નવી દિલ્હી, 28 માર્ચઃ સામાન્ય અને નોકરીયાત વર્ગ માટે આગે કૂવા પીછે ખાઇ જેવો ઘાટ છે. પગાર ઉપર પૂરો ટેક્સ ચૂકવવાનો અને પીએફ ઉપર મળતું વ્યાજ સાવ ચણા-મમરા જેવું મળે છે. રોટલા રમખાણમાં રાત- દિવસ ઝઝૂમતાં ખાનગી કર્મચારીઓના એમ્પ્લોઇ પ્રોવિડેન્ટ ફંડ (ઇપીએફ) ઉપર મળતું વ્યાજ છેલ્લા ચાર દાયકાના તળિયે 81.5 ટકાની સપાટીએ રમી રહ્યું છે.

એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓફિસ (EPFO)એ ચાલુ નાણાકીય વર્ષ માટે પ્રોવિડન્ટ ફંડ માટે વ્યાજ દર 8.15 ટકા નક્કી કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. EPFO બોર્ડની 27 અને 28 માર્ચે મળેલી બેઠકમાં ઉચ્ચ પગાર-સંબંધિત પેન્શન, FY23ના વ્યાજ દરો અને વાર્ષિક નાણાકીય અંદાજો અંગે ચર્ચા કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જે ગત નાણાકીય વર્ષ કરતાં 0.5 ટકા વધુ છે.

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની 233મી બેઠક 25-26 માર્ચના રોજ યોજાવાની હતી પરંતુ તેને પાછળ ધકેલી દેવામાં આવી હતી. CBTનો નિર્ણય 6 કરોડ ઈપીએફઓ સબ્સ્ક્રાઈબર્સ પર અમલી બનશે. જેમાંથી 72.73 લાખ પેન્શનર્સ છે. EPFOએ 2021-22 માટે 8.10 ટકા વ્યાજ દર જાહેર કર્યો હતો, જે ચાર દાયકામાં સૌથી નીચો હતો.

છેલ્લે 1977-78માં વ્યાજદર ઘટીને 8 ટકા થયો હતો

FY23 માટે EPF વ્યાજ દર લગભગ 8 ટકા રહેવાની શક્યતા હતી. CBTએ ગયા માર્ચમાં FY22 માટે 8.1 ટકાની ભલામણ કરી હતી, જેને નાણા મંત્રાલયે જૂન 2022માં બહાલી આપી હતી. આનાથી EPFO પાસે અંદાજિત રૂ. 450 કરોડ સરપ્લસ વધી હતી. 2022માં, ઘણા સબ્સ્ક્રાઇબર્સને વ્યાજ ક્રેડિટમાં વિલંબનો અનુભવ થયો. તે પહેલું વર્ષ હતું જ્યારે કેન્દ્રીય બજેટમાં EPFમાં વધુ યોગદાન પર વ્યાજ પર ટેક્સ લગાવવાની દરખાસ્ત કરવામાં આવી હતી.

EPFOએ કર્મચારીઓને 3 મે સુધી પગાર સાથે જોડાયેલ ઉચ્ચ પેન્શન પસંદ કરવાની મંજૂરી આપી હતી. આ વિકલ્પને બે મુદ્દાઓના ઉકેલ તરીકે જોવામાં આવ્યો હતો – પેન્શનરોની સંખ્યામાં પ્રગતિશીલ વધારો અને યોગદાન અને લાભોના ચોખ્ખા વર્તમાન મૂલ્ય (NPV) વચ્ચેનો તફાવત.

એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ એ પગારદાર કર્મચારીઓ માટે ફરજિયાત યોગદાન છે.એમ્પ્લોયરને પણ EPF ખાતામાં સમકક્ષ યોગદાન આપવું જરૂરી છે. કર્મચારી માસિક ધોરણે EPF ખાતામાં તેના વેતનના 12% યોગદાન આપે છે. કર્મચારીઓનું સંપૂર્ણ યોગદાન EPF ખાતામાં જમા થાય છે. નોકરીદાતાના કિસ્સામાં, EPF ખાતામાં માત્ર 3,67 ટકા જ જમા થાય છે. બાકી 8.33% એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ (EPS) તરફ જાય છે.

ઈપીએફઓ રેટ 4 દાયકાના તળિયે

વર્ષરેટ
2010-119.50
2011-128.25
2012-138.50
2013-148.75
2014-158.75
2015-168.80
2016-178.65
2017-188.55
2018-198.65
2019-208.50
2020-218.50
2021-228.10
2022-238.15

(સ્રોતઃ EPFO)