સુકન્યા સમૃદ્ધિ યોજના દ્વારા 64 લાખ સુધીની વેલ્થ ક્રિએટ કરો, જાણો કેટલા વર્ષ સુધી રોકાણ કરવુ પડશે
અમદાવાદઃ ટીપે ટીપે સરોવર ભરાય પરંતુ તેના માટે ધોધમાર કે ઝરમર વરસાદ આવવો જરૂરી છે. સુરક્ષિત રોકાણ કરતા રોકાણકાર વર્ગ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના વેલ્થ ક્રિએશન માટે લાભદાયી નીવડી શકે છે. જેમાં વાર્ષિક બેન્ક એફડી કરતાં વધુ 7.6 ટકા વ્યાજ મળે છે.
બાળકીઓના ભવિષ્યના પ્લાનિંગની સાથે વધતી મોંઘવારીમાં ઉજ્જવળ ભવિષ્યમાં કચાશ ન રહી જાય તે હેતુ સાથે સુરક્ષિત રોકાણ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના યોગ્ય છે. જેમાં મેચ્યોરિટી પર ત્રણ ગણુ રિટર્ન મળી શકે છે.
નાની બચત યોજનામાં સૌથી વધુ વ્યાજ
SSY એ PPF, એફડી, એનએસસી, આરડી, મંથલી ઈનકમ સ્કીમ અથવા ટાઈમ ડિપોઝિટની સરખામણી સારું વ્યાજ આપે છે. સ્મોલ સેવિંગ્સ સ્કીમમાં તે સૌથી વધુ વ્યાજ આપનાર સ્કીમ છે.
કેટલા વર્ષ રોકાણ કરવુ પડશે
સુકન્યા સમૃદ્ધિ યોજનાનો મેચ્યોરિટી પિરિયડ 21 વર્ષનો છે. જો કે, માતા-પિતાએ તેમાં 14 વર્ષ સુધી જ રોકાણ કરવુ પડશે. બાકીના 7 વર્ષમાં વ્યાજ ઉમેરાય છે. મેચ્યોરિટી પર રિટર્ન 3 ગણું મળશે. હાલના વ્યાજ દર પ્રમાણે આ સ્કીમ દ્વારા તમે વધુમાં વધુ 64 લાખ રૂપિયા સુધીને રકમ એકત્ર કરી શકો છો.
વ્યાજની સમીક્ષાનો પણ વિકલ્પ
વ્યાજની સમીક્ષા ત્રિમાસિક આધાર પર હોય છે. મતલબ કે દર ત્રણ મહિને તેની સમીક્ષા કરવામાં આવે છે કે વ્યાજને સ્થિર રાખવું છે કે બદલવું છે. ઈનકમ ટેક્સ એક્ટના સેક્શન 80C દ્વારા ટેક્સમાંથી છૂટ મળે છે. ડિપોઝિટ, વ્યાજ અને મેચ્યોરિટી રકમ ત્રણેય ટેક્સ ફ્રી હોય છે. સરળ એકાઉન્ટ ટ્રાન્સફર સુવિધા ઉપલબ્ધ છે.
કેટલુ રોકાણ ઉપાડી શકાશે
દીકરી 18 વર્ષની ન થાય ત્યાં સુધી રોકાણ પાછું ખેંચી શકાશે નહીં. 18 વર્ષ પછી પણ આ સ્કીમમાં કુલ રકમના 50 ટકા હિસ્સો જ ઉપાડી શકાશે. બાકીનો 50 ટકા હિસ્સો 21 વર્ષ પૂરા થવા પર મળશે. વધુમાં એક સામટી રકમ ઉપાડવા ઉપરાંત પાંચ વર્ષના હપ્તામાં પણ રકમ પાછી મળવાનો વિકલ્પ મળે છે.