અમદાવાદ, 6 નવેમ્બરઃ બ્યુટી અને પર્સનલ કેર સેક્ટરમાં કાર્યરત લોકપ્રિય Mamearth બ્રાન્ડની પેરેન્ટ કંપની Honasa કન્ઝ્યુમરે તેના શેરની ફાળવણીના આધારને અંતિમ સ્વરૂપ આપ્યું છે. કંપની 7 નવેમ્બર મંગળવારના રોજ દલાલ સ્ટ્રીટમાં તેની શરૂઆત કરવા માટે તૈયાર છે. બ્યુટી એન્ડ પર્સનલ કેર (BPC) કંપનીનો IPO મોટે ભાગે સંસ્થાકીય બિડર્સ દ્વારા સફળ રહ્યો હતો.

અગાઉ લિસ્ટેડ નવી યુગની કંપનીઓની કામગીરીને જોતાં, રિટેલ રોકાણકારોએ ખાસ કરીને મામાઅર્થના IPOમાં કોઈ રસ દાખવ્યો ન હતો. પ્રથમ બે દિવસમાં IPO 70 ટકા સબસ્ક્રાઇબ થયો હતો અને છેલ્લા દિવસે કુલ 7.61 ગણો ભરાયો હતો જેમાં QIB 11.50 ગણો અને NII 4.02 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. જેમાં રિટેલ રોકાણકારોએ 1.35 ગણી બિડ કરી હતી.

Honasa કન્ઝ્યુમર IPO 31 ઓક્ટોબરથી 02 નવેમ્બર સુધી ખૂલ્યો હતો. તે 46 શેરના લોટ સાઈઝ સાથે રૂ. 308-324ની કિંમતની પ્રાઈસ બેન્ડ પર IPOએ કુલ રૂ. 1,701 કરોડ એકત્ર કર્યા હતા, જેમાં રૂ. 365 કરોડનો ફ્રેશ ઈશ્યુ અને 4.12 કરોડ ઈક્વિટી શેરના વેચાણ માટે ઓફર (OFS)નો સમાવેશ થાય છે.

હોનાસા કન્ઝ્યુમરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) QIB દ્વારા વધુ સબસ્ક્રિપ્શનને કારણે સુધર્યું હતું. ગ્રે માર્કેટમાં મામાઅર્થ રૂ. 30-32ના પ્રીમિયમ પર હતું, જેના કારણે 10 ટકાના પ્રીમિયમ પર લિસ્ટિંગ થવાની શક્યતા છે.

હોનાસા કન્ઝ્યુમર બ્યુટી અને પર્સનલ કેર બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેની પ્રોડક્ટ રેન્જમાં ફેશિયલ કેર, બેબી કેર, હેર કેર, બોડી કેર, કલર કોસ્મેટિક્સ અને ફ્રેગરન્સ સેગમેન્ટનો સમાવેશ થાય છે. Honasa તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોને પૂર્ણ કરવા માટે ‘Bblunt Salon’ નામની પ્રોફેશનલ સલૂન રેન્જ પણ ધરાવે છે.

આ રીતે જાણો Mamaearth IPOના શેર એલોટમેન્ટની સ્થિતિ

– બીએસઈની વેબસાઈટ પર જઈ ઈન્વેસ્ટર ઓપ્શન પર ક્લિક કરો.

– ઇન્વેસ્ટર સર્વિસીસ પર ક્લિક કરી તેના પેટા લિસ્ટમાં સ્ટેટસ ઓફ ઇશ્યુ એપ્લિકેશન પર ક્લિક કરો.

– જેમાં એપ્લિકેશન સ્ટેટસ ચેક ઓપ્શન પર ક્લિક કરો.

– ઇક્વિટી ઇશ્યૂના પ્રકાર અને ઇશ્યૂના નામ સહિતની માહિતી દાખલ કરો.

– તમે PAN નંબર ઉમેરીને સ્ટેટસ જોઈ શકો છો.