Nexus Select Trustsનો REIT ઈશ્યૂ 9મે એ ખુલશે
અમદાવાદ, 1 મેઃ બ્લેકસ્ટોન સમર્થિત નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટની પ્રારંભિક જાહેર ઓફર (Nexus Select Trust IPO) 9 મેના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે. IPO 11 મે, 2023 સુધી સબસ્ક્રાઇબ કરી શકાશે. રિટેલ એસેટ સંબંધિત આ દેશનો પહેલો REIT ઈશ્યુ છે. હાલમાં ભારતમાં ત્રણ લિસ્ટેડ REIT છે પરંતુ તે તમામ ઓફિસ એસેટ સાથે વ્યવહાર કરે છે. કંપની રૂ. 1400 કરોડનો ફ્રેશ ઈશ્યૂ કરશે. રૂ. 1800 કરોડના શેર્સ ઓફર ફોર સેલ દ્વારા ઉપલબ્ધ થશે. આ રીતે કંપની આઈપીઓ મારફત રૂ. 3200 કરોડ એકત્ર કરશે. કંપનીએ અગાઉ IPO દ્વારા રૂ. 4000 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. જોકે, બાદમાં IPOની ઈશ્યૂ સાઈઝ ઘટાડવામાં આવી હતી.
નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટ એ 17 ઉચ્ચ ગુણવત્તાની સંપત્તિ સાથે ભારતનું સૌથી મોટું મોલ પ્લેટફોર્મ છે. કંપનીના મોલ્સ દેશના 14 શહેરોમાં અત્યંત વ્યૂહાત્મક સ્થળોએ સ્થિત છે. જેમાં દિલ્હીમાં સિલેક્ટ સિટી વોક, નવી મુંબઈમાં નેક્સસ સીવુડ્સ, બેંગલુરુમાં નેક્સસ કોરમંગલા, ચંદીગઢમાં નેક્સસ એલાંટે, અમદાવાદમાં નેક્સસ અમદાવાદ વનનો સમાવેશ થાય છે.
કંપનીએ તેનો 96 ટકા પોર્ટફોલિયો લીઝ પર આપ્યો છે. કંપનીના ટેનન્ટમાં Appla, Zara, H&M, Uniqlo, Sephora, Superdry, Lifestyle, Shoppers Stop, Starbucks, McDonalds જેવી ઘણી બ્રાન્ડનો સમાવેશ થાય છે. બ્લેકસ્ટોન દ્વારા સમર્થિત આ ત્રીજો REIT છે. તેણે ભારતનો પ્રથમ REIT એમ્બેસી ઓફિસ પાર્ક્સ યોજ્યો હતો. બાદમાં બ્લેકસ્ટોન માઈન્ડસ્પેસ બિઝનેસ પાર્કનો REIT લઈ આવી હતી. આ IPOની પ્રાઇસ બેન્ડ મેના પહેલા સપ્તાહમાં જાહેર થઈ શકે છે. મોર્ગન સ્ટેન્લી, જેપી મોર્ગન, કોટક મહિન્દ્રા કેપિટલ, એક્સિસ કેપિટલ અને બેન્ક ઓફ અમેરિકા એમએલ મર્ચન્ટ બેન્કર છે.