TCSનો Q1 નફો 5 ટકા વધી 9478 કરોડ, રૂ.8 વચગાળાનું ડિવિડન્ડ

તાતા કન્સલ્ટન્સી સર્વિસિઝ (TCS)એ જૂન-22ના અંતે પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક માટે ચોખ્ખો નફો5 ટકા વૃદ્ધિ સાથે ચોખ્ખો નફો રૂ. 9478 કરોડ (રૂ. 9008 કરોડ) નોંધાવ્યો છે. જોકે, માર્ચ ક્વાર્ટરના રૂ. 9926 કરોડના નફાની સામે જૂન ક્વાર્ટરનો નફો 4.5 ટકા ઘટ્યો છે. કંપનીએ શેરદીઠ રૂ. 8નું ઇન્ટરિમ ડિવિડન્ડ જાહેર કર્યું છે. દરમિયાનમાં કંપનીની આવકો 16 ટકા વધી રૂ. 52758 કરોડ (રૂ. 45411 કરોડ) થઈ છે.

કંપની કુશળ કર્મચારીઓની ભરતી માટે કટીબદ્ધ

TCSના સીઈઓ અને એમડી રાજેશ ગોપીનાથને પરિણામો જાહેર કરતાં નિવેદન આપ્યુ હતુ કે, અમે અમારા તમામ સેગમેન્ટમાં સર્વાંગી વૃદ્ધિ અને મજબૂત ડીલ સાથે ટકાઉ ગ્રોથ હાંસિલ કરતાં નાણાકીય વર્ષની શરૂઆત કરી રહ્યા છીએ. પાઈપલાઈનમાં સામેલ ડીલ ક્લોઝર તરફ ઝડપથી આગળ વધી રહી છે. જો કે, મેક્રો લેવલે અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખતાં સાવચેતી સાથે આગળ વધીશું. ટેક્નોલોજી ખર્ચ તેમજ કુશળ કર્મચારીઓની ભરતી કરવા પ્રતિબદ્ધ છીએ.

પરીણામના દિવસે શેર રૂ.22.10 ઘટ્યો

કંપનીનો શેર આજે ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન રૂ. 3297- 3300.25ની રેન્જમાં રમી દિવસના અંતે  રૂ. 22.10 એટલેકે 0.67 ટકા ઘટી 3264.85 બંધ રહ્યો હતો. જૂન ત્રિમાસિકમાં શેરદીઠ કમાણી 25.90 રહી હતી. ઉલ્લેખનીય છે કે, શેરબજારના કરેક્શનની સાથે આ આઈટી મેજર સ્ટોક ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યારસુધી 15 ટકા તૂટી ચૂક્યો છે.

કર્મચારીઓની સંખ્યા 6 લાખથી વધુ, પગારમાં 8 ટકા વૃદ્ધિ

ટીસીએસે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં જ વધુ નવા 14136 કર્મચારીઓની ભરતી કરી હતી. આ સાથે 30 જૂન સુધી કંપનીમાં કુલ 606331 કર્મચારીઓ ઉપસ્થિત છે. કંપની એચઆર ઓફિસર મિલિંદ લક્કડે મુજબ, કર્મચારીઓના પગારમાં 5થી 8 ટકાનો વધારો થયો છે. જો કે, બીજી બાજુ છટણીનો દર 19.7 ટકા નોંધાયો હતો.

IOT કન્સલ્ટન્સીમાં TCS નંબર વન

એશિયા-પેસિફક રીઝન (APAC)માં ભારતની ટોચની આઈટી કંપની TCS આઈઓટી (ઈન્ટરનેટ ઓફ થિંગ્સ) કન્સલ્ટન્સીમાં નંબર વન બની છે.