રુષિલ ડેકોર રૂ. 60 કરોડના રોકાણ સાથે ગુજરાતમાં નવો લેમિનેટ શીટ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપશે
નવો પ્લાન્ટ યુરોપ, લેટિન અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિત 42 દેશો અને સ્થાનિક બજારોને પ્રોડક્ટ્સ પૂરી પાડશે
અમદાવાદ: અગ્રણી ઈન્ટીરીયર પ્રોડક્ટ્સ ઉત્પાદક રુષિલ ડેકોર લિમિટેડ રૂ. 60 કરોડના અંદાજિત મૂડીરોકાણ સાથે ગુજરાતમાં નવો લેમિનેટ શીટ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવાની યોજના ધરાવે છે. આ પ્લાન્ટ વાર્ષિક 12 લાખ શીટ્સની એકંદર સ્થાપિત ક્ષમતા ધરાવતા સુશોભન લેમિનેટનું ઉત્પાદન કરશે. નવો પ્લાન્ટ ભારતીય અને વિદેશી બજારોમાં જ્યાં મોટા કદના (જમ્બો-સાઇઝ) લેમિનેટની ભારે માંગ છે તેને પૂરી કરવામાં મદદરૂપ થશે. તેમજ આ વિસ્તરણની મદદથી વાર્ષિક ધોરણે 100 કરોડની રેવન્યુ જનરેટ કરવાની ક્ષમતા છે. રુષિલ ડેકોર ફ્લેગશિપ બ્રાન્ડ VIR હેઠળ તેના ઉત્પાદનોનું માર્કેટિંગ કરે છે, તે ગુજરાત, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં વ્યૂહાત્મક રીતે સ્થિત સુવિધાઓનો ઉપયોગ કરીને લેમિનેટેડ શીટ્સ, MDF બોર્ડ અને PVC ફોમ બોર્ડના ઉત્પાદનમાં રોકાયેલ છે.
ભારતમાં 5 ઉત્પાદન એકમોની ક્ષમતા 35 લાખ શીટ્સની
રુષિલ ડેકોર તેના ગુજરાતમાં સ્થિત ત્રણ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સમાં ડિઝાઇન, રંગો અને ફિનીશની વિશાળ શ્રેણી સાથે ડેકોરેટિવ લેમિનેટનું ઉત્પાદન કરે છે જેની કુલ લેમિનેટ ક્ષમતા વાર્ષિક 34.92 લાખ શીટ છે. હાલમાં, કંપની ભારતમાં પાંચ ઉત્પાદન સુવિધાઓ ધરાવે છે જેમાંથી ત્રણ ઉત્પાદન એકમો ગુજરાતમાં અને એક કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં સ્થિત છે.
40 ટકા અસંગઠિત માર્કેટ છતાં વધુ બજાર હિસ્સો
ઉદ્યોગ અસંગઠિતમાંથી સંગઠિત ક્ષેત્રમાં બજાર હિસ્સામાં ફેરફાર જોઈ રહ્યો છે. અમે આ વાતાવરણમાં વધુ બજાર હિસ્સો મેળવવા માંગીએ છીએ અને ટોપ–ઓફ–ધ–માઇન્ડ રિકોલને મજબૂત કરવા માટે બ્રાન્ડમાં રોકાણ કરવું અગત્યનું છે પરિણામે અમે અમારી બ્રાન્ડ્સમાં રોકાણ કરવાનું ચાલુ રાખીશું- રુષિલ ઠક્કર, ડિરેક્ટર, રૂષિલ ડેકોર
આંધ્રપ્રદેશમાં રૂ. 500 કરોડના રોકાણ સાથે પ્લાન્ટ સ્થાપ્યો
બજારમાં મધ્યમ ઘનતા ફાઇબર (MDF) બોર્ડ ઉત્પાદનોની વધતી માંગને ધ્યાનમાં રાખીને, રુષિલ ડેકોરે પાતળા અને જાડા MDF બોર્ડના ઉત્પાદન માટે 2021 માં આંધ્રપ્રદેશ (વિશાખાપટ્ટનમ) ખાતે ઉત્પાદન એકમની સ્થાપના કરી હતી. આ ઉત્પાદન સુવિધામાં, કંપની વિવિધ કદ અને જાડાઈમાં MDF ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. MDF ઉત્પાદનોના ઉત્પાદન પોર્ટફોલિયોને સમૃદ્ધ બનાવવા માટે રુષિલ ડેકોરે તેની MDF પેનલ પ્રોડક્ટ્સ એટલે કે MAXPRO, PROPLUS અને PRELAM MDFના વિસ્તરણ તરીકે મૂલ્યવર્ધિત ઉત્પાદનો રજૂ કર્યા છે.
કંપનીના કુલ વેચાણોમાં નિકાસોનો હિસ્સો 60 ટકા
કંપની સાઉથ ઇસ્ટ એશિયા ઉપરાંત યુરોપ, લેટિન અમેરીકા, ઓસ્ટ્રેલિયા સહિત વિવિધ દેશોમાં નિકાસો કરે છે. જે તેના કુલ વેચાણોમાં 60 ટકા હિસ્સો ધરાવે છે.
કંપની માર્ચ અંત સુધીમાં રાઇટ્સ ઇશ્યૂ યોજે તેવી શક્યતા
કંપની માર્ચ અંત સુધીમાં રાઇટ્સ ઇશ્યૂ યોજવા દ્વારા રૂ. 156 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવતી હોવાનું બજાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.