લગ્નસરાની સિઝન પૂર્વે અને દિવાળીના તહેવારો ટાંકણે સોનુ સસ્તુ થયું, ચાંદીમાં સિક્કાની માગ વધી
અમદાવાદ
તહેવારોની ખરીદી શરૂ થવાની સાથે સોના-ચાંદી બજારમાં માગ 30થી 60 ટકા વધી છે. આજે અમદાવાદ ખાતે સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ. 52200 અને ચાંદી કિલોદીઠ રૂ. 57000 આસપાસ હતી. આજે દિવાળી પહેલાના પુષ્ય નક્ષત્રમાં વેચાણો 40 ટકા વધવાનો આશાવાદ અમદાવાદ બુલિયન બજારે વ્યક્ત કર્યો છે.
છેલ્લા આઠ દિવસમાં સોનું રૂ. 1100, જ્યારે ચાંદી 3500 ઘટી છે. આઠ ઓક્ટોબરે સોનાનો ભાવ રૂ. 53300 અને ચાંદી 60500 બોલાઈ રહ્યો હતો. વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો તેમજ તહેવારોની સિઝનમાં માગ વધવાના પગલે સ્થાનિક બજારોમાં ભાવ સતત ઘટી રહ્યા છે. જો કે, ગઈકાલની સરખામણીએ સોનુ રૂ. 100 વધ્યું છે. ચાંદી સ્થિર રહી છે. વૈશ્વિક બજારોમાં સોનું ઔંશદીઠ 6 ડોલર ઘટી 1657.70 ડોલર પર ટ્રેડેડ હતું. જો વૈશ્વિક સ્તરે સોનુ 1600 ડોલર આસપાસ પહોંચશે તો સ્થાનિક ભાવ 51 હજાર થવાની શક્યતા વધશે.
ચીનની માગ નહિંવત્ રહેતા ભાવ નરમ: વૈશ્વિક સ્તરે મેટલ્સ માર્કેટમાં હજુ તેજીના સંકેતો નહિવત્ છે.ચીનમાં હજુ સ્લોડાઉનની સ્થિતી છે. જેથી બજારમાં તેજી અટકી છે.ચીનની માગ કેવી રહે છે તેના પર બજારનો આધાર રહેલો છે.