શેરબજારોમાં વોલ્યૂમ્સ અને વોલેટિલિટી જાણે ચણા-મમરાની દુકાન જેવી!! સેન્સેક્સમાં માત્ર 300 પોઇન્ટ પ્લસ માઇનસની ચાલ
અમદાવાદઃ શેરબજારોમાંથી ધીરે ધીરે વોલ્યૂમ્સ અને વોલેટિલિટી મંદ પડી રહ્યા છે. સેન્સેક્સમાં આજે 300 પોઇન્ટ પ્લસ અને 200 પોઇન્ટ માઇનસની સ્થિત વચ્ચે સામાન્ય રોકાણકાર વર્ગ બિચારો મોં વકાસીને તેને ટીપ્સમાં અપાવેલા શેર્સના ભાવ વધે તો છૂટા થવાની રાહ જોઇ રહ્યો છે. તો ઇન્સ્ટિટ્યુશનલ અને એચએનઆઇ ઇન્વેસ્ટર્સ ખાનગી ધોરણે પ્રત્યેક ઘટાડે ધીમું વેલ્યૂ બાઇંગ શરૂ કરી ચૂક્યા છે. માર્કેટ એવાં સ્ટેગ્ન્ટ ઝોનમાં પ્રવેશ્યું છે કે, જ્યાંથી કઇ દિશામાં દોટ મૂકશે તેનો અંદાજો કોઇ લગાવી શકતું નથી. સેન્સેક્સ મંગળવારે માત્ર 41 પોઇન્ટ ઘટીને બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 34 પોઇન્ટ ઘટી 16951 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
સેન્સેક્સની ઇન્ટ્રા-ડે ચાલ
વિગત | સેન્સેક્સ | +/- |
આગલો બંધ | 57654 | — |
ખુલ્યો | 57751 | +97 |
વધી | 57949 | +295 |
ઘટી | 57450 | -204 |
બંધ | 57614 | -41 |
BSE સેન્સેક્સ ઉપરમાં 57,949.45 અને નીચામાં 57,494.91 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 40.14 પોઈન્ટ્સ અથવા 0.07 ટકા ઘટીને 57,613.72 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં 17,061.75 અને નીચામાં 16,913.75 પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ 34.00 પોઈન્ટ્સ અથવા 0.2 ટકાના ઘટાડા સાથે 16,951.70 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
માર્કેટ બ્રેડ્થ 70 ટકા નેગેટિવ, સેન્ટિમેન્ટ તળિયે પહોંચ્યું
બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 3644 સ્ક્રીપ્સ પૈકી 70 ટકા સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જ્યારે માત્ર 27.20 ટકા સ્ક્રીપ્સમાં જ સુધારો નોંધાયો હતો.
વિગત | કુલ | સુધર્યા | ઘટ્યા |
બીએસઇ | 3644 | 991 | 2560 |
સેન્સેક્સ | 30 | 11 | 19 |
આઇટી, ટેલિકોમ, ઓટો, રિયાલ્ટીમાં પીછેહઠ
બીએસઇ ખાતે આજે કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ 0.33 ટકા, મેટલ 0.24 ટકા અને ફાઇનાન્સિયલ સર્વિસ ઇન્ડેક્સ 0.25 ટકાના નોમિનલ સુધારા સાથે રહ્યા હતા. સામે આઇટી ઇન્ડેક્સ 0.85 ટકા, ટેલિકોમ 1.60 ટકા, ઓટો 0.83 ટકા, ઓઇલ 0.95 ટકા અને રિયાલ્ટી ઇન્ડેક્સ 1.17 ટકા ઘટીને બંધ રહ્યા હતા.