સિનોપ્ટિક્સ ટેક્નો: રૂ. 54.03 કરોડનો SME IPO 30 જૂને
અમદાવાદ, 28 જૂનઃ આઈટી સર્વિસીઝ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સ પ્રોવાઈડર સિનોપ્ટિક્સ ટેક્નોલોજીસ લિમિટેડ તેના એસએમઈ પબ્લિક ઇશ્યૂમાંથી રૂ. 54.03 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. ઇશ્યૂ 30 જૂને સબસ્ક્રિપ્શન માટે ખુલશે. શેર નેશનલ સ્ટોક એક્સચેન્જના એસએમઈ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે. ફર્સ્ટ ઓવરસીઝ કેપિટલ લિમિટેડ ઇશ્યૂની લીડ મેનેજર છે. પબ્લિક ઇશ્યૂ 5 જુલાઈએ બંધ થશે.
રૂ. 10ની ફેસ વેલ્યુના 22,80,000 ઇક્વિટી શેર સુધીના આઈપીઓમાં 14.80 લાખ સુધીના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ અને રૂ. 237 પ્રતિ શેરના ભાવે (ઇક્વિટી શેર દીઠ રૂ. 227ના પ્રીમિયમ સહિત) અને 8 લાખ સુધીના ઇક્વિટી શેરના ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે. કંપની પબ્લિક ઇશ્યૂમાંથી રૂ. 54.03 કરોડ સુધી એકત્ર કરવાની યોજના ધરાવે છે. અરજી માટે લઘુત્તમ લોટ સાઈઝ 600 શેર્સ છે જેનું મૂલ્ય પ્રતિ અરજી રૂ. 1.42 લાખ થાય છે.આઈપીઓના ભાગ રૂપે રિટેલ રોકાણકારોને ઓફર કરાયેલા શેર ઇશ્યૂના મહત્તમ 50% રાખવામાં આવે છે. માર્કેટ મેકર રિઝર્વેશન ભાગ 1,14,000 ઇક્વિટી શેર છે.
કંપનીના ક્લાયન્ટમાં તાતા કમ્યૂનિકેશન્સ લિમિટેડ, બીઓબી ફાઈનાન્શિયલ સર્વિસીઝ, બ્લ્યૂ ડાર્ટ એક્સપ્રેસ લિમિટેડ, શોપર્સ સ્ટોપ લિમિટેડ, જીઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ, મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ, ગુજરાત સરકાર વગેરેનો સમાવેશ થાય છે.
નાણાંકીય વર્ષ 2021-22 માટે કંપનીએ કુલ રૂ. 50.97 કરોડની આવક અને રૂ. 4.32 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. ડિસેમ્બર 2022ના રોજ પૂરા થયેલા નવ મહિના માટે, કંપનીએ કુલ રૂ. 34.46 કરોડની આવક નોંધાવી હતી અને રૂ. 5.25 કરોડનો ચોખ્ખો નફો મેળવ્યો હતો. ડિસેમ્બર 2022 સુધીમાં, કંપનીની નેટ વર્થ રૂ. 24.02 કરોડ, કુલ સંપત્તિ રૂ. 53.80 કરોડ અને અનામત અને સરપ્લસ રૂ. 17.02 કરોડ હતી.