“Sale in May and go away” કહેવત અનુસાર શેરબજારોમાં હેવી પ્રોફીટ બુકિંગ

  • ઓટો ઇન્ડેક્સમાં 4.93 ટકા અ એફએમસીજી ઇન્ડેક્સમાં 0.60 ટકાનો સુધારો નોંધાયો
  • સ્મોલકેપ ઇન્ડેક્સમાં 8.48 ટકા અને મિડકેપ ઇન્ડેક્સમાં 5.51 ટકાનું હેવી કરેક્શન
  • મેટલ ઇન્ડેક્સમાં તમામ સેક્ટોરલ્સ પૈકી સૌથી વધુ 19.64 ટકાનું હેવી કરેક્શન રહ્યું
  • પીએસયુ, પાવર અને કન્ઝ્યુમર ઇન્ડેક્સમાં પણ ડબલ ડિજિટ ઘટાડો મે માસમાં

મે માસ દરમિયાન સમગ્ર દેશમાં કાળઝાળ ગરમી સામે શેરબજારોમાં મંદીની ઠંડીનો ધ્રૂજારો રહેતાં સેન્સેક્સે 2.69 ટકા અને નિફ્ટીએ 3.51 ટકાનું હેવી કરેક્શન નોંધાવ્યું છે. “Sale in May and go away” અંગ્રેજી કહેવત અનુસાર વિદેશી નાણાકીય સંસ્થાઓ તેમજ સામાન્ય રોકાણકારો પ્રત્યેક ઉછાળે વેચવાલ રહ્યા હતા. ખાસ કરીને મેટલ, પીએસયુ, પાવર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર અને ટેલિકોમ તથા આઇટી- ટેકનોલોજી સેક્ટર્સમાં ભારે ખુવારી રહી હતી.

જોકે ઓટો ઇન્ડેક્સમાં 4.93 ટકાનો આકર્ષક સુધારો રહેવા સાથે એફએમસીજી ઇન્ડેક્સ પણ 0.6 ટકાના સુધારા સાથે રહ્યો હતો. વિદેશી નાણાકીય સંસ્થાઓની મે માસ દરમિયાન રૂ. 50000 કરોડથી વધુની આકરી વેચવાલીના કારણે સ્થાનિક સંસ્થાઓની ખરીદીનો ટેકો બુઠ્ઠો સાબિત થઇ રહ્યો છે.

સેન્સેક્સ તેની 19 ઓક્ટોબર-21ની 62245.43 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીથી 6679 પોઇન્ટ એટલેકે 12 ટકા ઉપરાંતનું કરેક્શન નોંધાવી ચૂક્યો છે. તે પૈકી એકલાં મે માસમાં જ 3 ટકા કરેક્શન નોંધાવ્યું છે.

આગામી સમયમાં કયા સેક્ટર્સને રાખશો ધ્યાનમાં

મેટલ્સઃ

ચીનમાં લોકડાઉન તેમજ રિસ્ટ્રીક્શન્સ ઉઠાવી લેવાના કારણે આ સેક્ટરમાં ફરી ડિમાન્ડ સર્જાવા સાથે સુધારાના સંકેતો જોવા મળી શકે છે.

પાવરઃ

રિન્યુએબલ- ગ્રીન એનર્જી સેક્ટર માટેના સંજોગો સતત સુધરી રહ્યા હોવાથી આ સેક્ટર્સની મેજર કંપનીઓ ઉપર વોચ રાખી શકાય.

બેન્કિંગ- ફાઇનાન્સઃ

સ્ટોક સ્પેસિફિક હેવી કરેક્શન જોવાયા બાદ આ સેક્ટરમાં પણ સ્ટોક સ્પેસિફિક ટેક્નો- ફન્ડામેન્ટલ્સ આધારીત શેર્સ અભ્યાસના આધારે લાંબાગાળા માટે વોચમાં રાખી શકાય.

પીએસયુઃ

એલઆઇસી આઇપીઓ ફિઆસ્કા બાદ પીએસયુ કંપનીઓના શેર્સમાં શોર્ટ- મિડિયમ ટર્મ માટે આકર્ષણ ઘટી ગયું હોવાથી ઇન્વેસ્ટમેન્ટ માટે સ્ટ્રેટેજી સાવચેતીની રાખવી હિતાવહ જણાય છે.

વિવિધ સેક્ટોરલ્સ પૈકી ઓટો ઇન્ડેક્સ ટોપ ગિયરમાં

વિગતએપ્રિલ-22મે-22તફાવત+/-%
Sensex5706155566-1495-2.69
NIFTY-5017,10316523-580-3.51
Smallcap2861226371-2241-8.48
Midcap2441823144-1274-5.51
Auto2521026454+1244+4.93
FMCG1408214166+84+00.60
Metal2165518100-3555-19.64
PSU99488483-1465-17.44
Power47754226-549-13.07
Consu. Dure.4266637999-4667-12.28
Healthcare2434122466-1875-8.37
Telecom17601634-126-7.87
IT3199030128-1862-6.18
TECK1433913629-710-5.22
Oil-Gas1949818607-891-4.79
Realty88488483-365-4.34
Energy84478119-328-4.00
Finance78067654-152-1.97
Bankex4153440907-627-1.53
Capital Goods2737027144-226-0.83

નિફ્ટી માટે 16500 – 16600 મહત્વની રેઝિસ્ટન્સ

ત્રણ દિવસની સુધારાની ચાલ બાદ ર્કેટે મોમેન્ટમ છોડી દેવા સાથે સેન્સેક્સ 56000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી નીચે જ બંધ રહ્યો છે. જ્યારે નિફ્ટી પણ 16600 પોઇન્ટની ટેકનિકલી અતિ મહત્વની રેઝિસ્ટન્સ નીચે બંધ રહ્યો છે. જે દર્શાવે છે કે, માર્કેટમાંથી કરેક્શન હજી સંપૂર્ણપણે પૂર્ણ થયું નથી. ડેઇલી ચાર્ટ ઉપર બુલિશ કેન્ડલ અને ઇનસાઇડ બાર કાઇન્ડ ઓફ પેટર્ન અંડરટોન સુધારાનો હોવાનો સંકેત આપે છે. પરંતુ પ્રત્યેક ઉછાળો ઉભરો સાબિત થઇ રહ્યો છે. એલઆઇસી, સન ફાર્મા સહિતની ટોચની કંપનીઓના માર્ચ ક્વાર્ટરના ખરાબ પરીણામો ઉપરાંત આરબીઆઇ વધુ એકવાર વ્યાજદરમાં વધારો કરે તેવી દહેશત વચ્ચે માર્કેટ તેજી-મંદીની અવઢવમાં ગૂંચવાઇ રહ્યું છે.

સામાન્ય રોકાણકાર- ટ્રેડર્સ માટે હવે શું…..

જ્યાં સુધી સેન્સેક્સ 56000 અને નિફ્ટી 16600 પોઇન્ટ ઉપર સળંગ 3 દિવસ બંધ ના આપે ત્યાં સુધી નવી ખરીદી માટે થોભો અને રાહ જુઓ તેમજ જૂની ખરીદીમાંથી બહાર નીકળવા માટે થોભો અને રાહ જુઓ. સેન્સેક્સ એકાએક 47000 કે 60000 થઇ જવાના ચાન્સિસ રેરેસ્ટ ઓફથી રેર કેસમાં જ શક્ય હોય તે સૌ કોઇ જાણે છે.

બેન્ક નિફ્ટી માટે 35500 પોઇન્ટની સપાટી જાળવવી એટલી જ જરૂરી

બેન્ક નિફ્ટી પણ 35500 પોઇન્ટની ટેકનિકલી તેમજ સાયકોલોજિકલ સપોર્ટ લાઇન જાળવી રાખવી એટલી જ જરૂરી બની રહેશે. ડેઇલી ચાર્ટ ઉપર બેરિશ કેન્ડલ અને છેલ્લા ચાર સેશનથી તે હાયર હાઇ લોઅર લો પેટર્ન રચી રહી છે. તે જોતાં નીચામાં 35250- 35000 પોઇન્ટ સુધી ઘટવાની ચાન્સિસ 35800- 36100 સુધી સુધરવાના ચાન્સિસ કરતાં વધુ જણાય છે.