IPO: Tata Technologiesનો આઈપીઓ 21 નવેમ્બરે, ટાટા મોટર્સ રૂ. 1600 કરોડના શેર્સ વેચશે
અમદાવાદ, 17 ઓક્ટોબરઃ ટાટા ગ્રૂપની ટાટા ટેક્નોલોજીસનો IPO 21થી 24 નવેમ્બર દરમિયાન લોન્ચ થવા જઈ રહ્યો છે. 16300 કરોડની વેલ્યૂએશનના આધારે ટાટા ટેક્નોલોજીસના આઈપીઓની ઈશ્યૂ સાઈઝ રૂ. 3800-4000 કરોડની વચ્ચે રહેવાનો અંદાજ છે. જો કે, હજી કંપનીએ ઈશ્યૂ સાઈઝ અને પ્રાઈસ બેન્ડ જારી કરી નથી.
બીજી બાજુ ટાટા ટેક્નોલોજીસના આઈપીઓ પહેલાં ટાટા મોટર્સે ટાટા ટેક્નોલોજીસનો 9.9% હિસ્સો આશરે રૂ. 1,614 કરોડમાં વેચવાની જાહેરાત કરી છે. આ હિસ્સો એન્કર ઈન્વેસ્ટર TPG રાઇઝ ક્લાઇમેટ ટ્રાન્ઝેક્શન 9% અને રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશન બાકીનો 0.9% હિસ્સો ખરીદશે.
કંપનીએ આ વર્ષે માર્ચમાં સેબીમાં તેના IPOનો ડ્રાફ્ટ ફાઇલ કર્યો હતો, જેને મંજૂરી મળી ચૂકી છે. ઈશ્યૂ માટે ડ્રાફ્ટ ફાઈલ થયો ત્યારથી ગ્રે માર્કેટમાં સોદાઓ થઈ રહ્યા છે. જેના માટે ઉંચા ગ્રે પ્રિમિયમ બોલાઈ રહ્યા છે. હાલ ટાટા ટેક્નોલોજીસ માટે રૂ. 280 ગ્રે પ્રિમિયમ ચાલી રહ્યું છે. ટાટા ગ્રૂપે અગાઉ 2004માં ટીસીએસનો આઈપીઓ યોજ્યો હતો. જે આજે અનેકગણુ રિટર્ન આપી રહ્યું છે.
IPOમાં 95,708,984 ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ ઓફરનો સમાવેશ થાય છે. જેમાં ટાટા મોટર્સ 8.11 કરોડ શેરનું વેચાણ કરશે અને અન્ય વેચનાર શેરધારકોમાં આલ્ફા ટીસી હોલ્ડિંગ્સ અને ટાટા કેપિટલ ગ્રોથનો સમાવેશ થાય છે.
ઇશ્યુમાં, ટાટા ટેક્નોલોજીસે ટાટા મોટર્સના પાત્ર શેરધારકો માટે 10% ક્વોટા અનામત રાખ્યો છે. ટાટા મોટર્સ હાલમાં કંપનીમાં 74.69% હિસ્સો ધરાવે છે. જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટિંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને બોફા સિક્યોરિટીઝ ઇન્ડિયા લિમિટેડ બુક-રનિંગ લીડ મેનેજર છે.
Tata Motorsનો શેર આજે બીએસઈ ખાતે 1.55 ટકા ઘટાડા સાથે 655.75 પર બંધ રહ્યો હતો. જે ગઈકાલે 677.90ની વાર્ષિક ટોચે પહોંચ્યો હતો. ટાટા મોટર્સની 52 વીક લો સપાટી 375.50 છે.