નિફ્ટી-50 ઇન્ડેક્સે ટેકનિકલી 16400 પોઇન્ટની મહત્વની ટેકાની સપાટી જાળવી રાખવા સાથે ઉપરની 16514 પોઇન્ટની રેઝિસ્ટન્સને ટચ પણ કર્યું નથી. જે દર્શાવે છે કે માર્કેટમાંથી હજી મંદીનું ઝેર પુરેપુરું નીચોવાયું નથી. જ્યાં સુધી નિફ્ટી ટેકનિકલી 16514 પોઇન્ટની સપાટી ઉપર બંધ આપે નહિં, ત્યાં સુધી નિષ્ણાતો અને બજાર પંડિતો સુધારા ઉપર વિશ્વાસ મુકતાં નથી. ચાર દિવસના સળંગ ઘટાડા પછી બીએસઇ સેન્સેક્સ સવારે 378 પોઇન્ટના ગેપડાઉન સાથે ખુલી 385 પોઇન્ટના ઘટાડા સાથે ઇન્ટ્રા-ડે 54507 પોઇન્ટનું ઇન્ટ્રા-ડે લો બનાવ્યા બાદ સેકન્ડ હાફમાં સુધારાની ચાલ શરૂ થતાં ઘટ્યા મથાળેથી 811 પોઇન્ટ અને ગઇકાલના બંધ સામે 427.79 પોઇન્ટના સુધારા સાથે 55320.28 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 121.85 પોઇન્ટના સુધારા સાથે 16478.10 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. 8મી જૂને ક્રૂડની કિંમત 123 ડોલરની 13 સપ્તાહની ટોચે પહોંચવા સાથે માર્કેટ લિડર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આગેવાની હેઠળ ઓઇલ એન્ડ ગેસ તેમજ એનર્જી ઇન્ડેક્સમાં બે ટકા આસપાસ સુધારો રહ્યો હતો.

એફપીઆઇ વર્સસ મ્યુચ્યુઅલ ફંડ્સ

મે માસમાં મ્યુચ્યુઅલ ફંડ્સમાં મૂડીરોકાણ પ્રવાહ વધી રૂ. 18529 કરોડનો થવા સાથે સ્થાનિક સંસ્થાઓની સતત ઇક્વિટી ખરીદીના કારણે વિદેશી નાણાકીય સંસ્થાઓની વેચવાલીનું આક્રમણ હળવું થઇ રહ્યું છે. ગુરુવારે એફપીઆઇની રૂ. 1512.64 કરોડની નેટ વેચવાલી સામે સ્થાનિક સંસ્થાઓનો રૂ. 1624.90 કરોડનો નેટ ખરીદીનો ટેકો રહ્યો હતો.

સેન્સેક્સ નિફ્ટીના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ્સ (શુક્રવાર માટે)

સેન્સેક્સ55320+428સપોર્ટ55000- 54965રેઝિસ્ટન્સ55600- 55785
નિફ્ટી16478+122સપોર્ટ16400- 16345રેઝિસ્ટન્સ16504- 16600

રોકાણકારોની મૂડીમાં વધારો થઇ 254.96 લાખ કરોડની સપાટી નજીક પહોંચી છે. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો ફરી 8 પૈસા નબળો પડી 77.76 રહ્યો હતો. આગામી વૈશ્વિક સેન્ટ્રલ બેંક મીટિંગ્સની અસરને ધ્યાનમાં રાખીને રોકાણકારોએ બજાર પર વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવી હતી. સેન્સેક્સ પેકમાં ડો. રેડ્ડીઝ 3 ટકા સાથે સૌથી વધુ વધ્યો હતો. જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ,સન ફાર્મા,ટેક મહિન્દ્રા,કોટક મહિન્દ્રા બેંક, વિપ્રોમાં સુધારો હતો. આ ઉપરાંત તાતા સ્ટીલ, એનટીપીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફાઇનાન્સ, એસબીઆઈમાં ઘટાડાની ચાલ રહી હતી. બીએસઇ ખાતે સ્મોલ તથા મિડકેપમાં સુધારાની ચાલ રહી હતી. સેક્ટોરલ ઇન્ડેક્સમાં ટેલિકોમ 2.10 ટકા, એનર્જી 2.03 ટકા, ઓઇલ એન્ડ ગેસ 1.78 ટકા, હેલ્થકેર 1.01 ટકા અને ટેક 0.99 ટકા સુધર્યા હતા.