અમદાવાદ, 01 ઓગસ્ટ: એચડીએફસી બેંકે તેના ગ્રાહકોને મોટાભાગે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ્સ મારફતે રોકાણની તકો પૂરી પાડી છેતરપિંડી આચરનારા ટ્રેડિંગ પ્લેટફૉર્મ્સ અંગે સાવધ રહેવાની સલાહ આપી છે. તેની પાછળનો ઉદ્દેશ્ય ગ્રાહકોની સુરક્ષા કરવા માટે સંભવિત છેતરપિંડીઓ અંગે જાગૃતિ વધારવાનો છે.

રોકાણ સંબંધિત છેતરપિંડીઓના કિસ્સામાં છેતરપિંડી કરનારાઓ સ્ટોક્સ, આઇપીઓ, ક્રીપ્ટોકરન્સી, બિટકોઈન વગેરેમાં રોકાણ કરવા પર અસામાન્ય રીતે ઊંચું વળતર આપવાનો વાયદો કરતાં હોય છે. તેમાં નકલી ઑટોમેટેડ ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફૉર્મ્સ કે એપ્સ બનાવવામાં આવે છે, જેમાં પીડિતોને રોકાણ પર ઊંચું વળતર દર્શાવનારા નકલી ડેશબૉર્ડ્સ જોવા મળે છે. આવા પ્લેટફૉર્મ્સ સોશિયલ મીડિયા પર પોતાનો પ્રચાર કરતાં પણ જોવા મળ્યાં છે, જેમાં તેઓ લોકોને ઊંચું વળતર આપનારી સ્કીમોમાં જોડાવા માટે લલચાવે છે, જે ખરેખર તો બોગસ હોય છે. આવા છેતરપિંડી કરનારા લોકો સોશિયલ એન્જિનીયરિંગની યુક્તિઓ અજમાવીને લોકોને છેતરે છે, જોકે, સાવધ રહેવાથી અને યોગ્ય તપાસ કર્યા પછી જ લેવડદેવડ કરવાથી આવા છેતરપિંડી કરનારાઓથી બચી શકાય છે.

આ પ્રકારની છેતરપિંડીઓ અંગે ચેતવતા એચડીએફસી બેંકના ક્રેડિટ ઇન્ટેલિજેન્સ એન્ડ કન્ટ્રોલના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ મનિષ અગ્રવાલે જણાવ્યું હતું કે, ‘અમને રોકાણ સંબંધિત છેતરપિંડીઓના કિસ્સાઓમાં વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે અને અમે આ મુદ્દા અંગે વ્યાપક જાગૃતિ પેદા કરવા અને જાણકારી ફેલાવવા માંગીએ છીએ, જેથી કરીને ગ્રાહકો આ પ્રકારની છેતરામણી સ્કીમોનો ભોગ બનતા અટકી શકે. સરકાર, બેંકો અને નિયામકીય સંસ્થાઓ આ પ્રકારની છેતરપિંડીઓને રોકવા માટે પગલાં લઈ રહી છે ત્યારે લોકોની તકેદારી અને જાગૃતિ પણ આ પ્રકારની ગેરકાયદે સ્કીમોનો ભોગ બનતા અટકવામાં ઘણી મહત્ત્વની ભૂમિકા ભજવે છે.’

રોકાણ સંબંધિત છેતરપિંડીઓથી પોતાનું રક્ષણ કરવાના સૂચનો

  • રોકાણ કરતાં પહેલાં પૂરતી તપાસ કરોઃ રોકાણની તક પૂરી પાડી રહેલી કંપની કે વ્યક્તિ, તેમના ટ્રેક રેકોર્ડ અને કાયદેસરતા અંગે પૂરતું સંશોધન કરો. ફક્ત નોંધણી પામેલા બ્રોકરો મારફતે જ રોકાણ કરો.
  • ઊંચું વળતર આપનારું રોકાણઃ ઓછામાં ઓછાં જોખમની સાથે અસામાન્ય રીતે ઊંચું વળતર આપવાનો વાયદો કરનારી રોકાણની અવાંછિત તકોથી ચેતો.
  • ઓનલાઇન અને ફીઝિકલ અસ્તિત્ત્વઃ જેના તરફથી રોકાણ કરવાનું આમંત્રણ આવ્યું છે તે એન્ટિટીની સત્તાવાર વેબસાઇટ હોય, તેનો માન્ય સંપર્ક નંબર હોય અને તેનું કોઈ ફીઝિકલ સરનામું હોય તેની ખાતરી કરો.
  • તાકીદની ભાવનાઃ રોકાણની તક ફક્ત મર્યાદિત સમય માટે જ છે કે ખાસ તમારા માટે છે, એવા દાવાના દબાણ હેઠળ આવશો નહીં. આ પ્રકારની યુક્તિઓનો ઉદ્દેશ્ય ઝડપ કરવા માટે પીડિતો પર દબાણ કરવાનો અને તેમને પૂરતું સંશોધન કરતાં રોકવાનો હોય છે.
  • ભયસૂચક બાબતોઃ સર્વસામાન્ય ભયસૂચક બાબતો પ્રત્યે સચેત રહો, જેમ કે, બાંયધરીપૂર્વકનું વળતર, રોકાણની વ્યૂહરચનાઓમાં પારદર્શકતાનો અભાવ અથવા તો રોકાણ અંગે વિગતવાર માહિતી પૂરી ના પાડવી.
  • શંકાસ્પદ છેતરપિંડીઓ અંગે જાણ કરોઃ www.sancharsaathi.gov.in પર ચક્ષુ પોર્ટલ પર કોઈ પણ પ્રકારના શંકાસ્પદ કૉલ/મેસેજ અંગે જાણ કરો.

કોઈ વ્યક્તિ ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બને તેવી ઘટનામાં તેમણે કાર્ડ્સ/યુપીઆઈ/નેટ બેંકિંગ જેવી પેમેન્ટ ચેનલોને બ્લૉક કરવા આવી બિનઅધિકૃત લેવડદેવડ અંગે બેંકને તાત્કાલિક જાણ કરો, જેથી કરીને ભવિષ્યમાં થનારા સંભવિત નુકસાનને અટકાવી શકાય. આ ઉપરાંત, ગ્રાહકોએ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલા હેલ્પલાઇન નંબર 1930 પર કૉલ કરીને ફરિયાદ પણ નોંધાવી જોઇએ તેમજ નેશનલ સાઇબર ક્રાઇમ રીપોર્ટિંગ પોર્ટલ (https://www.cybercrime.gov.in) પર પણ ફરિયાદ નોંધાવી જોઇએ.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)