અમદાવાદ, 25 જાન્યુઆરીઃ એચડીએફસી બેન્કે ત્રિમાસિક પરિણામો જારી કર્યા બાદ શેરમાં મોટાપાયે વોલેટિલિટી જોવા મળી છે. શેર જાન્યુઆરી માસમાં 14.85 ટકા તૂટ્યો છે. આજે પણ શેર 1.72 ટકા ઘટી 1431.14ની ઈન્ટ્રા ડે લો સપાટીએ પહોંચ્યો હતો. જે 11.35 વાગ્યે 1.60 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. ગઈકાલે 1382.40ની વાર્ષિક બોટમે પહોંચ્યો હતો.

ગઈકાલે એચડીએફસી બેન્કના અમુક સુત્રોએ દાવો કર્યો હતો કે, તે એફપીઆઈ વેચવાલીનો ભોગ બની છે. જો કે, આજે તેણે નિવેદન આપ્યું છે કે, સેબીની માર્ગદર્શિકા સંબંધિત એફપીઆઈ દ્વારા વેચવાલી થઈ હોવાના કોઈ પુરાવા જોવા મળ્યા નથી.

સેબીની માર્ગદર્શિકાના નિયમો પ્રમોટરની ઓળખ કર્યા વિના કંપનીઓ પર લાગૂ થતા નથી. સેબીએ વધુ જોખમ ધરાવતા એફપીઆઈને વધારાના ડિસ્ક્લોઝર જારી કરવા ફરજ પાડી છે. આ નિયમ 1 ફેબ્રુઆરીથી લાગૂ થશે. એફપીઆઈને શેરની માલિકીની, આર્થિક હેતુઓ, અને નિયંત્રણો સહિતની માહિતી નવેમ્બર, 2023થી 90 દિવસની અંદર રજૂ કરવા નિર્દેશ કર્યો હતો.

એચડીએફસી બેન્કે ગઈકાલે દાવો કર્યો હતો કે, એફપીઆઈ માટે સેબીના નવા ડિસ્ક્લોઝર નિયમોના કારણે એચડીએફસી બેન્કનો શેર વેચવાલીનો ભોગ બન્યો છે. પરિણામે શેર વર્ષના તળિયે પહોંચ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી પણ એફપીઆઈની વેચવાલીનું પ્રેશર વધતાં 4 ટકાથી વધુ તૂટ્યા છે. એફપીઆઈએ છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં 27 હજાર કરોડથી વધુની વેચવાલી નોંધાવી છે.

ઉલ્લેખનીય છે કે, આરબીઆઈની લિક્વિડિટી કડક બનાવવાની પોલિસીના કારણે એચડીએફસી બેન્કની ગ્રોથ યોજનાઓ ખોરંભે ચડી છે. જેની અસર આગામી થોડા માસ સુધી જારી રહેશે. એચડીએફસી બેન્કના ડિસેમ્બર ત્રિમાસિક માટેના માર્જિન અને નફો નિષ્ણાતોના અંદાજ કરતાં ઓછા નોંધાયા હતા. ગ્રોસ એનપીએમાં પણ નજીવો વધારો જોવા મળ્યો છે.