અમદાવાદ

ભારતીય શેરબજારોમાં નવા વર્ષની શરૂઆત શુભ રહી હતી. સેન્સેક્સ 327.05 પોઈન્ટ વધી 61167.79, જ્યારે નિફ્ટી 18100નું લેવલ જાળવતાં 92.15 પોઈન્ટ સુધરી 18197.45ની સપાટીએ બંધ રહ્યો હતો. આ સાથે રોકાણકારોની મૂડી 1.43 લાખ કરોડ વધી હતી. મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ ડિસેમ્બરમાં 26 માસની ટોચે પહોંચ્યો છે. યુરોપિયન માર્કેટમાં પણ પોઝિટીવ ફેક્ટરી ડેટાના પગલે બજારની શરૂઆત સુધારા સાથે થઈ હતી. આગામી મહિને જારી થનારા બજેટ વિશે અનેક અટકળો ચાલી રહી છે.

નિફટી માટે 18000 પોઇન્ટની સપાટી મહત્વનું સપોર્ટ લેવલ અને 18200નું રેઝિસ્ટન્સ લેવલ છે. આજે નિફ્ટી ઉંચામાં આ લેવલ (18215.15) ક્રોસ કરવામાં સફળ રહ્યો હતો. જો આ લેવલ આગામી દિવસોમાં જળવાય તો માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળી શકે છે.

માર્કેટ બ્રેડ્થ પોઝિટીવ

બીએસઈ ખાતે ટ્રેડેડ કુલ 3788 સ્ક્રિપ્સ સામે 2247માં સુધારો અને 1348માં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ પેકની 30 પૈકી 21 સ્ક્રિપ્સમાં સુધારો અને 9માં ઘટાડો નોંધાયો હતો. જે માર્કેટ બ્રેડ્થ પોઝિટીવ હોવાનો સંકેત આપે છે. જો કે, શેરોમાં કોઈ મોટી ઉથલ-પાથલ જોવા મળી ન હતી. 109 સ્ક્રિપ્સ વર્ષની ટોચે અને 38 વર્ષના તળિયે પહોંચી હતી.

મેટલ શેરોમાં તેજી

મેન્યુફેક્ચરિંગ ગતિવિધિઓ વધવાના આશાવાદ ઉપરાંત મેટલના ભાવો હળવા થવા સાથે ચીનમાંથી માગ ફરી શરૂ થતાં મેટલ શેરોમાં તેજી જોવા મળી હતી. બીએસઈ ખાતે મેટલ ઈન્ડેક્સ સૌથી વધુ 2.83 ટકા વધ્યો હતો. ટેલિકોમ ઈન્ડેક્સ 1.32 ટકા તથા રિયાલ્ટી, ફાઈનાન્સિયલ 0.99 અને 0.61 ટકા સુધર્યા હતા.

મેટલ શેરોની સ્થિતિ

સ્ટોકબંધઉછાળો
SAIL88.907.69%
તાતા સ્ટીલ119.255.86%
નેશનલ એલ્યુમિનિયમ83.704.40%
હિન્દાલ્કો4872.91%
જિંદાલ સ્ટીલ593.652.24%

રોકાણકારોએ નવા વર્ષનું સ્વાગત ગ્રીન ફ્લેગ સાથે કર્યું છે. જેમાં સ્થાનિક સ્તરે લેવાલી જળવાઈ રહી છે. પીએમઆઈ 26 માસની ટોચે નોંધાવાની સાથે આગામી સમયમાં વધવાનો અંદાજ છે. જે મેટલ શેરોમાં તેજીનો સંકેત આપે છે. ચીન દ્વારા સ્થાનિક માંગને ટેકો આપવા માટે નિકાસ જકાત વધારવાના અહેવાલોને પગલે ભારતીય કંપનીઓ માટે તકો વધવાનો સંકેત છે. જે માર્કેટ માટે સકારાત્મક વલણ દર્શાવે છે.

– વિનોદ નાયર, હેડ ઓફ રિસર્ચ, જિયોજીત ફાઈનાન્સિયલ સર્વિસિઝ

એફઆઈઆઈ વેચવાલ રહ્યાં

એફઆઈઆઈએ નવા વર્ષમાં આજે 212.57 કરોડની વેચવાલી દર્શાવી છે. બીજી બાજુ સ્થાનિક રોકાણકારોનો ટેકો મળતાં માર્કેટ સુધારા તરફી રહ્યું છે. ડીઆઈઆઈએ આજે કુલ 743.35 કરોડની ખરીદી નોંધાવી હતી.