Outlook: આગામી સપ્તાહે નિફ્ટીનો સપોર્ટ 19750-19850, વૈશ્વિક પડકારો, ક્રૂડ-ડોલર અને Q2 રિઝલ્ટ પર ચાલ નિર્ધારિત
અમદાવાદ, 21 ઓક્ટોબરઃ વૈશ્વિક પડકારો વચ્ચે સેન્સેક્સ 885.12 પોઈન્ટ અને નિફ્ટી 1.06 ટકા ઘટાડે બંધ રહ્યો છે. ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધ, ક્રૂડ-ડોલરની કિંમતમાં વધારો તેમજ યુએસ બોન્ડ યીલ્ડ પણ દાયકાની ટોચે પહોંચતા સ્થાનિક બજારોમાં પ્રેશર જોવા મળ્યું હતું. આગામી સપ્તાહે શેરબજારની ચાલ આ જ બાબતો પર નિર્ધારિત થશે.
અમેરિકી ફેડ રિઝર્વે વ્યાજદરોમાં વધારો કરવાની જાહેરાત સાથે યુએસ યીલ્ડ 5 ટકાની દાયકાની ટોચે પહોંચી છે. ડોલર પર મજબૂત બન્યો છે. મધ્ય-પૂર્વમાં તણાવના લીધે ક્રૂડના ભાવમાં પણ વૃદ્ધિ જોવા મળી છે. પરિણામે એફઆઈઆઈની વેચવાલી વધી છે. આગામી વર્ષે લોકસભા ચૂંટણીના કારણે પણ ઈક્વિટી બજારમાંથી પ્રોફિટ બુકિંગ સાથે ફંડ પાછું ખેંચાઈ રહ્યું છે. આ તમામ પરિબળોએ શેરબજાર નરમ પડ્યું છે.
આગામી સપ્તાહે શેરબજાર પર અસર કરનારી મોટી ઈવેન્ટ્સઃ યુકે સર્વિસ પીએમઆઈ, યુએસ મેન્યુફેક્ચરિંગ એન્ડ સર્વિસ પીએમઆઈ, યુએસ જીડીપી-બેરોજગારીના આંકડાઓ, ક્રૂડ ઓઈલ ઈન્વેન્ટરીઝ, રિલાયન્સ Q2 રિઝલ્ટ, ઈસીબી વ્યાજદર અંગે જાહેરાત, ફેડ રિઝર્વ સ્પીચ…
આગામી સપ્તાહે મહત્વના Q2 પરિણામોઃ
Axis Bank, Bajaj Finserv, Maruti Suzuki India, Tech Mahindra, Asian Paints, BPCL, Canara Bank, PNB, and Reliance Industries
શેરબજાર પર અસર કરતાં પરિબળોઃ
ફેડ રિઝર્વ સ્પીચઃ અમેરિકી ફેડ રિઝર્વ આગામી 26 ઓક્ટોબરે વ્યાજદરો અંગે જાહેરાત કરવાની છે. જેમાં અમેરિકાની જીડીપીના આંકડાઓ પણ જારી થવાના છે. અમેરિકામાં ફુગાવો સતત વધ્યો છે. જેની સામે યુએસ યીલ્ડ પણ 5 ટકાની ટોચે પહોંચી છે.
ક્રૂડ ઓઈલઃ મધ્ય-પૂર્વમાં જિઓ પોલિટિકલ ક્રાઈસિસના કારણે ક્રૂડના ઈન્વેન્ટરી અને ઉત્પાદનમાં ઘટાડાની મર્યાદા લંબાવવામાં આવી છે. જેના પગલે ક્રૂડ કોન્ટ્રાક્ટ 1 ટકા વધ્યા છે. અમેરિકા પણ પોતાની પેટ્રોલ રિઝર્વમાં સુધારો-વધારો કરવાની યોજના બનાવી રહ્યું છે. જેના લીધે ક્રૂડમાં મોટાપાયે વોલેટિલિટી વધવાની ભીતિ છે.
એફઆઈઆઈ આઉટફ્લોઃ અમેરિકામાં વ્યાજદરોમાં વધારાની જાહેરાત અને સૌથી સુરક્ષિત ગણાતી એસેટ યુએસ યીલ્ડ 5 ટકાની સર્વોચ્ચ ટોચે પહોંચતાં વિદેશી રોકાણકારો પોતાનું રોકાણ પાછું ખેંચી રહ્યા છે. ડોલરની મજબૂતાઈ વચ્ચે ઓક્ટોબરમાં અત્યારસુધીમાં એફઆઈઆઈએ 13411 કરોડથી વધુની વેચવાલી નોંધાવી છે. ફાઈનાન્સિયલ, પાવર, એફએમસીજી અને આઈટી સેગમેન્ટમાંથી એફઆઈઆઈની વેચવાલી વધી છે.
ટેક્નિકલ વ્યૂહઃ નિફ્ટી50 એ શુક્રવારે દૈનિક ચાર્ટ પર ડોજી કેન્ડલસ્ટિક પેટર્ન બનાવી છે કારણ કે તેજી-મંદીની સ્થિતિ અંગે કોઈ સચોટ ધારણા કરવી મુશ્કેલ બની છે. સાપ્તાહિક ચાર્ટ પર, ઇન્ડેક્સે ઉપલા સ્તર સાથે મંદીવાળી કેન્ડલસ્ટિક પેટર્ન બનાવી છે. જે આગામી સપ્તાહ માટે પણ નિર્ણાયક બનવાની ધારણા છે. જો ઇન્ડેક્સ નિર્ણાયક રીતે 19300નો સપોર્ટ તોડે, તો વર્તમાન મહિનાની નીચી સપાટીએ નિફ્ટી પહોંચી શકે છે. હાલ સપોર્ટ લેવલ 19750-19850 રાખવામાં આવ્યો છે.