એસ્સાર ઋણમુક્ત બની: ETPL- EPLએ AM/NS સાથે 2.05 અબજ ડોલરનો વ્યવહાર પૂર્ણ કર્યો

મુંબઈ: એસ્સાર પોર્ટ્સ એન્ડ ટર્મિનલ્સ લિમિટેડ (ETPL) અને એસ્સાર પાવર લિમિટેડ (EPL)એ હજીરા અને પારાદીપમાં સ્થિત એની 2.05 અબજ ડોલર (₹16,500 કરોડ)નાં કેપ્ટિવ પોર્ટ્સ અને પાવર એસેટ્સનું વેચાણ આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા લિમિટેડ (AM/NS)ને કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે. ઇન્ફ્રા એસેટ્સના વેચાણમાં ગુજરાતના હજીરામાં 270 મેગાવોટનો પાવર પ્લાન્ટ અને 25 એમપીટીએ પોર્ટ તથા ઓડિશાના પારાદીપમાં 12 એમપીટીએ પોર્ટ સામેલ છે.

એસ્સાર કેપિટલના ડિરેક્ટર પ્રશાંત રુઇયાએ કહ્યું હતું કે, એસ્સારે એનો એસેટ મોનેટાઇઝેશન પ્રોગ્રામ પૂર્ણ કર્યો છે અને 25 અબજ ડોલર (₹2,00,000 કરોડ)ના ડેટ પુનઃચુકવણી અસરકારક રીતે કરી છે, જેનાથી ગ્રૂપ ભારતીય બેંકો અને નાણાકીય સંસ્થાઓમાંથી ઋણમુક્ત થયું છે.

એસ્સાર અત્યારે ભારતની અંદર અને બહાર ખાનગી માલિકીના ગ્રૂપની આવક 15 અબજ ડોલર (~₹1.2 લાખ કરોડ) અને એસેટ અંડર મેનેજમેન્ટ 8 અબજ ડોલર (₹64,000 કરોડ) ધરાવે છે.

એસ્સાર પોર્ટ્સ ટર્મિનલ્સ લિમિટેડના ડિરેક્ટર રેવાંત રુઇયાએ કહ્યું કે, આયોજિત અને વ્યૂહાત્મક રીતે અમે છેલ્લાં 30 વર્ષમાં ઊભી કરેલી એસેટનું મોનેટાઇઝેશન કર્યું છે. છેલ્લાં પાંચ વર્ષમાં એસ્સારે મોનેટાઇઝ કરેલી એસેટથી રોકાણ પર અનેકગણું વળતર મળ્યું છે.