IPO Listing Gain: BLS-E Servicesના આઈપીઓનું બમ્પર લિસ્ટિંગ, રોકાણકારોને 175 ટકા રિટર્ન આપ્યું
અમદાવાદ, 6 ફેબ્રુઆરીઃ આજે બીએલએસ ઈ-સર્વિસિઝના આઈપીઓ (BLS E-Services IPO)એ બમણાથી વધુ 128 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવ્યા બાદ 370.75ની સર્વોચ્ચ ટોચ નોંધાવી 174.63 ટકા રિટર્ન આપી રોકાણકારોને ખુશખુશહાલ કર્યા છે.
બીએસઈ ખાતે નીચામાં 302.75 થયો હતો. 12.57 વાગ્યે 165.19 ટકા પ્રીમિયમે 358 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ સાથે માર્કેટ કેપ રૂ. 3252.66 કરોડ થઈ હતી. ગ્રે માર્કેટમાં રૂ. 150 પ્રીમિયમ બોલાઈ રહ્યા હતા. જે અનુસાર, લિસ્ટિંગ 111 ટકા પ્રીમિયમે થવાનો અંદાજ આપ્યો હતો. બીએલએસ ઈ-સર્વિસિઝે 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી દરમિયાન રૂ. 135ની ઈશ્યૂ પ્રાઈસ પર રૂ. 310.91 કરોડનું ફંડ એકત્ર કર્યુ હતું. માર્કેટ લોટ 108 શેર્સ હતા.
બીએલએસ ઈ-સર્વિસિઝનો આઈપીઓ કુલ 162.38 ગણો ભરાયો હતો. જેમાં રિટેલ રોકાણકારોએ 236.53 ગણી અરજી કરી હતી. એનઆઈઆઈ પોર્શન 300.05 ગણો અને ક્યુઆઈબી પોર્શન 123.30 ગણો ભરાયો હતો.
બીએલએસ ઈ-સર્વિસિઝે આઈપીઓ અંતર્ગત એન્કર રોકાણકારો પાસેથી રૂ. 125.92 કરોડ એકત્ર કર્યુ હતું. એપ્રિલ, 2016માં સ્થાપિત બીએલએસ ઈ-સર્વિસિઝ લિ. ડિજિટલ સર્વિસ પ્રોવાઈડર છે. જે મોટી બેન્કોમાં સેવાઓ આપે છે. 31 માર્ચ, 2023 સુધીમાં તેના મર્ચન્ટ નેટવર્ક વધી 92427 થયુ હતું.
બીએલએસ ઈ-સર્વિસિઝ લિમિટેડની આવક અને ચોખ્ખો નફો ગત નાણાકીય વર્ષમાં 150.31 ટકા અને 277.94 ટકા વધ્યો છે. કંપનીનું કુલ દેવુ શૂન્ય છે. મહેતા ઈક્વિટીઝના સિનિયર રિસર્ચ વીપી પ્રશાંત તાપસેએ જણાવ્યું હતું કે, પ્રીમિયમે લિસ્ટિંગ IPO વેલ્યુએશનના આધારે વાજબી છે, સરકાર દ્વારા ડિજિટલ ઈન્ડિયા પહેલ પર ફોકસ વધારવામાં આવ્યું છે અને આવકમાં વધુ ગ્રોથની તકો સાથે સ્કેલેબલ એસેટ-લાઇટ બિઝનેસ મોડલ વિસ્તરિત કરે છે. વર્તમાન રિટર્નને ધ્યાનમાં લેતાં રોકાણકારોને પ્રોફિટ બુક કરવા સલાહ છે. જ્યારે નવા રોકાણકારોને હાલ વેઈટ એન્ડ વોચની નીતિ અપનાવવા સૂચન છે.”