શોપીફાઈ બિટકોઈનમાં પેમેન્ટ સ્વીકારશે, યુકે રાહત આપશે
રશિયા-યુક્રેન યુદ્ધમાં 58 મિલિયન ડોલરથી વધુ ક્રિપ્ટોનો ઉપયોગ, ટ્રાન્જેક્શન વધ્યું
રશિયા-યુક્રેન યુદ્ધમાં ક્રિપ્ટો કરન્સી આર્થિક રીતે મદદરૂપ બની રહેતાં અન્ય ઘણા દેશો ડિજિટલ કરન્સી વિશે ફરી એક વખત વિચાર કરી રહ્યા છે. ઘણી કંપનીઓએ બિટકોઈન સહિત અન્ય ક્રિપ્ટોને ચૂકવણીના વિકલ્પ તરીકે અપનાવ્યો છે. હાલમાં અમેરિકાના યુઝર્સ માટે શોપિફાઈએ બિટકોઈનને પેમેન્ટ તરીકે સ્વીકારવા બિટકોઈનના પેમેન્ટ પ્રોવાઈડર સ્ટ્રાઈક સાથે કરાર કર્યો છે. જે અંતર્ગત અમેરિકાના શોપિફાઈ રિટેલર્સ વિવિધ દેશોમાંથી બિટકોઈન પેમેન્ટ મેળવી શકશે. સ્ટ્રાઈકે સોફ્ટવેર કંપની એનસીઆર અને પેમેન્ટ સોલ્યુશન ડિલિવર બ્લેકહોક સાથે પણ પાર્ટનર્શિપ કરી છે. જે યુઝર્સને ઝડપી અને સસ્તા ક્રિપ્ટો ટ્રાન્જેક્શનની સુવિધા પૂરી પાડશે. યુકે પણ ક્રિપ્ટો રેગ્યુલેશન્સમાં રાહત આપવા વિચારણા કરી રહ્યુ છે. પેમેન્ટના માધ્યમ માટે સ્ટેબલ કોઈનને મંજૂરી આપી શકે છે. યુકેના ચાન્સેલર બ્રિટનને ક્રિપ્ટો એસેટ ટેક્નોલોજી અને ઈન્વેસ્ટમેન્ટ માટે ગ્લોબલ હબ બનાવવા માગે છે. જેમાં સ્ટેબલ કોઈન પેમેન્ટના માધ્યમને વધુ સરળ અને સક્ષમ બનાવવાના આશાવાદ સાથે ખાનગી કંપનીઓને સ્ટેબલકોઈન ઓપરેટ કરવા મંજૂરી આપી શકે છે. રશિયા-યુક્રેન યુદ્ધમાં યુક્રેને 58 મિલિયન ડોલરનું ક્રિપ્ટો દાન મેળવ્યું છે. રશિયામાં પણ અમુક ટ્રાન્જેક્શનને મંજૂરી આપી છે. આ મહિને યોજાનારી જી20 બેઠકમાં ઓઈસીડી ક્રિપ્ટો એસેટ રિપોર્ટિંગ પર ટેક્નિકલ ફ્રેમવર્કનો ડ્રાફ્ટ રજૂ કરી શકે છે. જેની મદદથી સરકાર ક્રિપ્ટો ઈન્ડસ્ટ્રી પર કાયદા તેમજ ટેક્સ નિયમો ઘડી શકશે.
સોલાના સાપ્તાહિક 20 ટકા તૂટ્યો
ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં એપ્રિલનુ પ્રથમ સપ્તાહ નિરૂત્સાહી રહ્યુ હતું. ક્રિપ્ટો ઈન્વેસ્ટમેન્ટ માટે ટ્રેન્ડિંગ રહેલો સોલાના સાપ્તાહિક 20 ટકા તૂટ્યો છે. 2 એપ્રિલે 132.20 ડોલર સામે 20.05 ટકા ઘટી 110.74 થયો છે. તદુપરાંત અન્ય ક્રિપ્ટો કરન્સીમાં પણ સાપ્તાહિક 4થી 15 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. ગુરૂવારે ક્રિપ્ટો એક્સચેન્જ બાઈનાન્સે નેટવર્કમાં ખામી સર્જાતા સોલાના વિડ્રોલ કરી શક્યુ ન હતુ જેથી રોકાણકારોએ સાવચેતીનુ વલણ દર્શાવ્યુ હતું. બિટકોઈન સાપ્તાહિક 9.38 ટકા ઘટી 42495.64 ડોલર જ્યારે ઈથેરિયમ 8.43 ટકા ઘટી 3218.55 ડોલર થયો હતો.
ટોપ-10 ક્રિપ્ટો પર્ફોર્મન્સ એક નજરે
ક્રિપ્ટો | ભાવ | તફાવત |
બિટકોઈન | 42496 | -1.06 |
ઈથેરિયમ | 3224 | -8.44 |
ટેધર | 1 | – |
બીએનબી | 427 | -5.26 |
યુએસડીકોઈન | 0.99 | +0.03 |
એક્સઆરપી | 0.76 | +0.02 |
સોલાના | 111 | -2.30 |
કાર્ડાનો | 1 | -1.47 |
ટેરા | 95 | -2.70 |
AVAX | 84 | -1.93 |
(ભાવ ડોલરમાં, તફાવત એક દિવસીય)