિટેલ રોકાણકારો અને સ્વીંગ ટ્રેડરો ( તેજી કે મંદીના એક-એક હિલોળાનો લાભ લઇ કમાતા વેપારીઓ) માટે આ વ્યવસ્થા આશીર્વાદ પૂરવાર થશે એવું નિષ્ણાતો માને છે. | હાલ પૂરતું તો ટી પ્લસ ઝીરો વૈકલ્પિક છે અને ટી પ્લસ વનની સાથે સાથે જ આ વ્યવસ્થા ચાલશે. ભવિષ્યમાં આ વ્યવસ્થાની સફળતાના આધારે 25 શેરોની યાદી 500 શેરની થઇ શકે અને પૂરૂં માર્કેટ આ ટી+0 પર ગયાં પછી છેવટે તો સેબી ઇન્સ્ટન્ટ ગુલાબ જાંબુના કે ઇડલીના યુગમાં ઇન્સ્ટંટ સેટલમેન્ટ સાયકલ લાવવા કટીબદ્ધ હોય એવું એની વર્તમાન હોંશ પરથી જણાય છે! |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)