મુંબઈ, તા. 26: માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ રોકાણકારો માટે રોકાણ પ્રક્રિયામાં સરળતા લાવવા માટે ડુપ્લિકેટ શેર જારી કરવાની પ્રક્રિયા સરળ અને પ્રમાણિત બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. મંગળવારે જારી કરાયેલા એક પરામર્શ પત્રમાં સેબીએ જણાવ્યું હતું કે, એવું જાણવા મળ્યું છે કે દસ્તાવેજોના બિન-માનકીકરણ અને RTA/લિસ્ટેડ કંપનીઓ દ્વારા અપનાવવામાં આવતા અલગ અભિગમને કારણે રોકાણકારો વિવિધ લિસ્ટેડ કંપનીઓ માટે વિવિધ દસ્તાવેજો રજૂ કરવાની પળોજણ અનુભવી રહ્યા છે.
સેબીએ સરળ દસ્તાવેજીકરણ માટે થ્રેશોલ્ડ 5 લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા કરવાની પણ ભલામણ કરી છે. વધુમાં, ઓછા મૂલ્યના કેસ માટે એફઆઈઆર અને અખબારની જાહેરાતોની જરૂરિયાતને દૂર કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. સેબીએ મર્યાદામાં વધારાને વાજબી ઠેરવતાં જણાવાયું હતું કે, “ભારતીય સિક્યોરિટીઝ બજાર માર્કેટ કેપિટાલાઈઝેશન, રોકાણકારોની ભાગીદારી અને સરેરાશ પોર્ટફોલિયો સાઈઝના સંદર્ભમાં નોંધપાત્ર રીતે વિસ્તર્યું છે. પરિણામે, વ્યક્તિગત સુરક્ષા હોલ્ડિંગ્સનું નાણાકીય મૂલ્ય નોંધપાત્ર રીતે વધ્યું છે. જેને ધ્યાનમાં રાખતાં મર્યાદા જાળવી રાખવાથી વર્તમાન બજાર વાસ્તવિકતાઓ પ્રતિબિંબિત થતી નથી અને રોકાણકારો પર ટાળી શકાય તેવો પ્રક્રિયાગત બોજો વધે છે.”
પેપરવર્ક અને ખર્ચમાં ઘટાડો કરવા સેબીએ અલગ એફિડેવિટ અને ઇન્ડેમ્નિટી બોન્ડને એક જ એફિડેવિટ-કમ-ઇન્ડેમ્નિટી ફોર્મથી બદલવાનું સૂચન કર્યું છે, જેમાં રોકાણકારના રહેઠાણની સ્થિતિના આધારે સ્ટેમ્પ ડ્યુટીનો ઉપયોગ કરવામાં આવશે. બે અલગ અલગ ફોર્મ ભરવા અને અલગ સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવાથી રોકાણકારો માટે પ્રક્રિયાનું ડુપ્લિકેશન અને નાણાકીય અસુવિધા ઉભી થઈ રહી છે. ઘણા કિસ્સાઓમાં, સિક્યોરિટીઝનું મૂલ્ય સ્ટેમ્પ ડ્યુટીના મૂલ્ય કરતા ઓછું હોઈ શકે છે. આવા કિસ્સાઓમાં, બે અલગ અલગ ઈન્સ્ટ્રુમેન્ટ પર અલગ-અલગ સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી તાર્કિક નથી. તેથી આ પ્રસ્તાવના માધ્યમથી સરળ પ્રક્રિયા બનાવવામાં આવશે.