કર્ણાટક હાઇકોર્ટે ઇન્ફોસિસના કો-ફાઉન્ડર ક્રિશ ગોપાલકૃષ્ણન સામેની FIR રદ કરી

બેંગાલુરુ, 29 એપ્રિલ: કર્ણાટક હાઇકોર્ટે શિડ્યુલ્ડ કાસ્ટ્સ એન્ડ શિડ્યુલ્ડ ટ્રાઇબ્સ (પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ), એક્ટ 1989 હેઠળ ઇન્ફોસિસના કો-ફાઉન્ડર ક્રિશ ગોપાલકૃષ્ણન તથા અન્યો સામે કરાયેલી FIR રદ કરી છે. કોર્ટે ફરિયાદને કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ ગણાવી હતી અને ફરિયાદી સામે ફોજદારી તિરસ્કારની કાર્યવાહી કરવાની સ્વતંત્રતા આપી હતી. 16 એપ્રિલે આ ચુકાદો આપનાર ન્યાયમૂર્તિ હેમંત ચંદનગૌદરે નિરીક્ષણ કર્યું હતુ કે ફરિયાદ અરજદારને હેરાન કરવા માટેનો ઉશ્કેરણીજનક પ્રયાસ હતો.
આ FIR ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (આઈઆઈએસસી)ના ભૂતપૂર્વ ફેકલ્ટી મેમ્બર ડી. સન્ના દુર્ગપ્પા દ્વારા દાખલ કરાયેલી ખાનગી ફરિયાદના આધારે નોંધાઈ હતી. દુર્ગપ્પાને જાતિય સતામણીના આક્ષેપોમાં આંતરિક તપાસના પગલે 2014માં નોકરીમાંથી બરતરફ કરાયા હતા. કોર્ટે નોંધ્યું હતું કે વર્ષ 2015માં હાઇકોર્ટ સમક્ષ તેને પડકારવામાં આવ્યા બાદ નોકરીમાંથી બરતરફીને રાજીનામામાં ફેરવવામાં આવી હતી. ત્યારબાદ થયેલા સમાધાનના ભાગરૂપે દુર્ગપ્પાએ સંસ્થાન અને તેના પ્રતિનિધિઓ સામેની તમામ ફરિયાદો તથા કાયદેસરની પ્રક્રિયાઓ પાછી ખેંચી લેવા સંમતિ આપી હતી.
આમ છતાં, તેમણે વધુ બે એફઆરઆઈ દાખલ કરી હતી જે બંને વર્ષ 2022 અને 2023માં રદ કરાઈ હતી. કોર્ટે નિરીક્ષણ કર્યું હતું કે વર્તમાન FIRમાં એ જ પ્રકારના આક્ષેપો હતા અને તે કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ હતો.
કોર્ટે વધુમાં ઠરાવ્યું હતું કે આ આક્ષેપોમાં એસસી/એસટી (પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ) એક્ટ હેઠળ કોઈ ગુનો થતો નથી અને નોંધ્યું હતું કે આ બાબત મૂળે દીવાની પ્રકારની હતી પરંતુ તેને ખોટી રીતે ફોજદારી રૂપ આપવામાં આવ્યું હતું. હાઇકોર્ટે દુર્ગપ્પા વિરુદ્ધ ફોજદારી તિરસ્કાર કાર્યવાહી શરૂ કરવા માટેની મંજૂરી મેળવવા એડવોકેટ જનરલનો સંપર્ક કરવાની ક્રિશ ગોપાલકૃષ્ણન અને અન્ય અરજદારોને મંજૂરી પણ આપી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)