મુંબઈ, 9 જૂનઃ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ને ચાલુ નાણાકીય વર્ષમાં ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ દ્વારા રૂ. 50,000 કરોડ સુધી એકત્ર કરવા માટે બોર્ડની મંજૂરી મળી છે. જેમાં લાંબા ગાળાના બોન્ડ, બેસલ-III સુસંગત વધારાના ટાયર-1 બોન્ડ અથવા બેસલ-III સુસંગત ટાયર-2 બોન્ડ વગેરેનો સમાવેશ થાય છે. બેન્કે FY24 દરમિયાન ભારતીય અને/અથવા વિદેશી રોકાણકારોને પ્રાઈવેટ પ્લેસમેન્ટના માધ્યમથી બોન્ડ જારી કરવાની સંમતિ પ્રાપ્ત કરી છે,  જે સરકારની મંજૂરીને આધિન રહેશે. માર્ચના અંત સુધીમાં, બેન્કનો મૂડી પર્યાપ્તતા ગુણોત્તર  (કેપિટલ એડેક્વન્સી રેશિયો) 14.68% હતો, જે એક વર્ષ અગાઉ 13.83% હતો.

SBIના ચેરમેન દિનેશ ખારાએ વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે, FY23માં સારા નફા સાથે, બેન્કની મૂડીની સ્થિતિ ભાવિ વૃદ્ધિની તકોનો ઉપયોગ કરવા માટે આરામદાયક છે. બેન્કે FY23 માટે રૂ. 50,232 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે વાર્ષિક ધોરણે લગભગ 59% વધારે છે. વર્ષ માટે વ્યાજની ચોખ્ખી આવક 1.45 લાખ કરોડ રૂપિયા હતી, જે લગભગ 20% વધારે છે. નાણાકીય વર્ષ 23 દરમિયાન SBIનો મૂડી ગુણોત્તર શ્રેષ્ઠ આયોજન, નફામાં વધારો અને બેન્કિંગ બુકના કાર્યક્ષમ જોખમ સંચાલનને કારણે સુધર્યો છે.