BSEને ઈલેકટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટસ લોન્ચ કરવા SEBIની ફાઈનલ મંજૂરી
મુંબઈ: BSEને ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ્સ (EGR)નું ટ્રેડિંગ તેના પ્લેટફોર્મ પર શરૂ કરવાની અંતિમ મંજૂરી સિક્યુરિટીઝએન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા પાસેથી મળી ગઈ છે. BSEને SEBIની સૈદ્ધાંતિક મંજૂરી આ વર્ષના ફેબ્રુઆરીમાં જ મળી ગઈ હતી એ પછી EGRમાં એક્સચેન્જના મેમ્બર્સને ટ્રેડિંગ માટે સજ્જ કરવા કેટલાંક મોક ટ્રેડિંગ સત્રો યોજાયા હતાં. EGRમાં વ્યક્તિગત રોકાણકારો, તેમ જ કમર્શિયલ સહભાગીઓ જેવા કે આયાતકારો, બેન્કો, રિફાઈનર્સ, બુલિયન ટ્રેડર્સ, જ્વેલરી મેન્યુફેક્ચરર્સ અને રિટેલર્સ EGRના ટ્રેડિંગમાં સામેલ થઈ શકશે. BSEને વિશ્વાસ છે કે EGR પ્લેટફોર્મ સોનાની ઉચ્ચ ગુણવત્તા, કાર્યક્ષમ ભાવસંશોધન અને વ્યવહારોમાં પારદર્શિતા પૂરી પાડશે, જેની અત્યારના સમયમાં તાતી આવશ્યકતા હોવાનું BSEના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું હતું. BSE EGRના વેપાર માટે બધી ડિપોઝિટરીઝ અને વોલ્ટ મેનેજર્સ સાથે ટ્રેડર્સ, બુલિયન ડીલર્સ અને જ્વેલર્સ સહિતની સંપૂર્ણ ઈકોસિસ્ટમના વિકાસ માટે કામ કરી રહ્યું છે. વિશ્વમાં સૌથી વધુ સોનાની માગની બાબતમાં ભારતનો ક્રમ બીજો છે અને પ્રતિ વર્ષની તેની સોનાની માગ 800-900 ટન સોનાની છે એ જોતાં ભારત વિશ્વની બુલિયન બજારમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આમ છતાં વિશ્વના સોનાની કિંમતના નિર્ધારણમાં ભારતની ભૂમિકા નહિવત છે. EGR પ્લેટફોર્મ સોનાના સ્પોટ સોદાઓને પારદર્શક બનાવશે અને તેનાથી બજારમાંની વર્તમાન વિસંગતિઓ દૂર થશે.