ઈઝરાયેલના હાઇફા બંદરના ખાનગીકરણ ટેન્ડર અદાણી- ગેદોતના ફાળે

અમદાવાદ: અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક લિ. (APSEZ) અને ઇઝરાયેલના ગેદોત ગૃપના બનેલા કોન્સોર્ટીઅમે ઇઝરાયેલના બીજા સૌથી મોટા બંદર હાઇફા બંદરના ખાનગીકરણ કરવા માટેનું ટેન્ડર સ્થાનિક અને વૈશ્વિક કંપનીઓ વચ્ચે તીવ્ર રસાકસી બાદ જીતી લીધું છે. સફળ બિડ મારફત અદાણીગેદોતે હાઇફા પોર્ટ કંપની લિ.ના ૧૦૦ ટકા શેર ખરીદવાના અધિકારો પણ હાંસલ કર્યા છે. હાઇફા પોર્ટનો કન્સેસનનો સમયગાળો ૨૦૫૪ સુધીનો રહેશે

અદાણી પોર્ટ અને સેઝના મુખ્ય કારોબારી અધિકારી અને પૂર્ણસમયના ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું કે, આ ટેન્ડર ઇઝરાયેલમાં અમારા વ્યવસાયનો પગદંડો જમાવવાની ઘણી મોટી  તાકાત આપે છે, જે ભારતના સૌથી વ્યૂહાત્મક ભાગીદારો પૈકીના એક છે કે જેની સાથે અદાણી ગૃપ ઘણા ઉદ્યોગોમાં વેપારી સંબંધો વિકસાવવા માટે  નેટવર્ક બનાવવા માટે છ વર્ષથી કામ કરી રહ્યું છે.

અદાણી સાથેની અમારી ભાગીદારી હાઈફા પોર્ટમાં કાર્ગો હેન્ડલ કરવામાં અમારી કુશળતા અને પોર્ટ કામગીરીના સંચાલનમાં અદાણીની વિશ્વ કક્ષાની ક્ષમતા, એમ વિશ્વની બે શ્રેષ્ઠતાઓનું મિશ્રણ કરે છે એમ ગેદોતના સીઈઓ ઓફર લિન્ચેવસ્કીએ જણાવ્યું હતું. એપીએસઇઝેડ અને ગેદોતે સફળતાપૂવર્ક બીડ હાંસલ કરી છે તે હાઇફા પોર્ટ કંપની લિ. હસ્તકના હાઇફા પોર્ટ ઇઝરાયેલનો લગભગ અડધો અડધ કન્ટેનર કાર્ગો હેન્ડલ કરવા ઉપરાંત પેસેન્જર ટ્રાફીક અને ક્રુઝ શિપ માટેનું પણ અગ્રણી પોર્ટ છે. અદાણી પોર્ટ અને ગેદોતના અનુક્રમે ૭૦%-૩૦% હિસ્સા સાથે રચવામાં આવેલા આ કોન્સોર્ટીઅમે NIS ૪.૧બિલીઅન બરાબર યુ.એસ.ડોલર ૧.૧૮ બિલીઅનની ઓફર કરી હતી.