MARKET MONITOR: નિફ્ટી માટે 22900, 22100 અને 21800 મહત્વના સપોર્ટ લેવલ
ચીન પ્રત્યેનું ટ્રમ્પનું વલણ થોડું કુણું પડતાં અમેરિકન બજારો શુક્રવારે ઘટ્યાં, છ દિવસના આ સપ્તાહમાં ફેડ મિટીંગ અને આપણું બજેટ મોટા ઇવેન્ટ
અમદાવાદ, 27 જાન્યુઆરીઃ શુક્રવારે અમેરિકન ઇન્ડેક્સો થોડા ઘટીને બંધ આવવા પાછળ મુખ્ય કારણ ચીન પરની પ્રમુખ ટ્રમ્પની કડકાઇ થોડી ઓછી થવાનું હતુ. રોકાણકારો યુએસના આર્થિક ડેટા અને અમેરિકન કંપનીઓની કમાણીના અહેવાલોને પચાવી રહ્યા હતા. જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં આવનારા ડેટા અને ફેડરલ રિઝર્વ મીટિંગ પર મીંટ મંડાયેલી હતી. સપ્તાહની શરૂઆતમાં તીવ્ર તેજી બાદ એન-વિડીયા સહિતના મેગાકેપ શેરો રિએક્ટ થવાના કારણે ટેકનોલોજી શેરોમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો.
હાઉસિંગ માર્કેટના ડેટા અપેક્ષા કરતા વધુ સારા હતા. એસએન્ડપી ગ્લોબલ સર્વેમાં જાન્યુઆરીમાં વ્યાપારી પ્રવૃત્તિ ધીમી પડીને નવ મહિનાના નીચલા સ્તરે પહોંચી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું કારણ કે ભાવો વધ્યા હતા. જોકે, કંપનીઓની કર્મચારીઓની ભરતીમાં વધારો થયો હતો. આ પરિબળ આ વર્ષે નાણાકીય નીતિને લઇને ફેડરલ રિઝર્વના સાવચેતીભર્યા અભિગમને ટેકો આપે છે. યુનિવર્સિટી ઓફ મિશિગનનો કન્ઝ્યુમર કોન્ફીડન્સનો અંતિમ અંદાજ 73.2 ના અગાઉના અંદાજથી ઘટીને 71.1 થયો હતો.
ડેટાના આધારે ટ્રેડરો શરત લગાવી રહ્યા હતા કે ફેડ તેની 28-29 જાન્યુઆરીની બેઠકમાં રેટ યથાવત રાખશે અને જૂનમાં પ્રથમ દર ઘટાડાની અપેક્ષા રાખી શકાય.
આમ ટ્રમ્પ વહીવટીતંત્ર તરફથી નીતિ અપડેટ્સની રાહની સાથે સાથે આ સપ્તાહે મુખ્ય ફુગાવા અને આર્થિક વૃદ્ધિના ડેટા તેમજ ફેડ મીટિંગ પર નજર રહેશે. રોકાણકારોને ચિંતા છે કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સંભવિત ટેરિફ દરખાસ્તો ફુગાવાના દબાણને વધારી શકે છે, પરિણામે ફેડ દ્વારા વ્યાજ દર ઘટાડવાની ગતિ ધીમી પડી શકે છે. ટ્રમ્પે જણાવ્યું હતુ કે મેક્સિકો, કેનેડા, ચીન અને યુરોપિયન યુનિયન પર ટેરિફ 1 ફેબ્રુઆરીએ જાહેર થઈ શકે છે, પરંતુ એનાલિસ્ટો માને છે કે મોટી જાહેરાતો પ્રેસીડન્ટ ટ્રમ્પે મંગાવેલ અહેવાલોના આધારે નિર્ણય લઇને 1 એપ્રિલે જાહેરાત કરશે.
એસએન્ડપી 500 ઇન્ડેક્સ 17.48 પોઈન્ટ્સ, 0.29% ઘટીને 6,101.23, નાસદાક કંપોઝીટ 101.78 પોઈન્ટ્સ, 0.51% ડાઉન થઇ 19,951.90 અને ડૉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 146.14 પોઈન્ટ્સ, 0.33% ઘટીને 44,418.93ના સ્તરે બંધ થયા હતા. બે સપ્તાહમાં ડૉ 41844ના બોટમેથી વધી 44565, નાસદાક 18831થી 20118, એસએન્ડપી 500 ઇન્ડેક્સ 5773થી 6128 અને રસેલ 2000 સૂચકાંક 2158થી વધી 2321 થયા એમાં નવો ઐતિહાસિક હાઇ એસએન્ડપી 500 ઇન્ડેક્સે જ બનાવ્યો હતો. ટ્રમ્પે સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં યુએસ પ્રમુખ તરીકે શપથ લીધા પછી પ્રથમ આંતરરાષ્ટ્રીય સંબોધનમાં કર, તેલના ભાવ અને વ્યાજ દર ઘટાડવાની હાકલ કર્યા પછી, બેન્ચમાર્ક એસએન્ડપી 500એ ગુરુવારે રેકોર્ડ ઉચ્ચ સ્તર નોંધાવી રેકોર્ડ હાઇ બંધ આપ્યું હતુ.
યુએસ માર્કેટમાં બુધવારે ટેક્નોલોજી શેરોમાં તીવ્ર ઉછાળો આવ્યો હતો પરંતુ શુક્રવારે એ જ ક્ષેત્રનો નબળો દેખાવ રહ્યો હતો. ચીપ નિર્માતા ટેક્સાસ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી. બજારના અંદાજ કરતાં પહેલા (માર્ચ)ક્વાર્ટરમાં નફો ઓછો રહેવાની આગાહી કરી હતી કારણ કે તે તેના મુખ્ય ઓટોમોટિવ અને ઔદ્યોગિક બજારોમાં ઇન્વેન્ટરી બિલ્ડઅપની સમસ્યા સામે ઝઝૂમી રહી છે. અમેરિકન એક્સપ્રેસનો ચોથા ક્વાર્ટરનો નફો 12% વધ્યો હોવા છતાં તેણે ડૉ પર દબાણ સર્જ્યું હતુ. પ્લેનમેકર બોઇંગના ચોથા ક્વાર્ટરના પરિણામો મંગળવારે જાહેર થશે એમાં લગભગ $4 બિલિયનના નુકસાનના અંદાજો આવી રહ્યાં છે.
ઘર આંગણે નિફ્ટી શુક્રવારે 23092ના સ્તરે ખુલી વધીને 23347 સુધી બપોરે બાર આસપાસ માંડ માંડ પહોંચ્યો અને એ લેવલથી સતત ઘટી 23050 થઇ દૈનિક 113 પોઇન્ટ્સ,ઇન્ટ્રા-ડે હાઇથી લો 300 પોઇન્ટ્સ ગુમાવી અંતે 0.49% ડાઉન રહી 23092 બંધ થયો હતો. સાપ્તાહિક ઘટાડો 0.48%ના પ્રમાણમાં હતો.નિફ્ટી માટે 22900, 22100 અને 21800 મહત્વના સપોર્ટ લેવલ ગણાય. બેન્ક નિફ્ટી અને નિફ્ટી ફાઇનેન્સીયલ સર્વીસીસ 0.46% અને 0.50%ના દૈનિક તો 0.35% અને 0.42%ના સાપ્તાહિક લોસે અનુક્રમે 48367 અને 22513ના સ્તરે બંધ રહ્યા હતાં. બીએસઇનો સેન્સેક્સ 0.43% ગુમાવી 76190 અને બેન્કેક્સ દૈનિક 0.42% ના નુક્શાને 54723 બંધ હતો. નિફ્ટી આઇટી ઇન્ડેક્સ દૈનિક 0.40% અને સાપ્તાહિક 3.43% સુધરી 43524 બંધ હતો. નિફ્ટી નેક્સ્ટ 50 શુક્રવારે દોઢ ટકો અને સાપ્તાહિક પોણા આઠ ટકા તૂટી 62494 અને મિડકેપ સિલેક્ટ દૈનિક પોણો ટકો અને 1 વીકમાં સાડાચાર ટકાનો ભોગ આપી 12087ના લેવલે આવી ગયા હતા. આ સપ્તાહે બજાર છએ છ દિવસ ઓપન હશે અને ફેડરલ રિઝર્વની મીટીંગ, 1લી ફેબ્રુારીના રોજ ટ્રમ્પની સંભવિત ટેરિફ ઘોષણા અને આપણું બજેટ એટલા મોટા ઇવેન્ટ છે કે જે બજારની ભાવિ ચાલ માટે નિર્ણાયક ભૂમિકા ભજવશે.
રિયલ્ટી ઇન્ડેક્સ એક સપ્તાહમાં 10 ટકા ડાઉન
શુક્રવારે પૂરા થયેલા સપ્તાહમાં રિયલ્ટી સેક્ટરનો કડદો બોલી ગયો હતો. નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ દસ ટકાના સાપ્તાહિક અને 2.31%ના દૈનિક ઘટાડા સાથે 853.55 બંધ હતો. બાવન સપ્તાહના 808.45ના લોથી હવે માત્ર સાડાપાંચ ટકા જ ઉપર છે. સમીક્ષા હેઠળના સપ્તાહની સ્પીડે ઘટે તો 3 દિવસમાં જ એ લેવલ આવી શકે. આ ઇન્ડેક્સના પ્રતિનિધિ સોભા ડેવપર્સે શુક્રવારે રૂ. 1127.05નો બાવન વીકનો નવો લો બનાવી દૈનિક સાડાસાત ટકા અને સાપ્તાહિક સાડા આઠ ટકા ગુમાવી રૂ. 1130 બંધ આપ્યું હતુ. કંપનીના પાર્ટલી પેઇડ રાઇટ્સ શેરો ફુલી પેઇડ અપ થવાના પગલે ફલોટીંગ સ્ટોક વધવાની ગણતરી મુકાતી હતી. મહીન્દ્ર લાઇફસ્પેસે પણ 388.30નો નવો ફિફ્ટી ટૂ વીક લો નોંધાવી સાપ્તાહિક પોણા પાંચ ટકા ઘટી 395 બંધ આપ્યું હતુ. પ્રેસ્ટીજ એસ્ટેટ તો 30મી જાન્યુઆરીએ ત્રિમાસિક પરિણામો માટે મળનારી બોર્ડ મીટીંગના એક સપ્તાહ પહેલાં જ સાપ્તાહિક પોણા ઓગણીસ ટકાના ગાબડાંએ રૂ. 1240 થઇ ગયો હતો. શુક્રવારે 7.64% ડાઉન હતો. બાવન વીક લો રૂ. 967.30 છે. ઓબેરોય રિયલ્ટી, ગોદરેજ પ્રોપર્ટી અને ડીએલએફ શુક્રવારે ત્રણથી સાડા ત્રણ ટકા ઘટી અનુક્રમે રૂ. 1757.50, રૂ. 2153.50 અને રૂ. 692.80 બંધ હતા. ડીએલએફે શુક્રવારે જાહેર કરેલ ત્રિમાસિક રિઝલ્ટમાં વર્ષાનુવર્ષ તુલનાએ નફો 61 ટકા વધ્યો હતો , જોકે આવકમાં ખાસ ફેરફાર ન હતો. ગોદરેજ પ્રોપર્ટીનું રિઝલ્ટ 4થી ફેબ્રુઆરીએ આવશે. જોકે રિયલ્ટી ઇન્ડેક્સનો રેમન્ડ દૈનિક 3.10% વધી રૂ. 1533 અને મેક્રોટેક ડેવલપર્સ પોણા બે ટકા સુધરી રૂ. 1100ના સ્તરે વિરમ્યા હતા.
આરબીઆઇ એક્શનમાઃ ત્રણ બેન્કોને દંડ
રિઝર્વ બેન્કે કેનેરા બેંક, બેંક ઓફ ઈન્ડિયા અને જમ્મુ એન્ડ કાશ્મીર બેંકોને ફાઇનેન્સીયલ ઇન્ક્લુઝન,કેવાયસી ધોરણો અને લોન અને એડવાન્સિસ સંબંધિત દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ ફટકાર્યો છે. ભારતીય રિઝર્વ બેંકે પ્રાયોરિટી ક્ષેત્રના ધિરાણ, થાપણો પરના વ્યાજ દરો અને નાણાકીય સમાવેશ અંગેની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવા બદલ કેનેરા બેંક પર ₹1.63 કરોડનો દંડ ફટકાર્યો છે. બેંક ઓફ ઈન્ડિયાને નિર્ધારિત સમયમર્યાદામાં ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં યોગ્ય ભંડોળ ટ્રાન્સફર કરવામાં નિષ્ફળ રહેવા બદલ ₹1 કરોડનો દંડ ફટકાર્યો છે. નાણાકીય સમાવેશ,કેવાયસી ધોરણો અને લોન અને એડવાન્સિસ સંબંધિત દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરવા બદલ જમ્મુ અને કાશ્મીર બેંકને ₹3.31 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. શુક્રવારે કેનેરા બેન્ક 1.48% ઘટી રૂ. 96.70, બેન્ક ઓફ ઇન્ડીયા 1.51% ગુમાવી રૂ. 98.20 અને જે એન્ડ કે બેન્ક 1.08% ઘટી રૂ. 90.48ના સ્તરે બંધ હતા.
ઇન્વેસ્ટરોને રૂપિયા પાંચ લાખ કરોડનું નુક્શાન
એનએસઇ લીસ્ટેડ શેરોનું માર્કેટ કેપીટલાઇઝેશન ઘટીને રૂ. 416.78(421.81) લાખ કરોડ અને બીએસઇ લીસ્ટેડ શેરોનું રૂ. 419.52(424.64) લાખ કરોડ હતુ.
FIIની નેટ વેચવાલી યથાવત
શુક્રવારે એફઆઇઆઇની રૂ. 2758 કરોડની નેટ વેચવાલી રહી હતી. ડીઆઇઆઇની રૂ. 2402 કરોડની નેટ લેવાલી જોવા મળી હતી. પરિણામે કેશ સેગ્મન્ટમાં ઓવરઓલ રૂ. 356 કરોડની નેટ વેચવાલી જોવા મળી હતી.
2025માં આ શેરો આ રેન્જમાં ધીમેધીમે એકઠાં કરવા જેવાં
અશોક લેલેન્ડ રૂ.204-150,બજાજ ઓટો રૂ. 8401-6500, ભારત ઇલેક્ટ્રોનિક્સ(બીઇએલ) રૂ. 185-250, ભારત પેટ્રો(બીપીસીએલ) રૂ.. 263-245, ઇન્ડસ ટાવર(534816) Rs 275-325, બોશ લિ.રૂ. 30356-27900, કોન્કોર રૂ. 625-725, દિવિસ લેબ રૂ. 5762-5425, આઇશર મોટર્સ રૂ. 4200-4600, ફેડરલ બેન્ક રૂ. 130-160, ગેઇલ રૂ. 175-160, હેવેલ્સ રૂ. 1300-1500, એચડીએફસી એએમસી રૂ. 3877-3800, એચડીએફસી બેન્ક રૂ. 1649-1600, એચપીસીએલ રૂ. 351-330, આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યો. રૂ. 1700-1750, ઇન્ડીગો રૂ. 3000-4000, ઇન્ફો એજ(નૌકરી) રૂ. 7447-7400, આઇટીસી રૂ. 375-400, લુપીન રૂ. 2134-1900, લોઢા( મેક્રોટેક ડેવલપર) રૂ. 1099-1000, મારુતિ રૂ. 9500-10400, મધરસન સુમી રૂ. 130-140, મુથુટ ફાઇનાન્સ રૂ. 1700-1900, એનટીપીસ રૂ. 250-300, પીએફસી રૂ. 407-380, આરઇસી રૂ. 446-400, શ્રીરામ ફાઇ. રૂ. 400-500,એસબીઆઇ રૂ. 744-660, સન ફાર્મા રૂ. 1200-1400, ટાટા મોટર્સ રૂ. 600-700, ટોરંટ ફાર્મા રૂ. 2200-2400 , ટ્રેન્ટ રૂ. 5490-5000, ટીવીએસ મોટર્સ રૂ. 1200-1800, અલ્ટ્રાટેક સિમેન્ટ રૂ. 8000-10000, યુનાઇટેડ સ્પીરીટ્સ રૂ. 1000-1100,વરૂણ બેવરેજીસ રૂ. 541-450, વેદાન્તા રૂ. 300-400, વિપ્રો રૂ. 240-260.
રોકાણ કરવા માટે અત્રે સૂચવેલી રેન્જમાં ભાવ આવે ત્યાં સુધી ધીરજથી રાહ જૂઓ, ભગવાન અને બજારમાં વિશ્વાસ રાખો અને તમે ફાળવી શકો તે મુજબના વધારાના ભંડોળોમાંથી બે -ત્રણ હપ્તામાં રોકાણ કરો.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)