GHCLનો સ્ટેન્ડઅલોન નફો 38% વધ્યો, આવક 11% ઘટી
અમદાવાદ, 8 ઓગસ્ટઃ ભારતની અગ્રણી રાસાયણિક કંપની GHCLએ નાણાકીય વર્ષ 2023-2024ના પ્રથમ ત્રિમાસિકગાળાના પરિણામો જાહેર કર્યા હતા. તે અનુસાર ચોખ્ખી આવક 11% ઘટીને રૂ. 1029 કરોડ થઈ ગઈ હતી, જે અગાઉના વર્ષના સમાન ત્રિમાસિકગાળામાં રૂ. 1153 કરોડ હતી. EBIDTA 15% ઘટીને રૂ. 310 કરોડ થઈ ગઈ હતી, જે નાણાકીય વર્ષ 2022-2023ના પ્રથમ ત્રિમાસિકગાળામાં રૂ. 364 કરોડ હતી.અસાધારણ લાભ સિવાય ચોખ્ખો નફો 16% ઘટીને રૂ. 207 કરોડ થઈ ગયો હતો, જે નાણાકીય વર્ષ 2022-2023ના પ્રથમ ત્રિમાસિકગાળામાં રૂ. 246 કરોડ થયો હતો.ટેક્સટાઇલ બિઝનેસ માટેની ડીમર્જર યોજના મુજબ એકાઉન્ટિંગ ટ્રીટમેન્ટમાંથી રૂ. 219 કરોડનો અસાધારણ લાભ થયો હતો.આ અસાધારણ લાભ સહિત ચોખ્ખો નફો 38% વધીને રૂ. 426 કરોડ થઈ ગયો હતો, જે નાણાકીય વર્ષ 2022-2023ના પ્રથમ ત્રિમાસિકગાળામાં રૂ. 310 કરોડ થયો હતો.
કંપનીના નાણાકીય દેખાવ અંગે વાત કરતાં GHCLના મેનેજિંગ ડિરેક્ટર આર. એસ. જલાનએ જણાવ્યું હતું કે, રશિયા, તુર્કીયે અને યુએસમાંથી સોડા એશની અપેક્ષા કરતાં વધારે આયાત થઈ જવાને કારણે માર્કેટમાં પડકારજનક પરિસ્થિતિઓ પેદા થઈ હોવા છતાં અમે નાણાકીય વર્ષ 2023-2024ની શરૂઆત સ્થિતિસ્થાપક રીતે કરી હતી. વધુમાં, આ ત્રિમાસિકગાળા દરમિયાન વિવિધ ઘરેલું અંતિમ વપરાશકર્તાઓના સેગમેન્ટમાંથી માંગ ઘટી ગઈ હતી. જોકે, અમે લાંબાગાળ માટે આશાવાદી છીએ, ખાસ કરીને સોલર ગ્લાસ, લિથિયમ કાર્બોનેટ અને ફ્લ્યુ ગેસ ટ્રીટમેન્ટ માટે સોડિયમ બાઇકાર્બોનેટ જેવા વિવિધ પર્યાવરણ સંબંધિત સેક્ટરોમાંથી માંગમાં અપેક્ષિત વધારાને કારણે. અમારું ફૉકસ સતત સુધારણા, ગ્રાહકોની સંતુષ્ટી, નવીનીકરણ અને સંચાલનમાં શ્રેષ્ઠતા પર રહેલું હોવાથી, વ્યૂહાત્મક વિસ્તરણ અને સસ્ટેનેબલ બિઝનેસ પ્રેક્ટિસિસ પ્રત્યેની અમારી કટિબદ્ધતા આગળ જતાં અમારા હિતધારકો માટે મૂલ્યની રચના થાય તેની ખાતરી કરશે.