રાજ્યમાં ઇ-ગ્રામ સેન્ટર પરથી B2C સેવા અંતર્ગત ૬ વર્ષમાં રૂ. ૪૩૪ કરોડથી વધુના ડિજીટલ વ્યવહાર થયા
અમદાવાદ, 11 જુલાઇઃ ગામડાંઓ પણ ટેકનિકલી સાઉન્ડ બની રહ્યા છે. ડિજિટલ યુગના મંડાણ માત્ર શહેરો પૂરતાં સિમિત રહ્યા નથી. હવે તો ગામડાંઓ પણ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં ડંકો વગાડી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના હેઠળ ગ્રામ પંચાયત સ્તરે જરૂરી પ્રાથમિક માળખાગત સુવિધાઓ આપીને સરકારની તમામ ઓનલાઇન સેવાઓ પુરી પાડવા માટેનો એકમ સ્થાપવામાં આવ્યા છે. આ યોજના અંતર્ગત રાજ્યમાં કુલ ૧૪,૧૮૧ ઇ-ગ્રામ સેન્ટરમાં ૧૬,૬૯૩ વી.સી.ઇ (વિલેજ કોમ્યુટર આંત્રપ્રિન્યોર) કાર્યરત છે. રાજ્યમાં કુલ ૧૦૦૦ જેટલા અદ્યતન સુવિધાયુક્ત સ્માર્ટ ઇ-ગ્રામ સેન્ટર છે. આ ઇ-ગ્રામ સેન્ટરમાં ૩૨૫ જેટલી ગર્વમેન્ટ ટુ સિટીઝન અને ૭૫ જેટલી બિઝનેસ ટુ સિટીઝન સેવાઓ છે. રાજ્યમાં ઇ-ગ્રામ સેન્ટર પરથી વર્ષ ૨૦૧૭-૧૮ થી લઇને વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ. ૪૩૪ કરોડથી વધુના ડિજીટલ વ્યવહાર થયા છે. જ્યારે ચાલું વર્ષ ૨૦૨૩-૨૪માં અત્યાર સુધીમાં ઇ-ગ્રામ સેન્ટર પરથી રૂ. ૩૨.૧૯ કરોડના ડિજીટલ વ્યવહાર થઇ ચૂક્યા છે.
અમદાવાદ જિલ્લામાં B2C સેવા અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ.૧.૭૮ કરોડના ડિજીટલ વ્યવહાર થયા
ઈ-ગ્રામ પોર્ટલ પર B2C સેવાઓ (બિલ કલેક્શન (GEB, GSPC ગેસ), વિમાન, રેલ્વે અને બસ ટિકિટ નોધણી, મોબાઇલ રિચાર્જ અને પોસ્ટપેડ બિલ ચૂકવણી, DTH રિચાર્જ, વીમા બેંકિંગ સેવાઓ) દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ. ૧.૭૮ કરોડના ડિજીટલ વ્યવહાર થયા છે. ગ્રામીણ યુવાનોને સ્વરોજગારીની તક મળે એ માટે આ યોજનાનું સેન્ટર પી.પી.પી. ધોરણે સ્થાપવામાં આવે છે અને અરજદારો દ્વારા થતી અરજીઓની સંખ્યા મુજબ વિલેજ કમ્પ્યુટર આંત્રપ્રિન્યોરને પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે.
અમદાવાદ જિલ્લામાં ૧૭.૪૪ લાખ લાભાર્થીઓને PMJAY-મા કાર્ડ અપાયા : અમદાવાદ જિલ્લામાં ૧૭.૪૫ લાખ લાભાર્થીઓમાંથી ૧૭.૪૪ લાખ લાભાર્થીઓને PMJAY – મા કાર્ડ માટેના અપ્રૂવલ આપીને PMJAY-મા કાર્ડ બનાવી આપવામાં આવ્યાં છે.
રાજ્યમાં અમદાવાદ જિલ્લાની સૌથી શ્રેષ્ઠ કામગીરી – કુલ ૧૦.૫૩ લાખ ઈ-શ્રમ કાર્ડ અપાયા : રાજ્યમાં ઇ-શ્રમ કાર્ડને લઇને અમદાવાદ જિલ્લા દ્વારા સૌથી શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં ઈ-શ્રમ યોજનાની શરૂઆતથી લઈ આજ દિન સુધી કુલ ૧૦.૫૩ લાખ ઈ-શ્રમ કાર્ડ લાભાર્થીઓને આપવામાં આવ્યા છે.
આ યોજનાને વધુ સુદ્રઢ કરવા તેમજ તેનો વ્યાપ વધારવા બજેટમાં ૧૬૦ કરોડની જોગવાઇ : ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના થકી ગ્રામ્ય લોકોને સરકારી યોજનાઓનો લાભ સરળતાથી તેમના ગામમાં જ મેળવી શકે છે. હાલમાં આ યોજના અંતર્ગત મળનાર સેવાઓની સંખ્યા વધીને ૩૨૧ થયેલ છે. દર વર્ષે અંદાજિત ૪.૫ કરોડ વ્યવહારો આ નેટવર્ક મારફત થાય છે. જે ડિજિટલ ગવર્નન્સની દિશામાં મોટી હરણફાળ છે. આ યોજનાને વધુ સુદ્રઢ કરવા તેમજ તેનો વ્યાપ વધારવા ૧૬૦ કરોડની જોગવાઇ.
(અહેવાલ: ગોપાલ મહેતા, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ)