Cello Worldનો આઈપીઓ 28 ટકા પ્રીમિયમે લિસ્ટેડ થયા બાદ 5 ટકા તૂટ્યો
અમદાવાદ, 6 સપ્ટેમ્બરઃ સેલો વર્લ્ડનો આઈપીઓ આજે 28.24 ટકા પ્રીમિયમે લિસ્ટેડ થયા બાદ વેચવાલીનું પ્રેશર વધતાં લિસ્ટિંગ પ્રાઈસ સામે 4.69 ટકા ઘટાડે 792.05ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. સેલો વર્લ્ડના શેર લિસ્ટિંગ બાદ 28.81 ટકા પ્રીમિયમ સાથે 834.70ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યા હતા. જો કે, બાદમાં ઘટી 781.50ના તળિયે પહોંચ્યો હતો.
ગ્રે માર્કેટમાં સેલો વર્લ્ડના આઈપીઓ માટે 25 ટકા પ્રીમિયમ ચાલી રહ્યા હતા. જેની ઈશ્યૂ પ્રાઈસ રૂ. 648 હતી. લિસ્ટિંગ પહેલાં ગ્રે માર્કેટમાં રૂ. 160 આસપાસ પ્રીમિયમ હતા. કંપનીએ આઈપીઓ દ્વારા રૂ. 1900 કરોડ એકત્ર કર્યા હતા.
કન્ઝ્યુમર પ્રોડક્ટ કંપની સેલો વર્લ્ડનો આઈપીઓ કુલ 41.69 ગણો ભરાયો હતો. ક્યુઆઈબી 122.20 ગણો, એનઆઈઆઈ 25.65 ગણો અને રિટેલ 3.21 ગણો ભરાયો હતો. કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ઈન્ડસ્ટ્રીમાં છ દાયકાથી વધુના અનુભવ સાથે, સેલો વર્લ્ડ ભારતમાં પાંચ જુદા જુદા પ્રદેશોમાં સ્થિત 13 ઉત્પાદન એકમોનું સંચાલન કરે છે.
બ્રોકર્સે શેર હોલ્ડ કરવા સલાહ આપી
કંપનીની મજબૂત બ્રાન્ડ માન્યતા, વૈવિધ્યસભર ઉત્પાદન પોર્ટફોલિયો અને સમગ્ર ભારતમાં વ્યાપક હાજરી સહિત અનેક પરિબળોને ધ્યાનમાં લેતાં સ્વસ્તિકા ઈન્વેસ્ટમાર્ટ, અનિલ સીંઘવી સહિતના બ્રોકર્સે રોકાણકારોને આઈપીઓના શેર હોલ્ડ કરવા સલાહ આપી છે.
મોટાભાગના રોકાણકારોએ મજબૂત લિસ્ટિંગ પછી પ્રોફિટ બુકિંગ પર વિચાર કરી શકે છે. જો કે, લાંબા ગાળાના રોકાણ વ્યૂહ ધરાવતા લોકો માટે રૂ. 750 પર સ્ટોપ લોસ સાથે વધુ તેજીની શક્યતા માટે રાહ જોવી હિતાવહ રહેશે.