સોનું રૂ. 60400ની સર્વોચ્ચ સપાટીથી બે દિવસમાં રૂ. 1700 ઘટ્યું
ચાંદી બે દિવસમાં 3500 ઘટી Rs. 68000
અમદાવાદઃ એવું મિથ છે કે, જ્યારે ઇક્વિટી ઊછળે ત્યારે બુલિયન બેસે અને જ્યારે બુલિયનમાં બૂમ બૂમ આવે ત્યારે ઇક્વિટીમાં કરેક્શન જોવા મળે તે મિથ તાજેતરમાં સાચું પડી રહ્યું છે. ભારતીય શેરબજારોમાં હેવી કરેક્શન માહોલ વચ્ચે સોના-ચાંદીના ભાવો આસમાને અડી રહ્યા હતા. પરંતુ છેલ્લા બે દિવસમાં સોના-ચાંદીમાં રેકોર્ડ સપાટીથી હેવી કરેક્શન મોડ જોવા મળ્યો છે. સામે શેરબજારોમાં રાહત રેલી જોવા મળી છે. અમદાવાદ ખાતે હાજર બજારમાં બે દિવસમાં ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 3500 અને સોનાની કિંમત 10 ગ્રામદીઠ રૂ. 1700 ઘટી છે. શનિવારે હાજર બજારમાં સોનું 58800 અને ચાંદી 68000 પર ક્વોટ થઈ રહી હતી. કેન્દ્રીય બજેટમાં કસ્ટમ ડ્યૂટીમાં વધારો તેમજ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ધીમા ધોરણે વધારો થવાની જાહેરાત સાથે વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુઓમાં તેજી જોવા મળી હતી. જેના પગલે 2 ફેબ્રુઆરીએ સોનું 10 ગ્રામદીઠ રૂ. 60500ની ઓલટાઈમ હાઈ, અને ચાંદી કિલોદીઠ રૂ. 71500ની ટોચે પહોંચી હતી.
ઇમિટેશન જ્વેલરીની કસ્ટમ ડ્યૂટી વધારી ટકા કરાઇ
કેન્દ્રીય બજેટમાં સોના અને ઈમિટેશન જ્વેલરી પર કસ્ટમ ડ્યૂટી 20 ટકાથી વધારી 25 ટકા અને ચાંદી પર 7.5 ટકાથી વધારી 15 ટકા કરવાની જાહેરાત થવાની સાથે સોના-ચાંદી બજારમાં તેજી જોવા મળી હતી. 1 એપ્રિલથી આ કસ્ટમ ડ્યૂટીના લાગૂ થવાના કારણે હાલ ખરીદી વધી છે. જ્વેલર્સ, રોકાણકારો, અને વેપારીઓની સોના પર આયાત ડ્યૂટીમાં ઘટાડાની અપેક્ષા પર કોઈ નિર્ણય બજેટમાં લેવાયો ન હતો. વધુમાં લગ્નસરાની સિઝન હોવાથી સ્થાનિક બજારોમાં માગ વધી છે. વૈશ્વિક કિંમતી ધાતુ બજારમાં ઘટાડાનું વલણ જોવા મળ્યું છે. જેની પાછળનું કારણ અમેરિકી જોબ ડેટા છે. અપેક્ષા કરતાં વધુ મજબૂત આંકડાઓ જાહેર થતાં ફેડ દ્વારા વ્યાજદરમાં વધારો જારી રાખવાની ભીતિ વચ્ચે સોનુ 3 સપ્તાહના તળિયે પહોંચ્યું હતું. સ્પોટ ગોલ્ડ ઔંશદીઠ 2.5 ટકા ઘટી 1864.79 ડોલરની સપાટીએ ટ્રેડ થઈ રહ્યું હતું. જે ઓક્ટબર બાદની સૌથી નીચી સપાટી છે. ગોલ્ડ ફ્યુચર્સ 2.7 ટકા ઘટી 1878.10 ડોલર થયાં હતા.