ક્રિપ્ટો માર્કેટમાં સાપ્તાહિક 15 ટકા ઉછાળો, બિટકોઈન 47000 ડોલર
ક્રિપ્ટો માર્કેટમાં મોટી ઉથલ-પાથલ બાદ સાપ્તાહિક તેજીના પગલે ક્રિપ્ટો કરન્સીમાં એકંદરે 15 ટકાનો ઉછાળો નોંધાયો છે. બિટકોઈન 21 માર્ચે 41078 ડોલરથી 14.63 ટકા વધી 47218 ડોલર થયો છે. ઈથેરિયમ 14.83 ટકા ઉછાળા સાથે 3338 ડોલર સાથે ક્રિપ્ટો માર્કેટની કુલ માર્કેટ કેપ 2.13 લાખ કરોડ ડોલર થઈ છે. ઈથેરિયમ અને બિટકોઈન ક્રિપ્ટો માર્કેટ કેપમાં 62 ટકા હિસ્સો ધરાવે છે. ટોચની 10 ક્રિપ્ટો કરન્સીમાં સાપ્તાહિક સૌથી વધુ ઉછાળો કાર્ડાનો ટોકનમાં જોવા મળ્યો છે. કાર્ડાનો સાપ્તાહિક 35.64 ટકા, અને 24 કલાકમાં 10.19 ટકા ઉછળી 1.22 ડોલર થયો છે. સોલાના પણ 22.32 ટકા ઉછાળા સાથે 109.95 ડોલર થઈ છે. ક્રિપ્ટો કરન્સીમાં વધતા વોલ્યુમ વચ્ચે વિશ્વના અનેક દેશો તેના માટે ચોક્કસ રણનીતિ ઘડવા વિચારણા કરી રહ્યા છે. જે ક્રિપ્ટો ઈન્વેસ્ટર્સ માટે આશાનું કિરણ બન્યું છે. ક્રિપ્ટો નિષ્ણાતોએ સાપ્તાહિક તેજીને સ્થિર વલણ દર્શાવતાં બિટકોઈન ઝડપથી 50 હજાર ડોલર થવાનો સંકેત આપ્યો છે. હાલમાં જ ક્રોસ બોર્ડર પેમેન્ટ માટે ડિજિટલ કરન્સીનો ઉપયોગ કરવા મામલે ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, સિંગાપોર, મલેશિયા જેવા દેશોએ પોઝિટીવ વલણ દર્શાવ્યુ છે. આ દેશોની સેન્ટ્રલ બેન્ક વર્ચ્યુઅલ એસેટ્સને ટેક્નિકલી તરીકે સક્ષમ બનાવવા પોટોટાઈપ પ્લેટફોર્મ પર કામ કરી રહી છે. સ્થાનિક ટ્રાન્જેક્શનની જેમ વિદેશમાં થતાં ટ્રાન્જેક્શનને સરળ બનાવવા તેમજ સમય અને ખર્ચમાં બચત કરવાના હેતુ સાથે આ મુદ્દે વર્ચ્યુઅલ કરન્સી પર ફોકસ થઈ રહ્યું છે.