સરકારે પેટ્રોલિયમ ક્રૂડ પર વિન્ડફોલ ટેક્સ વધારતા ઓઈલ-ગેસ શેરો પર પ્રેશર, એવિએશને ફાયદો થવાની શક્યતા
- પેટ્રોલિયમ ક્રૂડ પર વિન્ડફોલ ટેક્સ 9,800 રૂપિયા પ્રતિ ટન કર્યો
- ડિઝલ પર વિન્ડફોલ ટેક્સ 2 રૂપિયા પ્રતિ લીટર ઘટાડ્યો
- એવિએશન ટર્બાઈન ઈંધણ પર વિન્ડફોલ ટેક્સ શૂન્ય થયો
અમદાવાદ, 1 નવેમ્બરઃ ભારત સરકારે સ્થાનિક સ્તરે ઉત્પાદિત પેટ્રોલિયમ ક્રૂડ પર વિન્ડફોલ ટેક્સ 1 નવેમ્બરથી 9,050 રૂપિયા પ્રતિ ટનથી વધારીને 9,800 રૂપિયા પ્રતિ ટન કર્યો છે, સરકારી નોટિફિકેશન અનુસાર, એવિએશન ટર્બાઇન ઇંધણ પર વિન્ડફોલ ટેક્સ 1 રૂપિયા પ્રતિ લિટરથી ઘટાડીને શૂન્ય કરવામાં આવ્યો છે.
શેરબજારમાં આજે ઓઈલ એન્ડ ગેસ સેગમેન્ટના શેરોમાં પ્રેશર જોવા મળી શકે છે. બીજી બાજુ એવિએશન સેક્ટર માટે રાહતના સમાચારથી શેરો સુધારાતરફી વલણ દર્શાવી શકે છે. રિલાયન્સ, ઓએનજીસી, ઈન્ડિયન ઓઈલ, બીપીસીએલ, ઓઈલ ઈન્ડિયા, પેટ્રોનેટ એલએનજી સહિતના શેરો પર પ્રેશર, જ્યારે Hindustan Aeronautics, Indigo, Blue Dart, spicejetના શેરોમાં પોઝિટીવ ટ્રેન્ડ જોવા મળી શકે છે.
સરકારે ડીઝલ પરનો વિન્ડફોલ ટેક્સ પણ 4 રૂપિયા/લિટરથી ઘટાડીને 2 રૂપિયા/લિટર કર્યો છે. અગાઉ સરકારે 18 ઓક્ટોબરે પેટ્રોલિયમ ક્રૂડ પર વિન્ડફોલ ટેક્સ 12,100 રૂપિયા પ્રતિ ટનથી ઘટાડીને 9,050 રૂપિયા પ્રતિ ટન કર્યો હતો.
ભારત સરકારે સૌપ્રથમ 1 જુલાઈ, 2022ના રોજ વિન્ડફોલ પ્રોફિટ ટેક્સ લાદ્યો હતો. જેમાં ક્રૂડ ઓઇલ ઉત્પાદકો પર વિન્ડફોલ ટેક્સ લાદ્યો હતો અને બાદમાં રિફાઇનર્સે વિદેશમાં મજબૂત રિફાઇનિંગ માર્જિનથી લાભ મેળવવાનું શરૂ કર્યા પછી ગેસોલિન, ડીઝલ અને ઉડ્ડયન ઇંધણની નિકાસ પર વસૂલાત લંબાવી હતી.
ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો
સોમવારે તીવ્ર ઘટાડા પછી ગ્લોબલ ક્રૂડના ભાવ મંગળવારે સ્થિર હતા. ડિસેમ્બર બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 21 સેન્ટ્સ અથવા 0.24% વધીને $87.66 પ્રતિ બેરલ હતા. ચીનમાં અપેક્ષા કરતાં નબળા ઉત્પાદન અને નોન-મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિના ડેટાએ વિશ્વના બીજા ક્રમના ઓઈલ વપરાશકાર તરફથી ઈંધણની માગ ઘટવાની ભીતિ તેમજ ગાઝા પટ્ટીમાં જિઓ-પોલિટિકલ ક્રાઈસિસના કારણે તેલના ભાવમાં આંશિક ઘટાડો થયો હતો.