ગ્રે માર્કેટમાં ધૂમઃ એલઆઇસીના આઇપીઓમાં રૂ. 70 પ્રિમિયમ
7થી વધુ આઈપીઓમાં ગ્રે માર્કેટમાં પ્રિમિયમ શરૂ
એલઆઈસીનો આઈપીઓ બીજા દિવસે 100 ટકા ભરાઈ ચૂક્યો છે. રૂ. 902-949ની પ્રાઈસ બેન્ડ પર એલઆઈસી રૂ. 21 હજાર કરોડ એકત્ર કરવામાં સફળ રહી છે. રિટેલ પોર્શન 91 ટકા તથા કર્મચારી અને પોલિસી હોલ્ડર્સ પોર્શન 2.14 ગણા, 3.02 ગણા સાથે કુલ 1.00 ગણો ભરાયો છે. ક્યુઆઈબી 0.40 ગણો અને એનઆઈઆઈ 0.46 ગણો ભરાયો હતો. આઈપીઓ સોમવાર સુધી ખુલ્લો રહેશે. રોકાણકાર શનિ-રવિમાં પણ અરજી કરી શકશે. બીજી બાજુ પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓની વણઝાર શરૂ થવા સાથે ગ્રે માર્કેટમાં ચહલ પહલ વધી છે. ગ્રે માર્કેટમાં 7થી વધુ આઈપીઓના શેર્સ ડિમાન્ડ આવ્યા છે. સ્પોર્ટ્સ શૂઝ બ્રાન્ડ કેમ્પસ એક્ટિવવેરના શેર્સમાં સૌથી વધુ ગ્રે પ્રિમિયમ રૂ. 75-90 બોલાઈ રહ્યુ છે. એલઆઈસીમાં રૂ. 65, રેઈનબો હોસ્પિટલમાં રૂ. 40, ડેલ્હિવરીમાં રૂ.25 અને પ્રુડન્ટ કોર્પોરેટમાં રૂ. 35 ગ્રે પ્રિમયમે ખરીદી થઈ રહી છે. રેઈનબો અને કેમ્પસના શેર્સ એલોટ થઈ ચૂક્યા છે. કેમ્પસ 9 મે અને રેઈનબો 10 મેએ લિસ્ટિંગ કરાવશે.
ડેલ્હિવરીમાં કર્મચારીઓને રૂ. 25 ડિસ્કાઉન્ટ
11મેના રોજ ખુલનાર ડેલ્હિવરી લિ.ના 523.50 કરોડના આઈપીઓમાં કર્મચારીઓને રૂ. 462-487 પ્રાઈસ બેન્ડ પર રૂ. 25 ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. માર્કેટ લોટ 30 શેર્સ માટે કર્મચારીઓએ શેરદીઠ રૂ. 462 લેખે આઈપીઓ ભરવાનો રહેશે.
પ્રુડન્ટનો આઈપીઓ મંગળવારે
અમદાવાદ સ્થિત રિટેલ વેલ્થ મેનેજમેન્ટ સર્વિસિઝ પ્રદાન કરતી પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઈઝરી સર્વિસિઝ લિ.નો આઈપીઓ મંગળવારે અર્થાત 10 મેના ખુલશે. 10થી 12 મેના સુધી ચાલનારા આઈપીઓ હેઠળ કંપની રૂ. 538.61 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. રૂ. 595-630 પ્રાઈસ બેન્ડ પર રોકાણકાર 23 શેર્સ લોટ માટે અપ્લાય કરી શકશે. જેમાં કર્મચારીઓને રૂ. 59 ડિસ્કાઉન્ટ આપ્યુ છે. કુલ 85.49 લાખ ઈક્વિટી શેર્સમાંથી ક્યુઆઈબી માટે 50 ટકા, રિટેલ માટે 35 ટકા, અને એનઆઈઆઈ માટે 15 ટકા શેર્સ અનામત રાખ્યા છે.