ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સ ટન દીઠ રૂ. 3300 વધાર્યો, ATF પર ડ્યુટી ઘટાડી
નવી દિલ્હી
સરકારે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પરની સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યૂટી (SAED) 4 રૂપિયા પ્રતિ લિટરથી ઘટાડીને 3.50 રૂપિયા પ્રતિ લિટર કરી છે. બીજી બાજુ ક્રૂડ ઓઈલના સ્થાનિક ઉત્પાદન પર વિન્ડફોલ ટેક્સ 6,700 રૂપિયા પ્રતિ ટનથી વધારી રૂ. 10,000 પ્રતિ ટન કર્યો છે. આ વધારો 16 સપ્ટેમ્બરથી અમલમાં આવશે.
અગાઉ, 2 સપ્ટેમ્બરના રોજ અગાઉના પખવાડિયાની સમીક્ષામાં, સરકારે ક્રૂડ પેટ્રોલિયમ પર SAED 7,100 રૂપિયા પ્રતિ ટનથી ઘટાડીને 6,700 રૂપિયા પ્રતિ ટન કર્યું હતું. ડીઝલની નિકાસ પર SAED 6 રૂપિયા પ્રતિ લીટરથી ઘટાડીને 5.5 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે. પેટ્રોલની નિકાસ પર SAED ઝીરો કરવામાં આવશે.
ગત વર્ષે પ્રથમ વખત ઓઈલ કંપનીઓ પર વિન્ડફોલ ટેક્સ
ભારતમાં ઓઈલ ઉત્પાદકો પર ગયા વર્ષે જુલાઈમાં વિન્ડફોલ ટેક્સ પ્રથમ વખત વસૂલવામાં આવ્યો હતો. યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં વોલેટિલિટી વચ્ચે ઓઈલ ઉત્પાદક કંપનીઓએ ભારે નફો કર્યો હોવાથી કેન્દ્રે સૌપ્રથમ વખત સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઈલના વેચાણ પર વિન્ડફોલ ટેક્સ લાદ્યો હતો.
ક્રૂડના ભાવ 10 માસની ટોચે
ક્રૂડ ઉત્પાદકો સાઉદી અરેબિયા અને રશિયાએ વર્ષના અંત સુધી ઓઈલ ઉત્પાદનમાં સ્વૈચ્છિક કાપ લંબાવતાં આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવમાં વધારો થઈ રહ્યો છે. શુક્રવારે, તેલના ભાવ સતત પાંચમા સેશનમાં 10-માસની ટોચે પહોંચ્યા હતા. વધુ સાઉદી અરેબિયાના ઉત્પાદનમાં ઘટાડો અને ચીનની માંગમાં વધારા સામે પુરવઠો ઓછો હોવાથી સાપ્તાહિક ધોરણે ત્રીજી વખત રેકોર્ડ ભાવ વધી રહ્યા છે. ગઈકાલે બ્રેન્ટ ક્રૂડ 91.20 પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું હતું.