સેન્સેક્સે 1439 પોઇન્ટનો માર્યો જમ્પ, ઐતિહાસિક ટોચ નોંધાવતાં મંદી વાળા ઊંઘતા ઝડપાયા
અમદાવાદ, 13 સપ્ટેમ્બર
ગુરૂવારે સેન્સેક્સે 1439.55 પોઇન્ટ્સ,1.77%નો જોરદાર જંપ મારી 82962.71 બંધ આપતાં મંદીવાળા ઊંઘતા ઝડપાયા હતા. સેન્સેક્સે 2જી સપ્ટેમ્બરના ઓલ ટાઇમ હાઇ 82725.28થી ઉપર જઇ 83116.19નો નવો રેકોર્ડ સ્થાપી સેન્સેક્સના ઇતિહાસમાં સૌથી ઊંચું બંધ આપ્યું છે. સેન્સેક્સના 30માંથી એક માત્ર નેસ્લે ઇન્ડીયા જ મામૂલી 0.09 ટકા ઘટીને બંધ રહ્યો હતો. બાકીના 29 શેરો પ્લસમાં હતા. સુધારામાં 163 પોઇન્ટ્સનું યોગદાન રિલાયન્સનું 55 રૂ. વધી 2958ના બંધ સાથે હતુ.
બજાજ હાઉસિંગનો આઇપીઓ 64 ગણો છલકાયો, માર્કેટમાં ઊછાળા માટેના કારણો જાણો
બજાજ હાઉસીંગ ફાઇનાન્સનો આઇપીઓ 64 ગણો ભરાયો તેના કારણે બજારમાં બુધવારે ઘટાડો જોવા મળ્યો અને ગુરૂવારે બે વાગ્યા પછી બજાર વિજળી વેગે સુધર્યું. કેમ? વર્તમાન વ્યવસ્થા મુજબ ઇસ્યૂમાં અરજી આસ્બાથી થાય છે. આ વ્યવસ્થામાં અરજદારના ખાતામાં જ અરજીની રકમ બ્લોક થઇ જાય અને શેરો ફાળવાય તો એ બ્લોક થયેલી રકમ ખાતામાંથી લેવામાં આવે અને એલોટમેન્ટ ન થાય તો એ રકમ અનબ્લોક થઇ જાય. રૂ. 6560 કરોડના બજાજ હાઉસીંગ ફાઇનાન્સના શેરો લેવા માટે આ રીતે અંદાજે રૂ. ચાર લાખ કરોડ બુધવારે બ્લોક હતા. એમાંથી 63મા ભાગની રૂ. 6560 કરોડની રકમ જ શેરોની ફાળવણી પેટે લેવાણી અને બાકીનું ભંડોળ ગુરૂવારે બપોરે બે આસપાસ અનબ્લોક થયું, એમાંથી મોટા ભાગની રકમ શેરબજારમાં આવી હોવાના કારણે લાઇટનીંગ સ્પીડે બજાર સુધર્યું હોવાનું જાણકારોનું માનવું છે.
18મી તારીખે યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજ કપાતની જાહેરાત કરે એ ઇવેન્ટને આવરી લેતું નિફ્ટી ઓપ્શન્સનું નવુ સેટલમેન્ટ આજે શુક્રવારે શરૂ થાય તે પહેલાં નિફ્ટી ઓપ્શનના ગુરૂવારે સેટલ થયેલાં વિક્લી સેટલમેન્ટમાં જ ચિતરેલા ચોપડા ચોખ્ખા કરવાની હોડમાં આ સુધારો આવ્યો હોવાનું જણાય છે. નિફ્ટીના ગુરૂવારે પૂરા થયેલા સેટલમેન્ટમાં 25200નો કોલ વેચવાવાળાઓની ઇન્ડેક્સે એ લેવલ ક્રોસ કર્યું કે જીવ સટોસટની કાપણી આવી હોવાનું કહેવાય છે.
બ્રેન્ટ ક્રુડ વધીને 71 $ થયાના સમાચારે 2.70% વધી રૂ. 293 થયો હતો. ફુડ ડિલીવરી કંપની ઝોમેટોનો શેર સતત છઠ્ઠા દિવસે સુધરીને 4.25% વધી રૂ. 283.30 થઇ ગયો હતો. 52 વીક નવો હાઇ 286 રૂપિયા ગુરૂવારે બનાવ્યો હતો. ચાર્ટીસ્ટોનો મત એક દિવસમાં જ ખોટો પડ્યો અને ઇન્ડેક્સ નવા હાઇ નહીં બનાવે એવી તેમની માન્યતાને સેન્સેક્સ અને નિફ્ટીએ જાકારો આપ્યો છે.
નિફ્ટી 25388.90ના પુરોગામી બંધ સામે ગેપથી 25059.65 ખુલી લગભગ સાડા અગીયારે 24941.45નો લો સુધી ગયા પછી બપોરે બે સુધી 25025થી 24950 વચ્ચે કોન્સોલીડેટ થઇ સ્પ્રીંગ એક્શનમાં એક કલાકમાં 25433.35ની ઐતિહાસિક સર્વોચ્ચ સપાટીએ પહોંચી સેશનના અંતે 470.45 પોઇન્ટ્સ એટલે કે 1.89 ટકા અંકે કરી 25388.90 બંધ રહ્યો હતો. એનએસઇમાં વાયદા વાળા તમામ પાંચ ઇન્ડેક્સો આજે વધ્યા તેમાં કેપ્ટન નિફ્ટીનો જ હાઇએસ્ટ ગેઇન હતો. તે પછીના ક્રમે 1.54% સાથે નિફ્ટી ફાઇનેન્સીયલ સર્વીસીસ અને તે પછી અનુક્રમે નિફ્ટી બેન્ક 1.49%, નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી 1.47% અને 5મા ક્રમે મિડકેપ સિલેક્ટ 1.21%ના ગેઇન સાથે આવ્યા હતા. બુધવારના સ્ટાર પરફોર્મર બજાજ ઓટોએ ગુરૂવારે પણ ધુઆંધાર બેટીંગ કરી વધુ 2.63% સુધરી દિવસ દરમિયાન રૂ. 11779.25નો ઓલ ટાઇમ હાઇ બનાવ્યા પછી 11721 બંધ આપ્યુ હતુ.
કેબીનેટે ટૂ વ્હીલર સહીતના ઇવી વાહનો અંગેની પ્રોત્સાહક યોજના પી એમ ઇ ડ્રાઇવને મંજૂરી આપી તેથી હીરો મોટો પણ અઢી ટકા સુધરી 5800 થઇ ગયો હતો. નિફ્ટીના અન્ય પ્રતિનિધિઓમાં શ્રીરામ ફાઇનાન્સ, અપોલો હોસ્પીટલ, હિન્દુસ્તાન યુનિલીવર, બ્રીટાનીયા, આઇટીસી, સનફાર્મા અને દિવિસ લેબ બાવન સપ્તાહની નવી ઊંચાઇએ પહોંચ્યા હતા.
એનએસઇના 77માંથી 73 ઇન્ડેક્સ વધીને બંધ રહ્યા હતા. 2 થી 3 ટકાની રેન્જમાં મેટલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કોમોડિટીઝ, સીપીએસઇ(સેન્ટ્રલ પબ્લીક સેક્ટર એન્ટરપ્રાઇસીસ), ઓટો, એનર્જી અને પીએસઇ ઇન્ડેક્સો હતા. 1 થી 2 ટકાના પ્રમાણમાં ગેઇન કરનાર 47 ઇન્ડેક્સો હતા.
નિફ્ટીના 50માંથી 49 (ઘટવામાં એ જ નેસ્લે) , નિફ્ટી નેક્સ્ટ 50ના 50માંથી 46, નિફ્ટી બેન્કના 12માંથી 11, નિફ્ટી ફાઇનાન્સના 20માંથી 18 અને મિડકેપ સિલેક્ટના 25માંથી 23 શેરો જ સુધર્યા હતા. સેન્સેક્સના 30માંથી 29 અને બેન્કેક્સના 10માંથી 9 વધ્યા હતા અને માત્ર એક શેર યસ બેન્ક 1.68% ઘટી 23.43 બંધ થયો હતો.
એનએસઇના વેબસાઇટ પરની માહિતી અનુસાર 2821 ટ્રેડેડ શેરોમાંથી 1729 વધ્યાં, 1003 ઘટ્યાં અને 89 સ્થિર રહેતાં માર્કેટ બ્રેડ્થ સુધરી હતી. બાવન સપ્તાહના નવા હાઇ 139 શેરોએ અને નવા લો 28 શેરોએ નોંધાવ્યા હતા. ઉપલી સર્કીટે 114 તો નીચલી સર્કીટે 64 શેરો ગયા હતા.
બજાજ ગ્રુપની આ કંપની 1100 ટકા ડિવિડંડ આપશે
બજાજ ગ્રુપની મહારાષ્ટ્ર સ્કુટર્સની ગુરૂવારે મળેલી બોર્ડ મીટીંગમાં રૂ. 10ના ફેસવેલ્યુના શેર દીઠ રૂ. 110 (1100 ટકા) ઇન્ટરિમ ડિવિડંડ આપવાનો નિર્ણય લીધો છે અને એની પાત્રતા માટેની તારીખ 25મી સપ્ટેમ્બર નક્કી કરાઇ છે. શેરનો ભાવ રૂ. 10383ની બાવન સપ્તાહની નવી ટોચે ગયા પછી 10273 બંધ રહ્યો હતો. વર્તમાન ભાવે શેર દીઠ ડિવિડંટ યીલ્ડ 1.07 ટકા થાય છે.
સારા બજારમાં આ શેરો ખરાબ
ગ્રેન્યુઅલ્સના ગાગીલાપુર પ્લાંટ માટે યુએસ એફડીએ એ 6 ઓબસર્વેશન્સ આપ્યાના સમાચારે શેર 16 ટકાના ગાબડાંએ 565 થઇ ગયો હતો.
હોનાસા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાં 11% ઇક્વિટીનું હસ્તાંતરણ બ્લોક ડીલમાં થયુ હોવાના ન્યુઝના પગલે સ્ક્રીપ 5.36% ડાઉન થઇ રૂ. 494ના લેવલે બંધ થઇ હતી.
સંસ્થાકીય લેવાલી-વેચવાલી
એફઆઇઆઇની રૂ. 7695 કરોડની નેટ લેવાલી સામે ડીઆઇઆઇની રૂ.1800.54 કરોડની નેટ વેચવાલીએ એકંદરે રૂ. 5894.46 કરોડની નેટ લેવાલી કેશ સેગ્મન્ટમાં જોવા મળી હતી. બીએસઇ લીસ્ટેડ શેરોનું માર્કેટ કેપીટલાઇઝેશન સાત લાખ કરોડ રૂપિયા વધીને રૂ. 467.36 (460.76) લાખ કરોડ થયુ હતુ.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)